માફિયા મુખ્તારની તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ કરાયો
જેલમાં બંધ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની તબિયત બગડતાં ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, એમ તેના ભાઈ અને ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ મંગળવારે જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીની હાલત સોમવારે મોડી રાત્રે ખરાબ થઈ ગઈ હતી. તેને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.
જેલ વિભાગે રાત્રે જ પત્ર મોકલી મુખ્તારના પરિવારને જાણ કરી હતી. મુખ્તારની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. ડીજી જેલ એસએન સબતનું કહેવું છે કે માફિયા મુખ્તાર અંસારીને પેટ અને યુરિનરી ઈન્ફેક્શન છે. જેલના અધિકારીનાજણાવ્યા અનુસાર હાલત ગંભીર નથી. જોકે, તેના ભાઇ અફઝલ અંસારીએ દાવો કર્યો હતો કે જિલ્લા, જેલ અને હોસ્પિટલ સત્તાવાળાઓ મુખ્તારના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે પરિવારને વિગતો આપતા નથી.
“માત્ર આટલું જ નહીં, મુખ્તારના વકીલને પણ તેને મળવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. હવે જ્યારે પરિવારના સભ્યો ત્યાં પહોંચશે ત્યારે જ તેની સ્થિતિ વિશે કંઈપણ જાણી શકાશે.” અફઝલ અંસારીએ કહ્યું હતું કે તેણે બાંદા જતા પહેલા મુખ્ય પ્રધાન કાર્યાલયને ફોન કર્યો હતો, પરંતુ ગોરખપુરમાં રહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સંપર્ક કરી શક્યો ન હતો. તેણે કહ્યું હતુ કે, મુખ્ય પ્રધાન કાર્યાલયને ફોન કરવાનો હેતુ મુખ્તારને અન્ય કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની વિનંતી કરવાનો હતો.
નોંધનીય છે કે મુખ્તારે કોર્ટમાં આપેલા લેખિત નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે તેને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે અને તેની તબિયત દિવસેને દિવસે બગડી રહી છે. જેલ પ્રશાસને આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા. અંસારીના વકીલોએ કંઈક અઘટિત થવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ અંસારીની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ICU વોર્ડની સાથે પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.