ભૂતાનના રાજાએ વડાપ્રધાન મોદીને આપ્યું ખાસ ડિનર, PM મોદી સાથે ભૂતાનના રાજાના બાળકોની તસવીરો થઇ વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 23 માર્ચે બે દિવસીય ભૂતાનની મુલાકાતે હતા. આ દરમિયાન પીએમ મોદીનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાનના સન્માનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે પીએમ મોદી માટે લિંગકાના પેલેસમાં ડિનરનું આયોજન કર્યું હતું. આની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે.
ભૂતાન સાથે ભારતના અનોખા સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે પીએમ મોદી શુક્રવારે બે દિવસની સરકારી મુલાકાતે ભૂતાન પહોંચ્યા હતા. ભૂતાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ભૂતાનના પીએમ શેરિંગ તોબગેએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. પીએમ શેરિંગ તોબગેએ મોદીને ગળે લગાવીને આવકાર્યા હતા.
PM મોદીએ શનિવારે 23 માર્ચે Gyaltsuen Jetsun Pema Wangchuck મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીને અહીં ભુતાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ વિદેશી સરકારના વડા છે.
ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે વડાપ્રધાન મોદીને આ સન્માનથી સન્માનિત કર્યા હતા. બંને દેશોએ અનેક એમઓયુની આપલે કરી. ઊર્જા, વેપાર, ડિજિટલ કનેક્ટિવિટી, અવકાશ અને કૃષિ ક્ષેત્રે પણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સિવાય બંને દેશો વચ્ચે રેલ કનેક્ટિવિટી સ્થાપવા અંગેના એમઓયુને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મોદી ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકને મળ્યા હતા અને વડા પ્રધાન શેરિંગ તોબગે સાથે વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.