નેશનલ

સંદેશખાલી પીડિતા વિરુદ્ધ ‘ડર્ટી પૉલિટિક્સ’, ભાજપમાંથી ટિકિટ મળતાં બસીરહાટમાં પોસ્ટર વોર શરૂ

કોલકાતાઃ ભારતીય જનતા પાર્ટીએ સંદેશખાલી કેસની ‘પીડિતા’ રેખા પાત્રાને બસીરહાટ લોકસભા બેઠક પરથી તેના ઉમેદવાર બનાવ્યા પછી આ વિસ્તારમાં કેટલીક જગ્યાએ તેમના વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા છે. આ પોસ્ટરો ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર રેખા પાત્રાની ઉમેદવારીની નિંદા કરવામાં આવી છે. રેખા પાત્રાને તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શાહજહાં શેખ અને તેના સહયોગીઓના હાથે કથિત રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો.

રેખા પાત્રા વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ ભાજપે રાજ્યની શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આંગળી ચીંધી છે. જોકે, TMCએ આરોપને ફગાવી દીધો છે. રેખા પાત્રા, જેઓ હજી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા નથી, તેમને બસીરહાટ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સંદેશખાલી બસીરહાટ મતવિસ્તારનો ભાગ છે.


બીજેપીએ સીટ પરથી પાત્રાના નામાંકનની જાહેરાત કર્યાના એક દિવસ બાદ સોમવારે ‘અમને રેખા પાત્રા ઉમેદવાર તરીકે નથી જોઈતી’ અને ‘અમને રેખા પાત્રાન બીજેપીના ઉમેદવાર તરીકે જોઈતી નથી’ જેવા શબ્દો સાથેના પોસ્ટર જોવા મળ્યા હતા. ભાજપના એક સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે, ‘આ પોસ્ટર અમે નહોતા લગાવ્યા. તૃણમૂલ કોંગ્રેસે સસ્તી રાજનીતિ કરવા માટે આ કર્યું છે.


જો કે, ટીએમસીએ આ આરોપને નકારી કાઢ્યો છે. આ દરમિયાન પાત્રાને ઉમેદવાર બનાવાતા વિસ્તારની કેટલીક મહિલાઓએ ખુશી વ્યક્ત કરી છે. એક સ્થાનિક મહિલાએ કહ્યું હતું કે, ‘અમે પહેલા ક્યારેય સાંસદ જોયા નથી. હવે આપણા ગામમાંથી જ સાંસદ બની શકે છે.

રેખા પાત્રાએ શાહજહાં સામે મોરચો ખોલ્યો હતો અને તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. તેની ફરિયાદના આધારે પોલીસે સ્થાનિક મસલમેન અને શાહજહાં શેખના સહયોગી શિબુ હઝરાની ધરપકડ કરી છે. 6 માર્ચે બારાસતમાં પીએમ મોદીની જાહેર સભા પછી રેખા પાત્રા સહિત અન્ય પીડિતા મહિલાઓનું જૂથ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. આ મહિલાઓએ સંદેશખાલીની મહિલાઓની દુર્દશા વડાપ્રધાનને જણાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button