નેશનલ

આ દેશમાં વિદેશ પ્રધાન પછી હવે સંરક્ષણ પ્રધાન પણ થયા ગાયબ

2 અઠવાડિયાથી ક્યાંય નજરે નથી પડ્યા

બીજિંગ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાને બદલે G-20માં ચીનના વડા પ્રધાનને મોકલ્યા હતા અને આ વાત ઘણા સમય સુધી ચર્ચાસ્પદ બની રહી. હવે ચીનના રક્ષા પ્રધાનના ગાયબ થવાની અટકળો વહેતી થઇ છે. ચીનના સંરક્ષણ પ્રધાન લી શાંગફૂ લગભગ 2 અઠવાડિયાથી લાપતા છે. કોઇને ખબર નથી કે તેઓ ક્યાં છે. હવે સાર્વજનિક જીવનમાં તેમની ગેરહાજરીને લઇને સવાલો ઉઠી રહ્યા છે.

આ અંગે જાપાન સ્થિત અમેરિકાના રાજદૂત રેહમ ઇમાન્યુએલે સોશિયલ મીડિયા સાઇટ X પરની પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ચીનમાં બીજી હાઇપ્રોફાઇલ ગુમનામી છે. આની પહેલા પૂર્વ વિદેશ પ્રધાન કિન ગેંગ પણ લોકોની નજરોમાંથી ગાયબ છે. બીજિંગમાં શું ચાલી રહ્યું છે, એ વિશે કોઇને ખ્યાલ નથી.


લી શાંગફૂને આ વર્ષે માર્ચ મહિનામાં વેઇ ફેંગહેની જગ્યાએ ચીનના રક્ષા પ્રધાન તરીકે નીમવામાં આવ્યા હતા. તેમણે ગત વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્રીય સૈન્ય આયોગમાંથી રાજીનામું આપી દીધું હતું. પહેલાના રક્ષા પ્રધાનોથી વિપરિત, લી શાંગફૂ પોતે સૈન્ય પરિવારમાંથી આવે છે. તેમના દિવંગત પિતા લી શાઓઝુ એક રેડ આર્મીમાં રહી ચુક્યા છે. જેઓ વર્ષ 1930 અને 1940ના દાયકામાં ગૃહયુદ્ધ અને કોરિયા સાથેની લડાઇમાં લોજીસ્ટિક રેલવેના પુન:નિર્માણમાં તેમની ભૂમિકા માટે પ્રખ્યાત થયા હતા.


હોંગકોંગ સ્થિત અખબાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ મુજબ તેમને છેલ્લીવાર 29 ઓગસ્ટે બીજિંગમાં ચીન-આફ્રિકા ફોરમને સંબોધિત કરતા જોવામાં આવ્યા હતા. તે પહેલા તેઓ 6 દિવસની રશિયા અને બેલારૂસની મુલાકાતે ગયા હતા. મિન્સ્કમાં તેમણે બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે મુલાકાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button