ખંડણી માટે અપહરણ બાદ નવ વર્ષના બાળકની હત્યા: ટેઈલરની ધરપકડ
ઘરના બાંધકામ માટે 23 લાખ રૂપિયાની માગણી કરી હોવાનો આરોપીનો દાવો

થાણે: બદલાપુરમાં ઘર બાંધવા માટે 23 લાખ રૂપિયાની જરૂર હોવાથી ટેઈલરે નવ વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ગામના એક ઘરમાંથી ગૂણીમાં સંતાડેલો બાળકનો મૃતદેહ મળી આવ્યા પછી પોલીસે આરોપીની પણ ધરપકડ કરી હતી.
બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે હત્યા કરાયેલા બાળકની ઓળખ ઈબાદત તરીકે થઈ હતી. ગોરેગાંવ ગામમાં રહેતો ઈબાદત રવિવારે સાંજે નમાઝ પઢવા મસ્જિદમાં ગયા પછી ગુમ થઈ ગયો હતો.
આ પણ વાંચો: ભાંડુપથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ: ગુજરાતી મહિલા સહિત ચારની ધરપકડ
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી બાળકને ઓળખતો હતો. ખાવાની વસ્તુ અપાવવાની લાલચે તેણે બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણ પછી અપહરણકારે બાળકના વડીલને ફોન કરી બાળકને છોડવા માટે 23 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે આ રકમ તેને ઘરના બાંધકામ માટે જોઈતી હોવાનો દાવો આરોપીએ કર્યો હતો.
આ પણ વાંચો: UP:બાહુબલી ધનંજય સિંહને અપહરણ કેસમાં 7 વર્ષની સજા
માહિતી મળતાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી. રવિવાર રાત સુધી પોલીસે તપાસ કર્યા છતાં બાળકની કોઈ ભાળ મળી નહોતી કે અપહરણકાર પણ હાથ લાગ્યો નહોતો.
સોમવારે બપોરે ગામના એક ઘરમાંથી ગૂણીમાં બાંધેલો બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ બાદ પોલીસે એ જ પરિસરમાં રહેતા ટેઈલરની ધરપકડ કરી હતી. જોકે જે ઘરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો તે આરોપીનું છે કે કેમ તેનો ખુલાસો થઈ શક્યો નહોતો. (પીટીઆઈ)