ભાંડુપથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ: ગુજરાતી મહિલા સહિત ચારની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૉકલેટની લાલચે ભાંડુપથી પાંચ વર્ષની બાળકીનું કથિત અપહરણ કરવાના કેસમાં પોલીસે થાણેમાં રહેતી ગુજરાતી મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ અપહૃત બાળકીને વેચવાની યોજના બનાવી હતી, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરી બાળકીને સહીસલામત છોડાવી હતી.
ભાંડુપ પોલીસે પકડી પાડેલી ચારેય મહિલાની ઓળખ પાયલ હેમંત શાહ (32), દિવ્યા કૈલાસ સિંહ (33), ખુશબૂ રામઆશિષ ગુપ્તા (19) અને મૈના રાજારામ દિલોડ (39) તરીકે થઈ હતી. ધરપકડ કરાયેલી ચારેય મહિલાને કોર્ટે 28 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો: નાઈજીરિયાના ઉત્તર-પૂર્વમાં ગનમેન દ્વારા 287 વિદ્યાર્થીઓનું અપહરણ: મુખ્ય શિક્ષકનો દાવો
પોલીસના જણાવ્યા મુજબ ઘટના હોળીને દિવસે, રવિવારની રાતે 9.30 વાગ્યાની આસપાસ બની હતી. ભાંડુપમાં રહેતી બાળકી ધુળેટીમાં રમવા માટે નજીકની દુકાનમાંથી ફુગ્ગા ખરીદવા ગઈ તે પાછી ફરી નહોતી. વડીલોએ આસપાસના પરિસરમાં શોધખોળ શરૂ કરતાં એક વ્યક્તિએ બાળકીને જોઈ હોવાની માહિતી આપી હતી. એ જ પરિસરમાં રહેતી ખુશબૂ ગુપ્તા અને એક અજાણી મહિલાને બાળકીને રિક્ષામાં લઈ જતી એ વક્તિએ જોઈ હતી.
આ પ્રકરણે બાળકીના વડીલોએ ભાંડુપ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તાત્કાલિક મોબાઈલ લૉકેશનને આધારે ખુશબૂને શોધી કાઢી હતી. ચૉકલેટની લાલચ આપી બહેનપણી મૈના દિલોડની મદદથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની કબૂલાત ખુશબૂએ કરી હતી. બાળકીને વેચવા માટે થાણેના બાળકુમ પરિસરમાં રહેતી પાયલ અને દિવ્યાને સોંપવામાં આવી હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: મણિપુરમાં વરિષ્ઠ પોલીસ અધિકારીનું અપહરણ, તણાવ વધતા આસામ રાઈફલ્સની ચાર કોલમ તૈનાત
માહિતીને આધારે પોલીસની એક ટીમે થાણેથી પાયલ અને દિવ્યાને પકડી પાડી બાળકીને છોડાવી હતી. આ રીતે આરોપીઓએ અગાઉ પણ બાળકોનું અપહરણ કરી તેમને વેચ્યાં છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.