મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ત્રણ વાહનોનો અકસ્માત, દૂધના ટેન્કરચાલકનું મોત
મુંબઈ: મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર ત્રણ વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક દૂધના ટેન્કરને ટક્કર વાગતા ટેન્કરનું દૂધ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર રોજે હજારો વાહનની અવરજવર થાય છે અને વીકએન્ડ અને તહેવારોના દિવસોમાં તો સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ગઈકાલે બપોરે 12 વાગ્યે ત્રણ વાહન વચ્ચે થયેલા અકસ્માતમાં ટેન્કરચાલકનું જગ્યા પર જ મૃત્યુ થયું હતું અને બીજા બે વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આમ છતાં સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર બે જણનાં જીવ બચી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરીને આપઘાત થયેલા ત્રણેય વાહનને રસ્તાની બાજુમાં કરીને ટ્રાફિકને રવાના કર્યો હતો. આ અકસ્માત બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે પુણેથી એક દૂધનું ટેન્કર મુંબઈ જવા રવાના થયું હતું. આ ટેન્કર ખપોલીના ભોરઘાટથી નીચે ઊતરતી વખતે ડ્રાઇવરે લેન બદલતા તેણે સામેથી આવી રહેલી બે કારને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટેન્કરચાલકનું જગ્યા પર જ મૃત્યુ થયું હતું અને દૂધ રસ્તા પર ઢોળાઈ જતાં માર્ગમાં ટ્રાફિક નિર્માણ થયો હતો. જોકે આ ટક્કરમાં કારમાં સવાર બે લોકોને ઇજા થઈ હતી અને બંને કારનો કચ્ચરઘાણો નીકળી ગયો હતો. અકસ્માતમાં જખમી થયેલા લોકોણે તરત જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી ખપોલી પોલીસને આપવામાં આવી હતી, ત્યાર બાદ પોલીસે અકસ્માતના ઠેકાણે પહોંચી ટેન્કરચાલકના મૃતદેહને તાબામાં લઈને અકસ્માત થયેલા ટેન્કર અને બે કારને રસ્તાની બાજુમાં મૂકી રસ્તા પરની ટ્રાફિકને ઓછી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે હોળીના દિવસે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં પણ પાંચ અકસ્માત થયા હતા જેમાં લગભગ 10 લોકોના મોત થયા હતા. મેળઘાટમાં એક બાઇકને કારે ટક્કર મારતા બાઇક પર સવાર એક જ કુટુંબના ચાર વ્યક્તિનું મૃત્યુ થયું હતું. બીજા અકસ્માતમાં પણ મેળઘાટમાં એક એસટી બસ ખીણમાં પડી જવાની ઘટના બની હતી અને આ સાથે બડનેરામાં પણ એક બાઇક અકસ્માતમાં બે ભાઈઓનું મૃત્યુ થયું હતું, એવું માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.