ઉજ્જૈન: મધ્યપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વરના ગર્ભગૃહમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી (Ujjain Mahakal Temple Fire). પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ ફાટી નીકળી હતી. તે સમયે મંદિરમાં હજારો ભક્તો હાજર હતા. બધા મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. ઘાયલ સેવકે જણાવ્યું કે પાછળથી આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઈએ ગુલાલ ઉડાવ્યો હતો. ગુલાલ દીવા પર પડ્યો. સંભવતઃ ગુલાલમાં કેમિકલ હોવાના કારણે આગ લાગી હતી.
ગર્ભગૃહની ચાંદીની દીવાલને રંગથી બચાવવા માટે ત્યાં પડદા લગાવવામાં આવ્યા હતા. તેમાં પણ આગ ફેલાઈ હતી. કેટલાક લોકોએ ફાયર ફાયટરોની મદદથી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા.
ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈ ગંભીર નથી. તમામ સ્થિર છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે કમિટી તપાસ કરશે.
મહાકાલ મંદિરના પૂજારી આશિષ ગુરુએ જણાવ્યું કે ભસ્મ આરતી દરમિયાન જ્યારે પૂજા-આરતી ચાલી રહી હતી ત્યારે આગ ફાટી નીકળી હતી. બાબાની કૃપાથી કોઈ મોટી ઘટના બની નથી. હું મહાકાલને પ્રાર્થના કરું છું કે દરેક વ્યક્તિ સ્વસ્થ થઈ જાય.