પ્રચારમાં સીબીઆઈની હેરાનગતિ મુદ્દે મહુઆ મોઈત્રાએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
નવી દિલ્હી: તૃણમુલ કૉંગ્રેસ (ટીએમસી)નાં નેતા મહુઆ મોઈત્રાને લાંચ લઈને સંસદના સત્રમાં સવાલ પૂછવાના (Cash For Query Case) આરોપસર તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ આરોપ અંગે મહુઆ મોઈત્રાની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી ચૂંટણી પંચને પત્ર લખીને સીબીઆઇ તપાસના નામે તેમને ચૂંટણી પ્રચારમાં હેરાન કરી રહી હોવાની ફરિયાદ મહુઆ મોઈત્રાએ કરી હતી.
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કૃષ્ણનગરથી ટીએમસીનાં ઉમેદવાર મહુઆ મોઈત્રાએ તેમના ઘરે સીબીઆઇના દરોડા પણ ગેરકાયદે હોવાનો આરોપ લગાવ્યો હતો. ટીએમસીનાં નેતા મહુઆ મોઈત્રા સામે લાંચ લેવાના કેસમાં સીબીઆઇએ કાર્યવાહી હાથ ધરી છે. સીબીઆઇ દ્વારા આ કેસની તપાસ કરવા માટે મહુઆ મોઈત્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ દરોડાને રોકવા માટે મોઈત્રાએ ચૂંટણી પંચને પત્ર લખી સીબીઆઇ દ્વારા તેમને હેરાન કરવાની સાથે તેમના ચૂંટણી પ્રચારમાં અડચણ નિર્માણ થઈ રહી છે અને તે માટે સીબીઆઇ પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ તેમણે કરી હતી.
23 માર્ચે સીબીઆઇ દ્વારા અલીપુર અને કૃષ્ણાનગરમાં ચાર જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલા પણ મહુવા મોઈત્રા સામે સીબીઆઇ દ્વારા એફઆઇઆર નોંધવામાં આવી હતી. સીબીઆઇની આ કાર્યવાહી અંગે ચૂંટણી પંચને પત્ર લખીને સીબીઆઇની કાર્યવાહીથી તેમની લોકસભાના ચૂંટણી પ્રચારને અસર થઈ રહી છે, જેથી સીબીઆઇની આ કાર્યવાહીને સ્થગિત કરવાનો આદેશ જાહેર કરવામાં આવે એવી અરજી કરી હતી.
લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, જેથી આ દરમિયાન સીબીઆઇની તપાસ અને દરોડા માટે તાત્કાલિક માર્ગદર્શિકા જાહેર કરવાની જરૂર છે. મારી ઉમેદવારીની જાણ હોવા છતાં સીબીઆઇ જાણે જોઈને મારી મિલ્કત પર દરોડા પાડીને તેમને જપ્ત કરી રહી છે. આ દરોડાને લીધે મારા ઈલેક્શન કેમ્પેનને નુકસાન થઈ રહ્યું છે અને મારી છબિ પણ ખરાબ થઈ રહી છે. સીબીઆઇના દરોડામાં તેમને કોઈપણ પુરાવા મળ્યા નથી, જેથી આ કાર્યવાહીને ચૂંટણી સુધી બંધ રાખવામાં આવે આવી માગણી મહુઆ મોઈત્રાએ ચૂંટણી પંચને પત્ર લખીને કરી હતી.