જય ભોલેનાથઃ પ્રભાસ હવે શિવના શરણે

સાઉથનો હીરો પ્રભાસ હવે ભગવાન શિવના શરણે જવાનો છે. તેની ફિલ્મ આદિપુરુષમાં તેણે શ્રીરામનો રોલ કર્યો હતો, પરંતુ ફિલ્મની પટકથા અને ડિરેક્શનને લીધે તે દર્શકોની નારાજગી ને ગુસ્સાનો ભોગ બન્યો હતો. ત્યારે હવે તે શિવની ભૂમિકા ભજવવા જઈ રહ્યો હોવાની માહિતી મીડિયા રિપોર્ટ્સથી મળી છે.
બાહુબલી ફિલ્મને મળેલી સફળતા બાદ પ્રભાસ દેશભરમાં જાણીતો ચહેરો બની ગયો છે. વર્તમાન સમયે તે પ્રોજેક્ટ કલ્કિ 2898 AD અને સાલારને લઈને ચર્ચામાં છે. થોડા મહિના પહેલાં આવેલી આદિપુરુષ ફિલ્મની ટીકાઓ થયા બાદ પણ પ્રભાસ પર ઘણા ચાહકોને વિશ્વાસ છે. તેની આગામી ફિલ્મો બાબતે ઘણી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે. આ દરમિયાન તેની વધુ એક ફિલ્મની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં તે ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે.
‘આદિપુરુષ’માં તેણે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે આગામી ફિલ્મમાં તે ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળવાનો હોવાના અહેવાલો સામે આવતા ચાહકોને ચિંતા છે કે, આ ફિલ્મની હાલત ક્યાંક આદિપુરુષ ફિલ્મ જેવી ન થાય.
પ્રભાસની આ ફિલ્મનું નામ ‘કન્નપ્પા- અ ટ્રુ એપિક ઇન્ડિયન ટેઈલ’ છે. જેમાં તેલુગુ સ્ટાર વિષ્ણુ માંચુ પણ જોવા મળશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફિલ્મમાં કૃતિ સેનનની બહેન નૂપુર સેનન પણ જોવા મળશે.
વિષ્ણુ માંચુએ અહેવાલની પુષ્ટિ કરી હતી. તેમને કેપ્શન આપ્યું હતું કે, હર હર મહાદેવ, કન્નપ્પા. જો આ ફિલ્મ બનશે તો પ્રભાસ ત્રીજી વખત ભગવાનના રોલમાં જોવા મળશે. પ્રભાસે આદિપુરુષ ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. તેની આગામી ફિલ્મ કલ્કિ 2898 ADમાં તેનો રોલ ભગવાન વિષ્ણુ પર આધારીત છે. હવે તે ભગવાન શિવના રોલમાં જોવા મળી શકે છે.
ત્યારે હવે ભગવાનના રામનો રોલ કરી વિવાદોમાં સપડાયો હોવા છતાં પ્રભાસ શિવનો રોલ કરી રહ્યો છે. જોકે પ્રભાસ એક સફળ અભિનેતા છે અને તેનો ચાહકવર્ગ મોટો છે ત્યારે તેને ભગવાન શિવની સાધના ફળે તેવી સૌ કોઈ આશા સેવી રહ્યા છે. ઘણા તેના આ નિર્ણયને જોખમી તો ઘણા બહાદુરીભર્યો ગણાવી રહ્યા છે. હવે સાચું કોણ તે તો ફિલ્મ રીલિઝ થાય તે પછી જ નક્કી થાય. જોકે કોઈપણ ધર્મ કે દેવી-દેવતાનો રોલ કરે ત્યારે લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે, તે વાત પ્રભાસને હવ તો સમજાઈ ગઈ હશે.