હવે આ અભિનેત્રીને મળ્યું છે લોકસભાની ચૂંટણી લડવાનું આમંત્રણ, પિતાએ કર્યો ખુલાસો
પટણાઃ જાણીતી અભિનેત્રી કમ મોડલ નેહા શર્મા હવે રાજકારણમાં જોડાય એ બાબતને લઈને ફરી એક વખત ચર્ચામાં આવી છે. બિહારના ભાગલપુરથી કૉંગ્રેસના નેતા અને વિધાનસભ્ય અજિત શર્મા તેમની દીકરી અભિનેત્રી નેહા શર્માને પણ રાજકારણમાં ઉતારવાના સંકેત આપ્યા હતા. લોકસભાની 2024ની ચૂંટણીમાં નેહા શર્માને ઉમેદવાર જાહેર કરવાની ચર્ચા બાબતે અજિત શર્માએ મોટો ખુલાસો કરવાની સાથે નેહા શર્માએ આપેલા જવાબ પણ લોકોને જણાવ્યો હતો.
બિહારના ભાગલપુરના કૉંગ્રેસના વિધાનસભ્ય અજિત શર્માએ ખુલાસો કર્યો હતો કે હું અને કૉંગ્રેસ પાર્ટી બંન્નેની ઈચ્છા છે કે મારી દીકરી નેહા શર્મા આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતરે. અજિત શર્માએ કહ્યું હતું કે આ બાબતે મેં નેહા સાથે વાત કરી હતી, પણ તે શૂટિંગ અને બીજા કામકાજોમાં વ્યસ્ત રહે છે.
નેહાએ મને કહ્યું હતું કે જો તમે કે કૉંગ્રેસ પાર્ટી મને પાંચ-છ મહિના પહેલા આ બાબતની જાણ કરી હોત તો તે ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લડત, પણ હવે તેની શૂટિંગની તારીખને અને બીજા ઈવેન્ટ્સને લીધે તે ચૂંટણીમાં નહીં લડી શકે, એવું નેહા શર્માના પિતા અજિત શર્માએ કહ્યું હતું.
અભિનેત્રી નેહા શર્માએ 2024ની નહીં પણ આગામી બીજી કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કૉંગ્રેસ પરિવારવાદ કે વંશવાદનું રાજકારણ કરી રહી છે, એવા આરોપોને પણ તેણે ફગાવી કાઢ્યા હતા.
નેહા શર્માના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે 2010માં ઇમરાન હાશ્મી સાથે ‘ક્રૂક’ નામની ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું અને તે બાદ 2013ની ‘યમલા પગલા દિવાના ટુ’ સાથે 2020ની ‘તાનાજી’માં પણ તેણે અજય દેવગન સાથે મોટા પડદા પર સ્ક્રીન શેર કરી હતી.
નેહા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની અનેક તસવીર અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હોય છે. નેહા શર્માની પોસ્ટ પર લાખોમાં લાઈક્સ આવે છે અને તેમ જ તેના ઇનસ્ટાગ્રામ પર 21 મિલિયન જેટલા ફોલોઅર્સ છે.
લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક અભિનેતા અને સેલેબ્રિટીઝને ટિકિટ આપવામાં આવી રહી છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભોજપુરી ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીઓને ટિકિટ આપવામાં આવી રહી છે અને જો નેહા શર્માની પણ ઉમેદવાર તરીકે નિમણૂક કરવામાં આવે તો સેલિબ્રિટિઝ વચ્ચે જોરદાર ચૂંટણીનો મુકાબલો જામશે.