આણંદ લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ, NCPના પ્રદેશ પ્રમુખની ચૂંટણી લડવાની જાહેરાત

લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ગુજરાત સહિત દેશભરમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. આ દરમિયાન ભાજપમાં કેટલીક બેઠકો પર ઉમેદવાર બદલાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ કે આણંદ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા મિતેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે પણ હવે તેમના સ્થાને અન્ય ઉમેદવાર ઉતારવામાં આવશે તેવો ગણગણાટ રાજકીય વર્તુળોમાં સાંભળવા મળી રહ્યો છે. એવામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ (બોસ્કી)એ પણ આણંદ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ (બોસ્કી)એ પણ આણંદ લોકસભા બેઠક પર દાવેદારી નોંધાવી છે. જયંત પટેલ (બોસ્કી) એ સોશ્યલ મિડિયામાં પોસ્ટ મુકી આણંદ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેને પગલે હવે આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલ, કોંગ્રેસના અમિત ચાવડા અને NCPના જયંત પટેલ (બોસ્કી) વચ્ચે ત્રિ-પાંખિયો જંગ જામશે.
ઉલ્લેખનિય છે કે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન હોવા છતાં જયંત પટેલ (બોસ્કી)એ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જયંત પટેલે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જાહેરાત કરી છે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે મિત્રો સાથે દગો કેવી રીતે કરવો તે અમને નથી આવડતું, એટલે અમે એકલા હાથે લડીશું. તેમની આ જાહેરાત સાથે જ જયંત પટેલ ઉમેદવારી કરે તો કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
જયંત પટેલ (બોસ્કી) વર્ષ 2007 થી 2012 દરમિયાન સારસા વિધાનસભા બેઠક પર અને સન 2012 થી 2017 દરમિયાન ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતાં. તેઓ વર્ષ 2020 થી તેઓ NCP ના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યાં છે.