ઉત્સવ

રોમાંચ અને ભૂતકાળના રહસ્યોથી ઘેરાયેલ મધ્ય ભારતનું અદ્ભુત જંગલ – બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

બાળપણમાં જંગલ વિષે ઘણી બધી વાર્તાઓ સાંભળી હતી અને પોતાની કલ્પનામાં માણી પણ હતી. ઘણી ખરી કલ્પનાઓમાં જંગલને ભયના માહોલ સાથે જોડી દેવાયું હોય છે અને આપણે પણ જંગલ વિષે એ જ છાપ લઈને ચાલતા હોઈએ છીએ પણ બાંધવગઢ દરેક કલ્પનાઓ અને ઉલ્લેખથી તદ્દન વિપરીત છે. પૌરાણિક ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ અદ્ભુત સ્થળ વિષે શિવ મહાપુરાણમાં પણ ઉલ્લેખ છે. સાતપુડાની ગિરિમાળાઓમાં આવેલા ૩૨ જેટલી પહાડીઓ અને ૪૦ જેટલી કુદરતી ગુફાઓથી ઘેરાયેલ આ જંગલમાં આવેલ અદ્ભુત કિલ્લાનું રહસ્ય કોઈને પણ નથી ખબર. લોકકથાઓ અનુસાર એવું કહેવાય છે કે લંકા જીત્યા પછી ભગવાન શ્રી રામે ભાઈ લક્ષ્મણ માટે આ કિલ્લો બનાવડાવ્યો હતો કદાચ એટલે જ એ બાંધવગઢ એટલે કે ભાઈનો ગઢ એમ ઓળખાય છે. સમગ્ર ભારતમાં અહીંયા સહુથી વધારે વાઘ વસે છે અને મુક્તપણે વિહરતા વાઘની એક માત્ર ઝલક માટે વિશ્ર્વભરમાંથી પ્રવાસીઓ જબલપુર પાસે આવેલા બાંધવગઢની મુલાકાતે આવે છે.

બાંધવગઢનું પ્રાકૃતિક સૌંદર્ય કોઈપણને મોહિત કરી મૂકવા માટે સક્ષમ છે. ખળખળ વહેતી ચરણગંગા નદી, અવનવા પક્ષીઓનો કલરવ, હરણાઓનો કિલ્લોલ, વાંદરાઓની ચિચિયારી, વાઘની ત્રાડ આ બધું જ બાંધવગઢમાં કોઈને પણ મંત્રમુગ્ધ કરી દેવા સમર્થ છે. જંગલ ફરવાના સ્થળોમાં બાંધવગઢનું સ્થાન મારા માટે હંમેશાં અગ્રેસર રહ્યું છે એનું કારણ છે ત્યાં દરેક ખૂણે નિસર્ગનો નવીનતમ આનંદ જોવા મળે છે. અહીં શાંતિથી જંગલ જોવા માટે મછાન અને અલગ અલગ ત્રણ ટાવર છે જેના પરથી આખા જંગલની હલચલને માણી શકાય છે. બાંધવગઢના ત્રણ ઝોન પૈકીનો મુખ્ય ઝોન તાલા જેમાં વાઘોની અવનવી કરતબો અને સંગ્રામ વિશ્ર્વભરના પ્રકૃતિપ્રેમીઓએ નિહાળ્યા છે અને ડોક્યુમેન્ટ પણ કર્યા છે. ક્યારેય માની ન શકાય એવી ઘટનાઓ અહીં ઘટી છે. અહીંયાના વાઘોની પ્રકૃતિ શાંત અને સૌમ્ય છે. એક સમયે બી-૨ નામનો વાઘ કેમેરાનો દીવાનો હતો. જયારે એ વાઘનું મૃત્યુ થયું ત્યારે લગભગ દરેક પ્રકૃતિપ્રેમીની આંખો ભીંજાયા વિના નહિ રહી હોય. અહીંનો મુખ્ય ટાવર ચક્રધારા છે જ્યાંથી બાંધવગઢનું વિશાળ ચક્રધારા ગ્રાસલેન્ડ અને અસંખ્ય વન્યજીવોને વિહરતા જોઈ શકાય. બનબાઈ ટાવરની નજીક જ ચરણગંગા નદી વહે છે એટલે વાઘ અને દીપડાઓનો મનપસંદ વિસ્તાર છે તેનું મુખ્ય કારણ બાંધવગઢમાં વહેતી ચરણગંગા નદી છે. આશરે આઠ કિમી. લાંબી ચરણગંગા નદીનું ઉદ્ગમસ્થાન પણ નવાઈ પમાડે તેવું જ છે.

બાંધવગઢનું જંગલ ખૂબ જ રહસ્યમય છે. આશરે ચારસો વર્ષ પહેલા બઘેલ શાસકોનું અહીંયા શાસન હતું અને તેઓનો ફાળો અહીંયાના પર્યાવરણના વિકાસમાં ખૂબ જ મોટો છે. તેઓ જ્યારે અહીંયા રહેતા ત્યારે પ્રકૃતિનું જતન કરવા માટે અને બારે મહિના પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે માટે જંગલ વચ્ચે આવેલા વિશાળ બાંધવગઢ કિલ્લા આસપાસ બારેક જેટલા કૃત્રિમ તળાવોનું નિર્માણ કર્યું હતું જેથી વર્ષાઋતુમાં પાણીનો સંગ્રહ થઇ શકે અને બારેમાસ પ્રકૃતિ લીલીછમ્મ રહે. સંજોગોવશાત્ ૧૬૧૭માં તેઓએ બાંધવગઢ છોડી દીધું અને ૩૦૦ કિમી. દૂર રીવા નગર વસાવ્યું અને ત્યાં જ વસવાટ કર્યો. તેમણે બનાવેલા તળાવોમાં પાણીનો સંગ્રહ થવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે બાંધવગઢની પહાડીઓ પરથી પાણી નીચેની તરફ વહેવા લાગ્યું. વર્ષો જૂની ભગવાન વિષ્ણુની પાષાણ પ્રતિમાના ચરણને સ્પર્શીને નદીની ધારા રૂપે તાલાના મેદાનમાં ચરણગંગા બનીને વહેવા લાગી. તાલા ઝોનમાં આવેલી શેષનાગની શૈયા પર વિરાજમાન વિષ્ણુ ભગવાનની ૩૫ ફૂટ લાંબી પાષાણ પ્રતિમા ૧૦૦૦ વર્ષ કરતા પણ વધારે જૂની અને માત્ર એક જ પથ્થરમાંથી બનેલ હોવાનું મનાય છે. આ સિવાય બાંધવગઢના કિલ્લાની આસપાસ વર્ષો જૂની ૪૦ જેટલી ગુફાઓ છે જેના પર પાલિ લિપિમાં કશુંક કોતરાયેલું છે તો ક્યાંક પ્રાણીઓના આકારની કોતરણી પણ છે. પથ્થરો સાથે ટકરાતી, જગ્યા બનાવીને ખળખળ વહેતી ચરણગંગા જ બાંધવગઢની જીવસૃષ્ટિની જીવાદોરી છે. આજની તારીખમાં આ બારેય તળાવમાં એટલું પાણી છે કે જંગલમાં બારે માસ નદી વહેતી જોવા મળે છે અને વન્યજીવો મસ્તીમાં મહાલતા જોવા મળે છે.

સૂરજની પહેલી કિરણ અવની પર પડે એ પહેલા જ અમે જીપ્સીમાં ગોઠવાયા. મેં મહિનાના સ્વચ્છ આકાશમાં રેલાયેલી આછેરી કેસરી ચાદરને જોઈને જાણે પ્રકૃતિએ કોઈ નવો જ આલાપ છેડ્યો હોય એવું લાગી રહ્યું હતું. જીપ્સીના અવાજ સિવાય અમે બધા જ ચૂપચાપ પ્રકૃતિના નશામાં ચૂર હતા. રિસોર્ટથી નીકળ્યા ત્યારથી જ અમને જંગલનો રંગ ચઢી ગયો હતો. ખિતોલી ઝોનથી શરૂઆત કરી. આંખો પહોંચી શકે ત્યાં સુધી ઊંચા સાલ અને ક્યાંક સાગના વૃક્ષો સાથે માટીમાંથી આવતી સવાર સવારની મહેક જાણે અમારું સ્વાગત કરી રહી હતી. વાંદરાઓ અહીંથી તહીં કૂદાકૂદ કરીને જિજ્ઞાસાવૃત્તિથી અમો સામે તાકી રહ્યા હતા. વિશાળ ખુલ્લા ઘાસના મેદાનમાં એક રાજગીધ બેઠું હતું અને બીજા પણ ઘણા ગીધનું એક સમૂહ હતું. જંગલમાંથી ઉડાન ભરીને ગીધે જમીન પર બોઇંગ વિમાનની જેમ જ ઉતરાણ કર્યું. ગીધની વિશાળ પાંખો ફેલાય ત્યારે જ તેની વિશાળતાનો અંદાજ આવે. પહેલા ગીધ પુષ્કળ પ્રમાણમાં દેશભરમાં જોવા મળતા હતા પણ કાળા માથાના માનવીના પ્રતાપે આજે ગીધની સંખ્યા નજીવી થઇ જવા પામી છે. ત્યારબાદ શરૂઆત થઇ જંગલના મુખ્ય સેલિબ્રિટી એવા વાઘને શોધવાની. જંગલનો આનંદ લેતા લેતા અમે લગભગ ખિતોલી વિસ્તાર ખૂંદી વળ્યાં પણ ક્યાંય વાઘના અણસાર ન દેખાય ન તો રસ્તા પર ક્યાંય પગમાર્ક દેખાયા. છેલ્લે એક જગ્યા પર વનવિભાગનો હાથી મસ્તીથી ઝાડના પાન ખાઈ રહ્યો હતો અને મહાવત એને કંપની આપી રહ્યો હતો એ નિહાળતા અમે અહીંયા જ રાહ જોવાનું નક્કી કર્યું. આખું જંગલ ઢંઢોળ્યા પછી વાઘના કોઈ સમાચાર ન મળે તો જરાક બેચેની પણ આવે. હરણનું ટોળું નાનકડા એવા જળાશય પાસે ચારો ચરી રહ્યું હતું, જંગલના આગવા સંગીત સિવાય પોતાની ધડકન પણ સાંભળી શકાય એટલી નીરવ શાંતિ હતી. જ્યારે આંખોથી કામ ન બને ત્યારે કાનને કામે લગાડી દઈ. અમે સહુ ધ્યાનથી જંગલની ગતિવિધિઓ સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. થોડીક ક્ષણોમાં મારા મિત્રની નજર હાથી પરથી જરાક દૂર જમીન પર પડેલા સૂકા પાંદડાઓ પર પડી જાણે એટલામાં જ તડકો આવતો હોય એવું કશું ભાસતું હતું. આંખો ઝીણી કરીને એમણે ધ્યાનથી જોયું અને પછી શંકાનું સમાધાન કરવા કેમેરામાંથી નજર માંડી અને બોલી ઊઠ્યા,”ત્યાં વાઘ છે. જંગલનો રાજા મજાથી સૂકા પાંદડાઓ ઉપર હાથીથી માત્ર દસેક ફૂટના અંતરે અને અમારાથી પચાસેક ફૂટના અંતરે આડો પડીને ગાઢ નિદ્રાનો આનંદ લઇ રહ્યો હતો. થોડા ઘણા ફોટોગ્રાફ લીધા ત્યાં એ ઊભો થયો અને ધીરેકથી ચાલીને ઝાડીમાં થઇ અમારી સામે જ એક તૂટેલા વૃક્ષ પર ઊભો રહી ગયો. અમારા ડ્રાઈવરે ગાડી સેટ કરી અને અમે કેમેરા લઈને તૈયાર થયા જાણે કોઈ યુદ્ધમાં જવાનું હોય એમ જ. એ આળસ મરડીને બેઠો થોડીક વાર એક પથ્થરની ટોચ પર અને પછી ઊભો થઈને આવ્યો અમારી સમક્ષ. જીપ્સીના ટાયર પાસે જ પાણીના વોંકળા જેવી નાની સરવાણી પસાર થઇ રહી હતી ત્યાં બેફિકર થઈને આવ્યો અને અમારી સામે જાણે આંખ મિલાવીને જોતો હોય એમ અમને નજરઅંદાજ કરીને પાણી પીવા લાગ્યો. અમારાથી માત્ર બે કે ત્રણ ફૂટના જ અંતરે. એની આંખો જાણે અમને પૂછી રહી હતી કે તું કોણ? અમારી જાણે વાચા હણાઈ ગઈ હતી.

હવે, પાણી પીને પરત ફરતા જ એની નજર એક નાના એવા બાર્કિંગ ડીયર પર પડી જે જરાક જ દૂર પાણી પી રહ્યું હતું. વાઘ ધીરે ધીરે દબાતા પગલે હરણ તરફ આગળ વધ્યો. સુકાયેલા પાંદડા પર સહેજ પણ અવાજ ન આવે એ રીતે છેક હરણથી એકદમ નજીક એક ઝાડની આડશ લઈને એ શિકાર કરવાના મૂડમાં બેસી ગયો અને ઝાપટ મારે એ પહેલા જ હરણ પાણી પીને છલાંગ લગાવીને ઝાડીમાં અદૃશ્ય થઇ ગયું એ ક્ષણે વાઘના ચહેરા પર નિષ્ફળતા સાફ વર્તાઈ રહી હતી. શિકાર ન થઇ શક્યાનો અફસોસ કરીને એ ત્યાં જ બેસી ગયો. થોડીક વાર અને ફરી પાછો ફરીને અમારી સામે જ આવીને અમારી સામે એ રીતે બેઠો જાણે અમે એના મેહમાન થઇને ગયા હતા. લગભગ આખી જ સફારી દરમ્યાન અમે ત્યાં જ એની સામે જ બેસી રહ્યા અને એની બધી જ અદાઓને કેમેરામાં કંડારી. આ વાઘ આશરે ચારેક વર્ષની ઉમરનો હતો અને એનું નામ દરહા હતું. એના ફોટો પાડતી વખતે જ વિવિધરંગી પક્ષીઓ કરતબ કરતાં ઝડપાઇ ગયા હતા જેમાં દૂધરાજ, નીલપંખો જેવાં પક્ષીઓ હતાં. બપોર પછીનો રાઉન્ડ વધારે રસપ્રદ હતો. અમે બપોર પછી મગધી ઝોનની સેલિબ્રિટી ટાઇગ્રેસ “સોલોને શોધવા જવાના હતા. બપોરના ભોજન પછીની સફારીમાં અમે મગધી ઝોન તરફ નીકળ્યા અને સોલોની શોધમાં લાગી ગયા. આજે પણ નસીબ સાથ નહોતું આપી રહ્યું. સોલો ક્યાંય પણ ન દેખાઈ કે ન તો એનો મેટ મંગુ દેખાયો કે ના તો મિસ્ટર એક્સ દેખાયો. અહીં કુદરતી ગુફાઓ છે જેમાં સોલો એના ચાર બચ્ચાઓ સાથે રહે છે. સોલો એના ચારે બચ્ચાઓને બચાવવા માટે ખુબ જ જેહમત ઉઠાવી રહી છે અને સ્ટ્રેટેજી કહો તો પણ ભલે એના બચ્ચાને બચાવવા ખાતર એક સાથે બબ્બે મેલ ટાઇગરને ડેટ કરી રહી છે જેથી કોઈ પણ મેલ ટાઇગર એના બચ્ચાઓને મોતને ઘાટ ન ઉતારે. સુરજ ઢળવા આવ્યો અને અમે થાકી હારીને ફરી એક વાર પહાડી વિસ્તારમાં પણ આંટો મારી જોયો પણ કશું હાથ ન લાગ્યું. એક લંગુર જમીન પર બેસીને બીજા વાંદરાઓને અને હરણોને ચેતવણીસૂચક કોલ આપી રહ્યો હતો. ડ્રાઈવરે કહ્યું, “યહ બંદર ભી પગલા ગયા હૈ, નીચે બેઠકર કોલ દે રહા હૈ. સામાન્ય રીતે વાઘ ને જુએ તો વાંદરાઓ ઝાડ પર ચઢી જાય અને કોલ આપે પણ અહીં ઊલટું હતું એટલે અહીંયા કશું જ નથી એમ વિચારીને અમે આગળ વધ્યા. થોડીક ક્ષણોમાં દૂર જ્યાં વાંદરો કોલ આપતો હતો એનાથી થોડેક જ આગળ ઘાસમાં હલન ચલન થઇ અને બધાના આશ્ર્ચર્ય વચ્ચે સોલો બહાર આવી અને એની ગુફા તરફ જવા નીકળી. લગભગ દિવસ પૂરો થવા આવ્યો હતો, સુરજ પણ ક્ષિતિજ પર હતો. અમારી નજર સામે રોડ પર કેટવોક કરતી હોય એમ સોલો વૃક્ષો વચ્ચેથી પસાર થઇ અને અમારી સામે એક નજર કરીને એના બચ્ચાઓ પાસે ગુફા તરફ જતી રહી એની બીજી જ ક્ષણે એનો નવો જ ડેટ મિસ્ટર એક્સ એની પાછળ પાછળ આવ્યો અને એ જ રીતે અમારી સામેથી પળવારમાં પસાર થઇ ગયો. વાંદરાઓ અને હરણ એમને અવાચક બનીને જોતાં જ રહ્યાં.

બીજા દિવસે સવારથી બપોર સુધી વાઘને શોધ્યો પણ કોઈ અણસાર જ ન મળ્યા એટલે જંગલને માણ્યું. બપોર પછી તાલા ઝોનમાં સફારી હતી. તાલા ઝોનમાં પ્રવેશતા જ ચક્રધારાના ઘાસના મેદાનોમાં એક જૂનું મંદિર છે એ મંદિર પાસે હંમેશાં વાઘ વિહરતો હોય છે. નસીબ જોર કરી રહ્યું હતું. આજે એટલે જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ ઘાસમાં આરામ ફરમાવતો વાઘ દેખાઈ ગયો. એ વાઘ અમારી સામે બેફિકરો થઈને લગભગ સાંજ સુધી એમ જ બેસી રહ્યો. અમે કંટાળીને આજુબાજુમાં આવતા પક્ષીઓના ફોટોગ્રાફ લીધા અને છેલ્લે સફારી પૂરી થવાને પાંચ જ મિનિટ બાકી હશે એટલે ડ્રાઈવરે ગાડી ચાલુ કરી પરત ફરવા માટે પણ અમે કહ્યું કે પાંચ મિનિટ રાહ જોઈ લઈએ, એટલામાં તો વાઘ ઊભો થયો અને છેલ્લે અમને હસીને વિદાય આપતો હોય એવો પોઝ આપીને અમારી બાંધવગઢની સફરને કાયમ માટે યાદગાર બનાવી દીધી. બાંધવગઢને ફરી પાછા આવવાના વચન સાથે મેં જંગલની વિદાય લીધી. જંગલથી પરત ફરતી વખતે હું હંમેશાં વાર્તાઓના ખિસ્સા ભરી લાવું પણ બાંધવગઢ તો મનમાં જ ઘર કરી ગયું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત