ઉત્સવ

લોકલ બ્રાન્ડને ડિજિટલી બનાવો વોકલ

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી

બ્રાન્ડની વાત આવે અથવા વેપારને પ્રમોટ કરવાની વાત આવે ત્યારે આપણે તેને નિવેશ નહિ, પણ ખર્ચ તરીકે જોઈએ છીએ. ‘ખોટા ખર્ચ કરવાની જરૂર નથી’ આ વાત હંમેશાં કાને પડતી હોય છે. નાની બ્રાન્ડ હોય કે લોકલ બ્રાન્ડ હોય આજની તારીખે તેને પ્રમોટ કરવું ઘણું આસાન થઇ ગયુ છે. જો આપણે સોશિયલ મીડિયા જોશું તો ઘણા લોકો પોતાનો વેપાર તેના પર કરતા દેખાશે. એ પોતાના પ્રોડક્ટનો વીડિયો બનાવી તેના વિષે વાત કરી તમને ઓર્ડર આપવા કહેશે. થોડા સમય પહેલા આવો જ એક વીડિયો, જેમાં બોલનાર વ્યક્તિના શબ્દો વાયરલ થયા : ઇટ્સ સો બ્યુટીફૂલ, ઇટ્સ સો એલિગન્ટ, જસ્ટ લૂકિંગ લાઈક અ વાઉ… એક સ્ત્રી જે સલવાર કુર્તા, કુર્તિસનો વેપાર કરે છે તેની વેચવાની કળા વાઈરલ થઇ ગઈ. બીજો એક વીડિયો બહારના દેશનો હતો, જેમાં એક મોલ જેટલી જગ્યામાં લોકો નાની જગ્યા લઇ, વીડિયો બનાવવાનાં સાધનોનું સેટ -અપ કરી વિવિધ પ્રોડક્ટ લાઈવ વેચતા હતા. તેના અનુસાર એ લોકો સારો એવો વેપાર આ ચેનલ દ્વારા કરે છે. આપણને લાગશે આ બધી વાતો છે; પણ હમણાં મારી સાથે થયેલો અનુભવ જણાવું.

એક આવનાર પ્રસંગ માટે ગિફ્ટ ખરીદવાની હતી. પત્નીએ કહ્યું : આપણી નજીકના એરિયામાં એક દુકાન છે એમની પાસે મળી જશે. મેં પૂછયું : ‘તને કેવી રીતે ખબર?’ તો એ કહે: એમનો વીડિયો સોશિયલ મીડિયા પર જોયો હતો.’ કામ આસાન થઇ ગયુ. મુદ્દો એ છે કે, એક લોકલ એરિયાની દુકાન પણ પોતાને પ્રખ્યાત કરી માલ વેચવા માટે બીજા એરિયામાંથી ઘરાકો લાવી શકે છે. લોકો ડિજિટલના સહારે ઘરે બેસી વેપાર કરે છે. આથી જો તમે નાની બ્રાન્ડ હો કે લોકલ બ્રાન્ડ હો, આજની તારીખે ડિજિટલના સહારે પ્રમોટ કરી વેપાર વધારી શકાય છે, જેમકે…
સૌપ્રથમ તમારા વેપારનું સોશિયલ મીડિયા પર પેજ બનાવો, બેઝિક વેબસાઈટ બનાવો. આના દ્વારા તમે એક ઓથેન્ટિક વેપારીની છાપ લોકોમાં છોડશો. બીજુ, સોશિયલ મીડિયામાં મુદ્દાની વાતો કરો. ‘ગુડ મોર્નિંગ’ અને બધા જ ઉત્સવોની શુભેચ્છાની પોસ્ટ બનાવવી જરૂરી નથી. લોકોને તેમાં ઓછો રસ છે. હા, તમે નામી ઉત્સવોમાં લોકોને તમારી શુભેચ્છા પાઠવી શકો. લોકોને તમારા પ્રોડક્ટમાં રસ છે તો તેની વાતો કરો.

તમારા વેપાર અને પ્રોડક્ટના વિવિધ પાસાઓ, ફાયદાઓ, લોકોના અનુભવોની વાતો કરો. પેમેન્ટ- ઘરે ડિલિવરી વગેરેની વાત કરો.

ડિજિટલ મીડિયાના અનુભવ અનુસાર શોર્ટ ફોર્મેટ વીડિયો સ્ટેટિક પોસ્ટ કરતાં વધારે અસરકારક હોય છે. આથી, બને તેટલા વધારે વીડિયો બનાવી તમારી વાત લોકો સમક્ષ મુકો. ઉપરોકત જણાવ્યા પ્રમાણે જે લોકો ઘેર બેઠા કે પછી ઓનલાઈન વેચે છે એ લોકો લાઈવ અને રેકોર્ડેડ વીડિયોનો વધુ ઉપયોગ કરે છે.

ગ્રાહક શા માટે વીડિયોને વધુ અસરકાર ગણે છે ? એનું કારણ છે : શોર્ટ ફોર્મેટ વીડિયોની સામગ્રી ઝડપી, પરંતુ સંક્ષિપ્ત હોય છે. તે વેબ વપરાશકર્તાઓને જોઈતી મોટાભાગની માહિતી ઝડપથી મેળવવા માટે મદદ કરે છે.

આજના ડિજિટલ યુગમાં ‘ઈનફ્લુએન્સર’ શબ્દ આપણાથી અજાણ નથી. આજે ઘણા ઇનફ્લ્યુએન્સરો મોટી મોટી બ્રાન્ડ સાથે સંકળાયેલા છે અને એમના સહારે બ્રાન્ડ પોતાને પ્રમોટ કરી વેપાર કરે છે. આપણને લાગશે કે આપણે નાના વેપારી છીએ તો આ આપણા કામનું નથી, કારણ કે આના માટે વધુ ખર્ચ કરવો પડે. આજે મોટા ઈનફ્લુએન્સર સાથે નાના જે ‘માઇક્રો ઈનફ્લુએન્સર’ તરીકે ઓળખાય છે એમની પણ બોલબાલા ઘણી છે.

એ લોકો મોટેભાગે નાનાં શહેરો, વિસ્તારમાંથી આવતા હોય છે. એમને ફોલો કરવાવાળો એક વર્ગ છે , જે કદાચ લાખોમાં નહિ હોય તો પણ અમુક હજારોમાં અચૂક હશે. આવા માઇક્રો ઇનફ્લ્યુએન્સર્સ સાથે હાથ મેળવો. આ લોકોનો ચાર્જ ઓછો હોય છે, જે સામાન્ય વેપારીને પરવડી શકે. ઘણીવાર આ પ્રકારના ઇનફ્લ્યુએન્સર પોતાના શોખ માટે વીડિયો બનાવતા હોય છે તો તમે એમને તમારા પ્રોડક્ટ બાર્ટરમાં આપી એમની સાથે હાથ મેળવી તમારા વેપારને પ્રમોટ કરી શકો. આનાથી તમે તમારા ટાર્ગેટ માર્કેટ સુધી પહોંચી તમારા પ્રોડક્ટ કે બ્રાન્ડ પ્રમોટ કરી શકશો. આમ, માઇક્રો ઈનફ્લુએન્સર પણ એક સરળ રસ્તો છે લોકો સુધી પહોંચી વેપાર કરવાનો.

ડિજિટલ મીડિયાની સારી વાત તે છે કે તેના થકી તમને લોકોનો ડેટા બેઝ મળી જાય છે. આનો ઉપયોગ વ્યૂહાત્મક રીતે કરો. આ તમારા ગ્રાહકો છે અથવા પોટેન્શિયલ ગ્રાહકો છે તો એમના સંપર્કમાં સતત રહો. જો તમારી દુકાન છે તો એમના વૉટ્સઍપ પર કે ઇ-મેલ પર તમે એમને નવા આવનારા પ્રોડક્ટથી માહિતગાર કરો. નવી સ્કીમ એમના માટે બનાવો અને માલ ખરીદવા પ્રેરો. આવા ડેટા તમને વેપાર વધારવા માટેનું જોઈતું ઇંધણ આપશે. આથી ડેટાનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી વેપાર વધારી શકો.

આજે ‘ક્વિક કોમર્સ’ની બોલબાલા છે, એના પર તમે પોતાને રેજિસ્ટર કરો, જેથી જોઈતો સામાન લોકો તમારી પાસેથી અથવા જે-તે પ્લેટફોર્મ પરથી મગાવી શકે.

બીજી એક વાત સાંભળવા મળે છે કે અમારા જેવા નાના વેપારીને માર્કેટિંગ એજન્સી રાખવી પરવડે નહીં…’ આજના અઈં ના જમાનામાં તમે એના સહારે તમારે જોઈતું ક્ધટેન્ટ બનાવી શકો છો. આ ઉપરાંત, આજે ઘણી રેડી ટેમ્પ્લેટવાળી વેબસાઈટ તમને મળશે, જેમાં તમે જોઈતું ક્ધટેન્ટ બનાવી શકો છો. આથી તમને કોઈ એજન્સીની જરૂર નથી, ફક્ત ‘તમારે શું જોઈએ છે’ ની સ્પષ્ટતા તમારી પાસે હોવી જોઈએ.

વેપાર વધારવાની ઈચ્છા ધરાવતા વેપારીઓ ઉપરોકત દર્શાવેલી બેઝિક-મૂળભૂત વાતો અપનાવી જોઈતાં પરિણામમેળવી શકે છે. આજે જયારે આ વાતો આસાન થઇ ગઈ છે ત્યારે એક વાત હંમેશાં યાદ રાખજો કે જો તમે બ્રાન્ડ બનાવી હશે તો આ બધી વાત વધુ આસાન થશે, કારણ લોકોને પ્રોડક્ટ કરતાં બ્રાન્ડ પર વધુ ભરોસો છે. આમ આજે બ્રાન્ડ બનાવી ડિજિટલના સહારે માર્કેટિંગ થશે તો લોકલ બ્રાન્ડ લોકો આપમેળે વોકલ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button