Air Asiaના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ,
કોચી એરપોર્ટ પર પરત ફર્યું… 168 મુસાફરો સવાર હતા
કોચીઃ એર એશિયાના એક વિમાનને ટેકઓફની થોડી મિનિટો બાદ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાછું લેન્ડ થવાની ફરજ પડી હતી. એરપોર્ટ સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. કોચી-બેંગલુરુ ફ્લાઇટ રવિવારે રાત્રે 11.15 વાગ્યે બેંગલુરુ માટે એરપોર્ટથી રવાના થઈ હતી, જેના થોડા સમય પછી તેમાં તકનીકી ખામી સર્જાઈ હતી. વિમાનમાં 168 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા.
એમ જાણવા મળ્યું છે કે એરક્રાફ્ટના ‘હાઈડ્રોલિક’ (પ્રવાહી દબાણના બળ દ્વારા સંચાલિત યાંત્રિક પ્રણાલી) સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી, ત્યારબાદ તેને કોચીમાં પાછું લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન અડધી રાત્રે એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. તેમણે કહ્યું હતું કે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ ઈમરજન્સી ડિક્લેરેશન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્લેનના તમામ યાત્રીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રીઓને થયેલી અસુવિધા માટે તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી.