ઉત્સવ

ડેડ બોડી

ટૂંકી વાર્તા -મધુ રાય

તમે ચારુબેન કે. પટેલ છો?

બારણામાં યુનિફોર્મમાં એક કારિયો ને એક ધોરિયો બે પોલીસ ઊભા હતા.

યસ, મેં ક્હ્યું. વ્હાય?

તારી ડોટર ક્યાં છે?

વોટ? હું તા ધા ખાઈ ગઈ, ખબર ને? પોલીસ ઘરે આવીને ઇન્કવાયરી કરે કે તારી ડોટર ક્યાં છે, તો આપણું તો માથું જ ફરી જાય, કે બીજું કાંઈ? ને ત્યાં તો ઓલો કારિયો એવો કતરાઈ કતરાઈને ને જોવા મંઈડો, ને તમારા અંકલ તો ઘરે નોતા એટલે હું તો જોયું હોય તો ટોટલમાં ગભરાય ગયીતી. કારિયાએ એક ઝભલાનો ફોટો બતાયવો, આ ઝભલું તમારી બેબીનું છે? ના, ભાઈ, મેં કહ્યું કે ઈ ઝભલું બભલું અમારું નથી.

ચારુબેનના ચહેરા ઉપર ઉલ્લાસ હતો એટલે વાતનો અંત કરુણ નહીં હોય એવું ઠાકરને લાગ્યું. પણ ઠહેરો, વાતની શરૂઆત જરા ટેડી થઈ ગઈ. ફરીથી બિગિનિંગથી સ્ટાર્ટ કરીએ. વાત છે કેશવ ઠાકર જ્યારે લંડન રહેતો હતો ત્યારની. કેશવ ઠાકર ત્યારે વેમ્બલીના દેશીવાડાની ક્રિસન્ટમૂન લેન ઉપર આવેલા એક મકાનમાં ભાડે રહેતો હતો. મકાન માલિક હતાં ચારુબેન કાશીભાઈ પટેલ. હસબન્ડ સાથે કમ્પાલાથી આવેલાં અને હસબન્ડ કાશીભાઈ બોઘાભાઈ પટેલ લંડનની અન્ડરગ્રાઉન્ડ ટ્રેન ખાતામાં કામ કરતા હતા. એક્સીડેન્ટમાં એમનું ડેથ થઈ ગયું, અને ચારુબેનને બિગ ટાઇમ કોમ્પેનસેશન મળ્યું. એમાંથી એમણે દીકરીને ભણાવી, સાસરે મોકલી. ને જાતે ગવરમેન્ટ હાઉસિંગમાં ચાર પેઇંગ ગેસ્ટ રાખીને લહેરથી જીવતાં હતાં. તેમના ગેસ્ટો જોબ ઉપર જાય પછી નીચેના માળે કેશુભાઈ ઘરે બેઠાં એમના લેપટોપ ઉપર કામ કરતા હોય ને ચારુબેન ઘણીવાર વાતો કરવા આવે. એક્ચુલી રોજનો જાણે રૂલ જ હતો, ઑલરાઇટ? કે સવારે ઠાકર માટે ચા ને બ્રેકફાસ્ટ લઈને નીચે આવે ચારુબેન. બેસે ને અલકમલકની વાતો કરે. પોતાની, પોતાના વરની, દીકરીની, કમ્પાલાની, લંડનની.

ઇન્ડિયા મેં જોયું જ નથી, ખબર ને? તમે તો ઇન્ડિયામાં જ બોર્ન થયેલા ને? તમારે હાઉસ બાઉસ ખરું કે, ઇન્ડિયામાં? ફેમિલી બેમિલી, યાહ?

ઇન્ડિયામાં બોર્નની હા ને બીજી ના. હાઉસ કે ફેમિલીની ના કહી ઠાકર લેપટોપ ઉપર ઇમેઇલ ખોલવા પ્રયત્ન કરે, પણ ચારુબેન અરધો પોણો કલાક વાતો કર્યા વિના એને છોડે નહીં. ઠાકર પરણેલો હતો તેની તેમને જાણ હતી, ને હવે એકલો રહે છે તે પણ જાહેર હતું. તો ફેમિલી બેમિલી કેમ નથી તેનું કારણ સમજવા ચારુબેન વારંવાર ફેરવીતોળીને સવાલો કરતાં. અને ઠાકર મનોમન જાણે ભાગતાં ભાગતાં માનસિક ખૂણામાં ભરાઈ જતો. નો. નથી. ના જી. ફેમિલી હવે નથી. ચારુબેન કેમ નથી કે કારણ શું કે કેમ તમે લોકો છૂટાં રહો છો એવું કશું પૂછી શકતાં નહોતાં.
તમને એક પ્રાઇવેટ વાત કઉં? કોઈને કેતા નહીં એવા બાયી મધર લો તો કઉં.

હેં? હું જરા આ ઇમેઇલ-
તે આ મારી ડોટર સ્મિતા બોર્ન થયેલી ને, યાહ, સુડતાલીસ વરસ પહેલાંની વાત છે, ખબર ને? હવે તો સ્મિતાયે ગ્રાન્ડમધર થવા આવી, ખબર ને? પણ આ વાત તો અમે ઇસ્ટ આફ્રિકાથી જસ્ટ આવેલાં ને સેટલ થયેલાં, ઈ ટાઇમની છે. તમારા અંકલને જોબ લાગેલી અન્ડરગ્રાઉન્ડમાં, ને તમારા અંકલનો નેચર તો તમને ખબર ને, એની નાઇટની ડ્યૂટી તે દિવસે સોર્ટઓફ બેચાર કલાક રેસ્ટ કરી લે ને પછી તમે જોયું હોય તો (તમારા ‘અંકલ’ બાબત વાત કરતાં ત્યારે ચારુબેનના ચહેરા ઉપર કામદીપ્તિ આવી જતી) ને તાનમાં આવે તો હાલો હાલો ડીયર કહીને મારી ઉપર તૂટી પડે! કોઈ પ્રોટેક્શન હોય કે ન હોય સમજ્યા ને, મારી ફીંગડી મઇડીને, વરરાજા થઈ જાય હું બહુ નો-નો કરું તો કહે કે ડીયર મારું હાઉસ છે, ને તું મારી વાઇફ છો, ને તને બેબી થઈ જાય તો કોના બાપની બીક છે!
હંહેં. ઠાકર જરા હસ્યો. હસાય કે નહીં? તેને વિસ્મય થયું. ચારુબેન પણ સરખી ઉમરનાં હતાં. તો પણ બીજા ભાડૂતોની જેમ તે ચારુબેનને આન્ટી કહેતો. ચારુબેન બોલવામાં બહુ છુટ્ટાં હતાં, જુવાન ગેસ્ટો સાથે સહેજ મર્યાદાથી વાત કરતાં પણ કેશુભાઈ સાથે ને બીજી બાઇડિયું ભેગા ગપાટા મારતાં હોય તો દોસ્તારની જેમ વાતો કરતાં. સેક્સ માટે એમના પ્રાઇવેટ કોડ હતા, તમારા અંકલ વરરાજા થઈ જાય. કે તમારા અંકલ મને બાઇડી કરે. ને તમે જોયું હોય તો હું તો પાણીપાણી થઈ ગઈ. ને બેબી એમ મારા પેટમાં રહી. ખબર ને? હૉસ્પિટાલમાં હું દાખલ થઈ ને સ્મિતા બોર્ન થઈ. તમારા અંકલે તો બેબીને જોઈને સાવ ડાગળી ચસકાવી મૂકેલી. લઈ લઈને ફરે, તોતડું બોલે, ગીતું ગાય ને એવા ઉપાડા લિયે ને રાત ને દિવસ બેબીને વાલ કરે જાણે હું તો કાંઈ નથી. ડાયપરે બદલે, બોલો!


ના, હજી વાતનો ઉપાડ જોઈએ એવો થયો નથી. તમને કાંઈ બેબી નથી? ચારુબેન પૂછતાં. કાંઈ સન કે ડોટર બોટર? બેત્રણ બેત્રણ મહિને જાણે ભૂલી ગયાં હોય તેમ ફરી પૂછતાં. જાણે ઠાકરે પોતાનું એકાદ બેબી કશેક સંતાડીને રાખ્યું હોય ને ગાફેલિયતમાં બોલી નાખે કે હા, છે. પણ હકીકતમાં ના, નથી. બાબા, બેબી નથી. પંદર વરસના મેરેજજીવન પછી બી બેબી નથી. કોઈ વાર ચારુબેન તેને એવી રીતે જુએ કે જાણે ઠાકરને બેબી બનાવતાં આવડતું હશે કે નહીં? તમારા અંકલ ઓફ થઈ ગ્યા પછી આપણે તો મસીન બંધ કરી દીધું છે, સમજી ગ્યા ને? ના રે આપણે કાંઈ સતી બતી નથી. તમારા અંકલના ડેથ પછી દસેક વરસ પછી એકવાર ટ્રેનમાં એક ધોરિયો મારી ભેગો વરરાજા થાવા આવેલો. મેં કહ્યું કે ચાલો ગાડી ચાલે છે તો ચાલવા દ્યો. પણ મને ટોટલમાં કંટાળો આવતો. ઈ અડ અડ કરે ને બકિયું ભરવા જાય ને રોગા કંટાળા દિયે. આપણે દુકાન વધાવી લીધી, ખબર ને?

ઠાકર ના ના કરે તોયે ચારુબેન રોજ ચાની સાથે સવારે ખાખરા ને મેથીનો સંભારો કે ઢોકળાં કે ભજિયાં કે ગાંઠિયા નાસ્તામાં લઈ આવે, ને તેની સાથે કાયમ ત્રીસે દિવસ ઠાકર સાથે વાત કરે, રોજ ડેઇલી અરધો કલાક, પોણો કલાક. રોજ ચારુબેન જુદી જુદી ટ્રિકું કરે જાણવાની: પણ કદી ચોક્ખા શબ્દોમાં પૂછે નહીં, તમે ફેમિલીથી સેપરેટ કેમ રહો છો? તમે તમારી વાઇફથી છૂટા કેમ રહો છો? છૂટાછેડા છે? છૂટા કેમ થયા? પૂછે તો પોતાની લાઇફ સ્ટોરી થ્રૂ. બીજી બાઇડિયુંની કથની થ્રૂ. કોક સિરિયલની વાર્તા, કોક ધોરિયાની કે કારિયાની વિતકકથા થ્રૂ. બીજી વાયા વાયા વાતું કરીને ઠાકરની વાત કઢાવવા ટ્રાય કરે. ઠાકરને સમજાયું હતું કે ચારુબેનને ડાઉટ હતો કે કાં તો ઠાકરને ને નહીં તો એની બાઇડીને કાંઈક બીજે સંબંધ હતો.


કોઈવાર નહાતાં નહાતાં ઠાકરને વિચાર આવતા કે તેને કે તેની વાઇફને બીજે સંબંધની વાત સાચી નહોતી કે માનો કે ખોટીયે નહોતી કેમકે લગ્નજીવનમાં સાચું ને ખોટું તે વસ્તુ હોતી જ નથી, ચાર ચાર રખાતું રાખીને બી માણસ પત્નીને પ્રેમથી સંતોષી શકે છે ને પાડોશીના છોકરાને કે કાકાજીસસરાને કે જેઠિયાને કે સપોઝ આગલા પ્રેમીબ્રેમીને છૂટક લાભ આપીને બી બાઇડિયું પોતાના ભાયડાવને રાજી રાખી શકે છે. ઠાકરને થયું કે લગ્નજીવનમાં ભંગાણ કોઈક કાર એક્સિડેન્ટ જેવું હોય છે. થાય છે, થઈ જાય છે, થયું. બસ થઈ ગયું. ‘ફોલ્ટ’ની પંચાત જ ખોટી. કોનો ફોલ્ટ? સંજોગનો ફોલ્ટ. ચોરીના ચાર ફેરા ફર્યા નથી કે ફોલ્ટના ફાંસલામાં ડોકું નાખ્યું નથી, યુ સી. ઘણીવાર તેને થતું કે ભંગાણનું કારણ એક નથી હોતું, કારણ ઘણાં હોય છે, ને તે કારણ કે કારણો ચોક્ખી બાળબોધ લિપિમાં લખાયેલાં નથી હોતાં, લીટા, ગૂંચળાં, રંગીન ધાબાં જેવા પેઇન્ટિન્ગની જેમ અમૂર્ત અને એબ્સ્ટ્રેક્ટ હોય છે.


મેં કહ્યું કે બેબી ઇસ્કૂલે ગઈ છે તો! ચારુબેન ઠાકરના કાંડાને ખેંચીને તેનું ધ્યાન ખેંચતાં હતાં, લે, મારી સામું તો જુઓ! એમની વાત ચાલુ હતી, કારિયો મારી સામે ડોરા કાઢીને પૂછે છે, ઇસ્કૂલે ગઈ છે? તમે સ્યોર છો?

તો મેં તો કહ્યું હા, સ્યોર સાડી સત્તરસોને સાઇઠ વાર સ્યોર છું, વાલામુવા! મારી બેબી ઇસ્કૂલે ગઈ છે. ધોરિયો પોલીસ કહે કે બેબીનું નામ ને સ્કૂલનું નામ આપો, ને મેં આપ્યું ને તમે જોયું હોય તો મારો તો જીવ જે ઊંચોનીચો થાય! મેં કહ્યું કે મને કહો તો ખરા કે શું થયું છે? ધોરિયો પછી મને કહે કે બેબીની રૂમ બતાવો. બેબીનાં ટોયઝો, ચોપડિયું, ફોટા, કપડાં, સાઇકલ હોલ એન સોલ બધું જોયું ધોરિયાએ. પછી મને ગાડીમાં બેસાડીને ઇસ્કૂલે લઈ ગયા. ત્યાં પોલીસના માણસ બેઠા હતા ને હેડટીચરની રૂમમાં મારી બેબી બેઠીતી ને ઈ ઠેકડો મારીને મને વળગી પડી. એને જોયા પછી મારી છાતીમાં પીટણિયા ઢોલ વાગતાતા ઈયે બંધ થિયા ને પોલીસડાનો વાલીમુવાંઉનો જીવેય હેઠો બેઠો, ઓરરાઈટ છે. હેડમાસ્ટર કહે કે ગભરાવાનું કાંઈ કારણ નથી. બધું
ઓલરાઇટ છે.


બીના એવી બનેલી કે લંડનના પાર્કના એક ઝાડ નીચેથી એક કૂતરાએ જમીન ખોદી ખોદીને એક બેબીનું ડેડ બોડી બહાર કાઢેલું. કૂતરાના માલિકે પોલીસને જાણ કરેલી. પોલીસે તે હાડપીંજરની તપાસ કરાવી ને જાણ્યું કે તે એશિયન ફીમેલ બેબીનું સ્કેલેટન હતું. મીન્સ કે ઇન્ડિયન કે પાકિસ્તાની બેબી, ઓલરાઇટ? ટેસ્ટ બેસ્ટ કરાવીને તે ક્યારે જન્મ્યું હશે તેનો અંદાજ કઢાવ્યો પોલીસે. પછી આજુબાજુના વિસ્તારની હૉસ્પિટાલોના રેકર્ડ જોઈને તે સમયકૌંસમાં જન્મેલી એશિયન બાળકીઓનાં માબાપનાં નામઠેકાણાં મેળવ્યાં. દરેકના ઘરે જઈ જઈને તપાસ કરી કે તેમની ડોટર ક્યાં છે! ચારુબેનની ડોટર તે સમયે તે એરિયાની હૉસ્પિટાલમાં બોર્ન થયેલી અને તે કારણે પોલીસે પિસ્તાલીસ વરસ પહેલાં એમના ઘરે આવીને પૂછેલું કે તમે ચારુબેન કે. પટેલ છો?


ઠાકરના કાન લાલ થઈ આવ્યા. ઠાકર સ્વભાવે ઓછાબોલો હતો. પરંતુ બાળકને જોઈને ઠાકરના ખોળિયામાં જાણે કોઈ બીજો જીવ પ્રવેશી જતો. બાળક સાથે ઠાકર કાલી બોલીમાં બોલતો, સામે ચહેરો મરોડી ગાલ ફુલાવી આંખો ચકળવકળ કરી બાળકને હસાવતો. બાળકના ગાલે, પેટમાં, આંગળી ખૂંચાડી ડરાવતો, બાળકનાં પાંસળાં, બગલમાં ગલી કરી કરીને બાળકને લોટપોટ કરી મૂકતો ને બાળક જાણી જોઈને હોંશથી એ રમત સ્વીકારી લેતું. ધરાર તેની પાસે આવીને ગલી કરાવતું. જાણીતું, અજાણ્યું, નાનું, મોટું, એશિયન, વ્હાઇટ કે બ્લેક કે યેલો! બાળક માત્ર સાથે ઠાકરને ઇન્સ્ટન્ટ ઓળખાણ થઈ જતી ને તે બંનેનું જગત જાણે બાકી જગત કરતાં જુદી ધરી ઉપર ફરતું. અને કોઈ બાળકને કશું કષ્ટ થયાની વાત સાંભળતો ત્યારે તેના કાન લાલ થઈ આવતા.


પછી તો વાલામુવાં પોલીસોએ બરાબરની તપાસ કરીને ગોતી કાઢ્યું કે વિલ્સડનમાં એક ઇન્ડિયાનું પટેલ ફેમિલી રહેતું હતું ને ઇ ટાઇમમાં જ ઇ લોકોને એક દીકરી થઈતી અને પછી તરત ઇ લોકો દેસમાં ચાલ્યા ગયેલા. ફરીથી ઠાકરનું કાંડું હલાવીને ચારુબહેન કહેતાં હતાં. પોલીસે તપાસ કરી તો ક્યે કે હજી ઇન્ડિયામાં જ છે ને બે વરસ ઇન્ડિયા રહીને ઇ લોકા પાછા લંડન આયવા, ને પોલીસને ખબર પડી એટલે પોલીસ ઇ લોકાના ઘરે ગઈ, કયે કે બેબી ક્યાં છે? ઈ લોકા ક્યે કે ઇન્ડિયામાં છે, એના ગ્રાન્ડપેરેન પાસે. પોલીસડા કિયે કે ફોટા બતાવો, પ્રૂફ આપો. ઓલા ડેડ બોડીના ઝભલાનો ફોટો બતાવી પૂઈછું કે આ ઝભલું તમારી બેબીનું છે? હસબનવાઈફ બેય કહે કે નો નો. ને બેયને સેપરેટ સેપરેટ કરીને પૂઈછું તોયે ક્યે નો નો. ને ઓલી બાઈડી તો રડે સું રડે.

એક મહિનો ઇ લોકાની રોજ લેફરાઈટ લીધી તોયે બાપો તો ફમ્મલી નો નો કરે રાખતોતો. પોલીસે બાઈડીને ડેડ બોડીનો ફોટો બતાયવો. આમ તો હાડપીંજર જ બાકી રહેલું પણ એની ઉપરનું ઝભલું જોઈને બાઈડી છળી ઊઠી. તોયે વરની બીકથી ટસની મસ ન થાય. પણ કયે છે કે તે દિ બાઈને રાતના સપનામાં એની ડોટર આવી. બાઈડી ટોટલમાં ભાંગી પડી ને પોલીસને કહે કે મેં બહુ ના ના કહ્યું પણ તમારા ભાઈ માયના નહીં ને એણે મારી દીકરીનું ગળું ટૂંપીને મારી નાખી.

ચારુબેને ઠાકર સામે આંખો કાઢી, બોલો, આખરે માનું દિલ કેવાય ને! ઈ વાતની મને ખબર પડી ને તમે જોયું હોય તો મારી સ્મિતાડીને વળગીને હું તો સું રડી, સું રડી. અચાનક ચારુબેન રડી પડ્યાં. મારી દીકરીનો કોઈ વાળે વાંકો કરે તો હું ટાંટિયો વાઢી નાખું ઇ રાંડીરાંડનાનો! ઠાકરે આંખો મીંચી દીધી, દાંત પીસી દીધા, મુઠ્ઠીઓ વાળી લીધી.


તમારે છોકરાં કેમ નથી? એ સવાલ કોઈ દિવસ સીધેસીધો નહોતો પૂછેલો ચારુબેને. નેવર! કોઈની બેબીના ડેડ બોડીની વાત એમણે કરેલી તે સાચી હતી? કે ઉપજાવેલી હતી? ઠાકરને વિસ્મય થયું. આખી કથની ઠાકરને બેબી કેમ નથી તે જાણવાની કોઈ ટ્રિક હતી ચારુબેનની? હેલ્લ નો! ચારુબેન એટલાં કપટી નથી. ઠાકરનું પોતાનું માથું કપટી’ છે. ઓ કે કપટી નથી ગિલ્ટી છે. ઓલરાઈઈઈટ! ગિલ્ટી બી નથી. જસ્ટ ‘ડાઉટી’ છે! ચારુબેનને બસ સરિયામ સળંગ સતત વાતો કરવાનો શોખ હતો, એમની બેનપણીઓ હતી, પેઇંગ ગેસ્ટો હતા, ફોન ઉપર મામા કાકા ભાઈ બહેનો ને દીકરીની વિશાળ લીલી વાડી હતી. ઠાકર ભાગ્યે જ કોઈ સાથે વાત કરતો. એક રીતે ઠાકરના ‘ફેમિલી’માં ફક્ત ચારુબેન હતાં, બસ. પહેલાં હતી, પત્ની હતી પણ હવે તે છૂટીમૂટી હતી.

ઠાકરની પૂર્વ પત્ની આર્કિટેક્ટ હતી. છ વરસના સંબંધ બાદ બંનેએ લગ્ન કરેલાં. લગ્ન પછી તરત પત્નીને બેબી રહેલું. પત્ની અઠ્ઠાવીસમે વર્ષે પ્રેગ્નન્ટ થયેલી તેથી સાવચેતી ખાતર તેના ડોક્ટર અંકલ પાસે બંને મુંબઈ ગયેલાં. બધા ટેસ્ટ વગેરે ફર્સ્ટક્લાસ થયેલા, ડોક્ટર અંકલે એનો હાથ મિલાવીને કહેલું કે તારી વાઇફને કે તારા બેબીને કોઈ ડેન્જર નથી. નોરમલ ટાઇમે નોરમલ ડિલિવરી થવાની છે. નોરમલ બેબી આવવાનું છે. ઠાકરે અને પત્નીએ સામસામા અભિનંદન આપેલા. હજી કરીયર બનાવવાની છે, યસ, હજી ઠાકરની ને પત્નીની કમ્બાઇન આવક જોઈએ એટલી નથી, નો ડાઉટ. પણ જે બત્રીસ દાંત લઈને આવશે તે એનું નસીબ પણ લઈને આવશે ને? બસ, અમદાવાદ પાછા ફરતી વખતે પત્ની એની સાહેલીને મળવા સુરત ઊતરી ગયેલી. અઠવાડિયું સુરત રહીને પત્ની ઘરે આવી ત્યારે તેને મિસકેરેજ થઈ ગયેલું. વ્હોટ? હાઉ? બધું તો ઓકે હતું…

પરંતુ એ તો ડઝન્ટ મેટર. ઠાકરને બેબી ગુમાવ્યાનો રંજ ઓફકોર્સ હતો. પરંતુ પત્ની હેમખેમ હોવાનો આનંદ વધુ હતો. બંને હજી જુવાન હતાં, આખી લાઇફ બાકી હતી. બાકી હતી પરંતુ બાકીની લાઇફ… વરસાદના ઝાપટાંની જેમ લાઇફમાંથી ચાર દાયકા ઊડી ગયા હતા. આજે પોતે લંડનના એક ડેઇલીમાં નાઇટ શિફ્ટમાં પ્રૂફ રીડર હતો. પત્ની બોમ્બેમાં આર્કિટેક્ટ હતી. પેલો ‘કાર એક્સિડેન્ટ’ ક્યારે થઈ ગયો, કોનો ‘ફોલ્ટ’ હતો, કોને ખબર ક્યાં વીતી ગઈ લાઇફ.

બાકીની જિંદગીમાં બેબી ન બન્યું. બેબી બનેલું ત્યારે પણ ‘બને તે પહેલાં ન-બનેલું.’ આજે પોતાની બેબીની, પેલા પટેલના બેબીના ડેડ બોડીની વાત તેની સામે ધરીને, ઠાકરને થયું કે, ચારુબેન એને પૂછતાં હતાં, આ ઝભલું તમારું છે? ને તેનું કપટી કે ગિલ્ટી કે ડાઉટી મગજ સામે ધસીને બંધબેસતું ઝભલું પહેરી લેવા માગે છે? તેની ફેન્સી આર્કિટેક્ટ વાઇફનું ન જન્મેલું બેબી ઠાકરનું પોતાનું હશે? બેબી જેનું હોય તે હોય પણ હોતા પહેલાં સુરતના કોઈ ઝાડ નીચે તેના ટુંપાયેલા બેબીનું ઝભલું હશે કે?

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત