આપણું ગુજરાત

લોકસભાની ચૂંટણી: ઈલેક્શન સ્ટાફને મળશે કેશલેસ મેડિકલ સુવિધા

અમદાવાદ: લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ તંત્ર ચૂંટણી કામગીરીમાં લાગ્યું છે. ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી શાંત માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે ચૂંટણી કામગીરીમાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓ, સુરક્ષા દળો તથા ખાનગી વ્યક્તિઓને ‘કેશલેસ’ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે.

અમદાવાદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદની કે. ડી. હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ સાથે આ માટે MoU કરવામાં આવ્યા છે. ચૂંટણીની જાહેરાતથી લઈને ચૂંટણીનું પરિણામ જાહેર થાય ત્યાં સુધીના સમયગાળામાં કેશલેસ સારવાર મળવાપાત્ર રહેશે. એમઓયુ મુજબ, ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ લોકો આવી ફરજો દરમિયાન ઇજાઓ અથવા બીમારીઓના કિસ્સામાં ‘કેશલેસ’ તબીબી સારવાર માટે પાત્ર બનશે.

રાજ્યમાં આગામી સમયમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા યોજાનાર તમામ ચૂંટણીઓ અન્વયે ચૂંટણી ફરજો દરમિયાન હિંસક કૃત્ય- અકસ્માતના લીધે ઇજા પામેલા કે આકસ્મિક બીમાર થયેલા ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, સુરક્ષા દળો તથા ચૂંટણી ફરજ પરના તમામ ખાનગી સ્ટાફને ‘કેશલેસ’ તબીબી સારવાર મળી રહે તે બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે.

આ ઠરાવ અંતર્ગત ચૂંટણીની જાહેરાતથી લઈને ચૂંટણીનું પરિણામ જાહેર થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન ફરજ પર તૈનાત દરેક કર્મચારીને કેશલેસ સારવાર મળવાપાત્ર થશે. આ ઠરાવ અનુસાર ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા તમામ સ્ટાફને રાજ્ય સરકારની જિલ્લા-તાલુકા કક્ષાએ આવેલી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે.

આ અંગે બહારની દવાઓ-ઇમ્પ્લાન્ટ્સનો ખર્ચ હોસ્પિટલના કન્ટીજન્સી ખર્ચમાંથી કરવામાં આવશે. ઈજાગ્રસ્ત-આકસ્મિક બીમાર થયેલા ચૂંટણી ફરજ પરની વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજના હેઠળ એમ્પેનલ્ડ કરાયેલી હોસ્પિટલો ખાતે કેશલેસ સારવાર મળશે.

લોકસભા ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ સ્ટાફને રાજય સરકારની ત્રણ અનુદાનિત હોસ્પિટલો યુ. એન. મહેતા ઇન્સ્ટિટયૂટ, એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલ અને ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે તથા તેનો સંભવિત ખર્ચ સરકાર દ્વારા અનુદાનથી રી- એમ્બર્સ કરવામાં આવશે.

આ યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા અથવા તાલુકા-સ્તરની હોસ્પિટલો, મેડિકલ કોલેજ-સંલગ્ન હોસ્પિટલો અને સંચાલિત સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબી સંભાળ પ્રાપ્ત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button