મહારાષ્ટ્રમાં માત્ર 10 રાજકીય પક્ષ પાસે છે પોતાનું ચૂંટણી ચિહ્ન
બાકીના 376 પક્ષના ઉમેદવાર અપક્ષ તરીકે લડશે
મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત સાથે આચારસંહિતા પણ લાગુ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને રાજકીય પ્રક્ષ દ્વારા હજી સુધી વહેંચણી બાબતે ચર્ચા શરૂ છે. ચૂંટણીને માત્ર એક મહિના જેટલો સમય રહેતા શિવસેના સહિત માત્ર 10 પક્ષ પાસે પોતાનું રાજકીય ચિહ્ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે અને બાકીના 376 માન્ય રાજકીય પક્ષ પાસે ચિહ્ન ન હોવાથી તેઓ અપક્ષ ઉમેદવારની જેમ ચૂંટણીની રણભૂમિમાં ઉતરશે.
દેશના કાયદા મુજબ દરેક વ્યક્તિને પોતાનો રાજકીય પક્ષ નિર્માણ કરવાનો અધિકાર છે જે માટે ચૂંટણી પંચ સમક્ષ અરજી કરવી પડે છે. પક્ષના નિર્માણ બાદ તે પક્ષને ચૂંટણીમાં મળેલા મતને આધારે તેને પ્રાદેશિક કે રાષ્ટ્રીય પક્ષની શ્રેણી આપવામાં આવે છે. ચૂંટણી પંચની માન્યતા મળેલા પક્ષ પાસે પોતાનું આરક્ષિત ચિહ્ન હોય છે ને જેની પાસે ચૂંટણી પંચની માન્યતા પ્રાપ્ત ચિહ્ન નથી તે બીજા ચિહ્ન પર ચૂંટણી લડે છે.
મહારાષ્ટ્રની લોકસભા ચૂંટણી પર આખા દેશની નજર છે, પણ અહીં માત્ર 10 પક્ષ પાસે પોતાનું ચિહ્ન હોવાથી બાકીના પક્ષ અપક્ષ રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. મહારાષ્ટ્રમાં સ્વાભિમાની શેતકરી સંઘટના અને બહુજન વિકાસ આઘાડી સાથે અનેક બીજા પક્ષો પાસે પણ ચૂંટણી પંચની માન્યતા પ્રાપ્ત ચિહ્ન ન હોવાથી તેમનાં દરેક ઉમેદવારોને જુદા જુદા ચિહ્ન પર ચૂંટણી લડવી પડશે.
કોની પાસે છે ચૂંટણી ચિહ્ન?
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (મશાલ), કૉંગ્રેસ (હાથનો પંજો) ભારતીય જનતા પાર્ટી (કમળ) આમ આદમી પાર્ટી (ઝાડુ), બહુજન સમાજવાદી પાર્ટી (હાથી), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (દાતરડું), નેશનલ પીપલ્સ પાર્ટી (પુસ્તક), શિવસેના એકનાથ શિંદે જૂથ (ધનુષ્યબાણ), મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (રેલવે એન્જિન), એનસીપી અજિત પવાર જૂથ પાસે (ઘડિયાળ) અને એનસીપી શરદ પવાર જૂથ પાસે (તુતારી વગાડતો માણસ) આ ચિહ્ન આપવામાં આવ્યું છે.
જે રાજકીય પક્ષ પાસે ચિહ્ન ન હોય તે પક્ષ ચૂંટણી પંચ સમક્ષ પક્ષના દરેક ઉમેદવારોને સમાન ચિહ્ન પર ચૂંટણી લડવા માટે અરજી કરી શકે છે, પણ તે ચિહ્ન બીજા ઉમેદવારે પસંદ કરતાં અરજી કરનાર પક્ષના ઉમેદવારને બીજું ચિહ્ન આપવામાં આવે છે. એકસમાન ચિહ્નનો નિયમ માત્ર ચૂંટણી પંચ લઈ શકે છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.