મનોરંજન

Happy Birthday: એક અભિનેત્રીના સ્વિચ્ડ ઑફ થયેલા ફોનને લીધે પહેલી ફિલ્મ મળી અને…

કહેવાય છે કે નસીબમાં ન હોય તો હોઠ પાસે આવેલો પ્યાલો પણ પી શકાતો નથી અને જો નસીબમાં હોય તો સામેથી તમારા ખોળામાં આવીને પડે છે. માત્ર નસીબ જ નહીં પણ મહેનત પણ રંગ લાવે છે. માત્ર 15-16 વર્ષની ઉંમરે મમ્મી-પપ્પાની ના છતાં ઘર છોડીને એક છોકરી પહેલા દિલ્હી અને પછી મુંબઈ આવી, ફેશન અને ગ્લેમરની ફિલ્મી દુનિયામાં પગ જમાવવા. આ આજે પણ અઘરું છે અને તે સમયે પણ અઘરું જ હતું. 2004માં છોકરીને એક ફિલ્મ પણ મળી, પણ નસીબે અહીં સાથ ન આપ્યો અને ફિલ્મ અધવચ્ચે જ છોડવાનો વારો આવ્યો ને પછી તો ફિલ્મ પણ ન બની. બે વર્ષ ફરી ફાંફાં માર્યા ને એક ઓડિશન માટે બોલાવવામાં આવી. ઓડિશન તો સારું ગયું પણ ફિલ્મના પાત્રમાં જે ઉંમરની છોકરી જોઈતી હતી તેનાં કરતા આ નાની હતી. આથી રિજેક્ટ કરવામાં આવી. એક દિવસ અચાનક ફોન આવ્યો કે એક અઠવાડિયામાં પાસપોર્ટ બનાવી શકતા હો તો આવી જાવ, તમને મેક અપ દ્વારા મેચ્યોર બતાવી અમે કામ ચલાવી લઈશું. આનું કારણ એ હતું કે જે અભિનેત્રીને આ રોલ માટે કાસ્ટ કરવામાં આવી હતી તેનો સંપર્ક થતો ન હતો. તેનો ફોન સતત સ્વિચ્ડ ઓફ આવતો હતો અને શૂટિગંનું શિડ્યુઅલ નક્કી થઈ ગયું હતું. બસ કિસ્મતનો દરવાજો ખૂલ્યો અને પછી તો આ છોકરીએ એવી કમાલ કરી કે વાત જવા દો…ફિલ્મમાં કમાલ કરતી આ છોકરી બોલવામાં પણ એવી તેજ છે કે જાણે બંદુકમાંથી ગોળીઓ વરસાવતી હોય. તેની આ વાતને લીધે તે ફેમસ પણ થઈ છે અને તેને નુકસાન પણ થયું છે. ખૈર આ બધાની પરવા કર્યા વિના જે આગળ વધી રહી છે તે બિનદાસ્ત, ધાકડ ગર્લ કંગના રનૌટનો આજે જન્મદિવસ છે.

જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તે ફિલ્મ ગૈંગસ્ટર અને જે અભિનેત્રીએ ફોન ન ઉપાડ્યો તે ચિંત્રગદા સેન.

કંગનાનો જન્મ 23 માર્ચ, 1987માં હિમાચલ પ્રદેશના નાનકડા ગામમા થયો. પરિવારને ફિલ્મો સાથે કોઈ સંબંધ નહીં, પણ કંગનાએ આ સપનું જોયું અને તેને સાકાર પણ કર્યું. ફેશન, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, પંગા, ક્વિન, થલાઈવા જેવી ઘણી સારી ફિલ્મો આપનારી કંગના સતત ચર્ચામાં રહે છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મોત બાદ તેણે બાગે હંગામો ઊભો કરી અડધા બોલીવૂડને દુશ્મન બનાવી દીધું હતું. કંગના સત્તાધારી પક્ષ ભાજપની તરફેણમાં બોલતી હોવાના દાવા થાય છે અને હવે તે રાજકારણમાં પણ ઝંપલાવશે, તેમ માનવામાં આવે છે. જોકે છેલ્લા ઘણા સમયથી તે એક હીટ ફિલ્મ આપી શકી નથી. તેની છેલ્લી ફિલ્મ તેજસ પણ ફલૉપ ગઈ છે. આશા રાખીએ કંગના આ વર્ષે ફરી તેના અભિનયનો જલવો દર્શકોને બતાવે.

હેપ્પી બર્થ ડે કંગના

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button