વૈશ્ર્વિક સોનામાં થાક ખાતી તેજી: નફારૂપી વેચવાલીએ સોનામાં ₹ ૬૪૩નો અને ચાંદીમાં ₹ ૯૯૩નો ઘટાડો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરના કપાતના અણસાર આપ્યા બાદ ગઈકાલે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૨૨૨.૩૯ ડૉલરની વિક્રમ સપાટીએથી પાછા ફર્યા બાદ આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં લંડન ખાતે સોના-ચાંદીમાં તેજીએ થાક ખાધો હતો અને હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૮ ટકા ઘટીને અને વાયદામાં ભાવ ટકેલા ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવમાં વધુ ૦.૮ ટકાનો ઘટાડો આવ્યો હતો.
આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૪૩થી ૬૪૬નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૪૮ પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૯૩ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ, સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૪૩ ઘટીને રૂ. ૬૬,૬૪૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૪૬ ઘટીને રૂ. ૬૬,૨૬૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૯૩ ઘટીને રૂ. ૭૪,૦૫૨ના મથાળે રહ્યા હતા.
વૈશ્ર્વિક બજારમાં ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી ૦.૮ ટકાનું બાઉન્સબૅક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧૬૬.૦૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સત્રમાં ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૨૨૨.૩૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા.
જોકે, આજે સોનાના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૧૮૨.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૪.૫૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે ફેડરલના રેટકટના અણસારો પશ્ર્ચાત્ સોનાના ભાવમાં ઝડપી ઉછાળો આવી ગયા બાદ આજે થોડાઘણાં અંશે નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કરેક્શન જોવા મળ્યું હોવાનું ટીડી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક ડેનિયલ ઘલીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલ ટ્રેડરો આગામી જૂન મહિનાથી રેટ કટ જોવા મળે તેવી ૭૨ ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે અગાઉ ૬૫ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી. વધુમાં બોફા રિસર્ચે એક નૉટ્સમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪માં રોકાણકારો માટે ઈક્વિટી સામે હેજ માટે હજુ સોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં ખરીદીનો ટેકો સમયાંતરે મળતો રહે તેવી શક્યતા નોટ્સમાં વ્યક્ત કરવામાં આવી છે.