આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાયુતીમાં મનસેની એન્ટ્રીની સાઈડ-ઈફેક્ટ, હોળીની ઉજવણીમાં ભાજપના ગુજરાતી-મારવાડી કાર્યકર્તાઓને પડી રહી છે તકલીફ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની આગામી મહિને થનારી ચૂંટણીમાં મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતીમાં રાજ ઠાકરેના પક્ષ મનસેને સામેલ કરવાનો વિચાર ચાલી રહ્યો છે અને તેમનો પ્રવેશ લગભગ નિશ્ર્ચિત માનવામાં આવે છે ત્યારે મુંબઈમાં ભાજપને મનસેની એન્ટ્રીની સાઈડ ઈફેક્ટનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈમાં હોળીના સાર્વજનિક કાર્યક્રમોનું મોટા પાયે ભાજપના ગુજરાતી-મારવાડી અને ઉત્તર ભારતીય સમાજના લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે. ભાજપ દ્વારા આ વર્ષે પણ અનેક સ્થળે આવા હોળીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે મનસેની મહાયુતીમાં એન્ટ્રી થવાને કારણે આવા હોળીના કાર્યક્રમોમાં સહભાગી થનારા ગુજરાતી-મારવાડી અને ઉત્તર ભારતીય સમાજના લોકો હવે ભાજપના કાર્યકર્તાઓને ટોણા મારી રહ્યા છે.

સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ ભાજપના કાર્યકર્તાઓ નિવેદન આપવા તૈયાર નથી, પરંતુ ખાસ કરીને દક્ષિણ મુંબઈના અનેક હોળીના કાર્યક્રમોમાં ભાજપના કાર્યકર્તાઓને જે રીતે લોકોના ટોણા સાંભળવા પડી રહ્યા છે, તેનાથી તેઓ પરેશાન થઈ ગયા છે. જે રીતે અત્યારે લોકો પ્રતિસાદ આપી રહ્યા છે તેને જોતાં આગામી દિવસોમાં આ ભાજપના સમર્થકો પાર્ટીથી વિમુખ થઈ જાય એવો ડર ભાજપના નેતાઓને સતાવી રહ્યો છે.

આ બાબતે કેટલાક કાર્યકર્તાઓ દ્વારા નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસને માહિતગાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે આ મુદ્દે ફડણવીસ કેવો રસ્તો કાઢે છે તે જોવાનું રહેશે.

વાસ્તવમાં ઘણા લાંબા સમયથી મુંબઈના અનેક વિસ્તારોમાં ભાજપ અને મનસેના કાર્યકર્તા વચ્ચે સ્થાનિક સ્તરે સંઘર્ષ જોવા મળી રહ્યો હતો. આ સંઘર્ષમાં મરાઠીવાદના મુદ્દા ઉપરાંત પર્યુષણ દરમિયાન મનસે દ્વારા જે રીતે દેરાસરની બહાર માંસ પકાવવાનું કૃત્ય કરવામાં આવ્યું હતું. જે રીતે ઉત્તર ભારતીયોની સૌથી વધુ આસ્થાની છઠ પુજા સામે ઝુંબેશ ચલાવી હતી આ બધાને કારણે મનસેથી નારાજ લોકો જે ભાજપની સાથે આવેલા હતા તેઓ રિસાય એવી શક્યતા જોવાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button