60 હજાર આપો- માર્ક શીટ લો, સુરતમાં નકલી માર્કશીટના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ
ગુજરાતમાં નકલીની બોલબાલા છે, નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરીઓ બાદ હવે નકલી માર્કશીટ કૌંભાંડનો પર્દાફાશ થયો છે. સુરતમાં બોગસ માર્કશીટ વેચવાનું આખું રેકેટ ઝડપાયું છે. સુરતની સિંગણપોર પોલીસે સિંગણપોર પોલીસે રાજ્યની યુનિવર્સિટી શિક્ષણ બોર્ડના નકલી માર્કશીટ બનાવી કૌભાંડ આચરનાર આંતર રાજ્ય રેકેટનો પર્દાફાશ કરી આરોપી નિલેશ સાવલિયાની ધરપકડ કરી છે. તેની પાસેથી 137 બનાવટી માર્કશીટ મળી આવી છે.
સિંગણપોર પોલીસે તપાસ કરતા આ કૌભાંડમાં નિલેશ સાવલિયા નામના એજન્ટની ભૂમિકા મહત્વની હોવાની સામે આવી છે. થોડા દિવસ અગાઉ કતારગામ વિસ્તારમાં રહેતા અક્ષર કળથિયાની કેરળના તિરુવનંતપુરમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેરળ શિક્ષણ બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી હોવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. જેની તપાસ કરતાં ચોકાવનારા ખુલાસા થયા છે. ઉત્તરપ્રદેશના ફરીદાબાદનો મનોજ કુમાર નામના શખ્સ દ્વારા માર્કશીટ બનાવી કુરિયર દ્વારા નિલેશ સાવલિયાને મોકલવામાં આવતી હતી. આ સમગ્ર રેકેટ વર્ષ 2011 થી જ ચાલતું હતું.
ખોટી માર્કશીટ રજૂ કરવાના કેસમાં અક્ષર કળથિયાની ધરપકડ થતા કેરળ પોલીસે સુરતના એજન્ટ નિલેશ સાવલિયા અંગે સિંગણપોર પોલીસને માહિતી આપી હતી. પોલીસને અક્ષરે જણાવ્યું હતું કે, તે 12 મું ધોરણ પણ પાસ થયો નથી, પરંતુ તેને ઉચ્ચ અભ્યાસ માટે ઈટલી જવું હતું, જેથી તેણે રૂપિયા 60,000 આપીને આરોપી નિલેશનો કોન્ટેક્ટ કરીને બનાવડાવ્યો હતો, પરંતુ વિઝાની પ્રોસેસમાં જ્યારે માર્કશીટની વેરીફાઇ કરવામાં આવ્યું ત્યારે માર્કશીટ ડુબલીકેટ નીકળી હતી. એટલે કેરળના તીરમપુરાના અધિકારીઓને ધ્યાને આવ્યું હતું. જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી અક્ષર કળથિયાની પૂછપરછમાં બહાર આવ્યું કે, નિલેશ મંગળ સાવલિયાની એજન્ટ તરીકેની ભૂમિકા છે. વર્ષ 2011 થી નિલેશ દ્વારા 70 થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી છે. બંને આરોપીઓ વચ્ચે અલગ અલગ ડોક્યુમેન્ટ પ્રમાણે પૈસા લેવામાં આવતા હતા. 20 હજારથી લઈને 5 લાખ સુધીની રકમ બનાવટી માર્કશીટ બનાવવા માટે લેવામાં આવતા હતા. આ ઉપરાંત, 2011 થી નિલેશ દ્વારા 70 થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી હતી. તે તમામ લોકોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
DCP પિનાકીન પરમારે જણાવ્યું કે, એજન્ટ નિલેશ સાવલિયા ડુપ્લિકેટ માર્કશીટ આપતો હતો. ફરીદાબાદના મનોજકુમાર પાસેથી અલગ-અલગ યુનિવર્સિટીની માર્કશીટ મળતા આખેઆખો આંતરરાજ્ય સ્તરે ચાલતું માર્કશીટ કૌભાંડ પણ હોવાનું જણાઈ આવે છે. અત્યાર સુધીની તપાસ કરતા એવું જણાય છે કે, આ સમગ્ર કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરનું પણ હોય તો નવાઈ નહીં.
વિદેશ જવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓ આવી ખોટી માર્કશીટ બનાવીને વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લેતા હતા. ત્યારે વિદેશની કોઈ યુનિવર્સિટી સીધા આવા એજન્ટોના સર્ટિફિકેટ મેળવવા માટે સંપર્કમાં છે કે કેમ? તે પણ તપાસનો વિષય છે. જો એ પ્રકારની માહિતી આપે તો ચોક્કસ કહી શકીએ કે આ આંતરરાષ્ટ્રીય સ્તરનું કૌભાંડ છે. હાલ અલગ-અલગ પોલીસ ટીમ બનાવીને દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે.