વીક એન્ડ

ઊતરેલી કઢી જેવા મોઢા હોય તે પણ પૂછે છે,ઓળખો છો ને?

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

ચાલો, ઓળખવાની સિઝન શરૂ થઈ ગઈ છે. આજકાલ ખભ્ભે ખેસનો પાવર બહુ જોવા મળે છે. જેને જોવો તે તંગ ચહેરા સાથે ફરે છે. અમુકને તો બોલાવ્યા થતા નથી. ઘરે સચવાતા ન હોય એવા ને બજારમાં રમતા મુકી દીધા હોય છે. પોતાની શાંતિ માટે થઈને ગામની પથારી ફેરવે. હાલતા જાતા કૂતરાની પૂંછડી આમળે અને જો તમે ટપારો તો પહેલું વાક્ય કાઢે, ‘મને ઓળખશ હું કોણ છું?’

બોલો, બાજવું જ છે. કાં બાજ અને કાં બાજવા વાળો દે.

લોકોને દુ:ખે છે પેટ અને કુટે છે (ક્યારેક તો બીજાનું! ) માથું. નડતી હોય મોંઘવારી અને પાણો કૂતરાને મારે. એક તેલનો ડબ્બો લીધો હોય તો આખો દિવસ છોકરાવને વઢે રાખશે. ગેસનો સિલિન્ડર આવે તે દિવસ આપણે ફોન કરીએ તો વિરોધ પક્ષની જેમ વરસી પડે. પીધેલો પહેલવાન સ્કૂટર સાથે ભટકાય અને તેનું કાંઈ બગાડી ન શકવાનો ગુસ્સો શેરીમાં રમતાં નાનાં ભુલકાઓ પર નીકળે.

ઘણા લોકોને અમસ્તો અમસ્તો સીન નાખવાની
આદત હોય છે. સાચે બનેલો આ કિસ્સો તમારી સાથે શેર કરું…

અમે ત્રણ -ચાર મિત્ર ગાડી લઈને બહારગામ જતા હતા. હાઈ-વે પર થોડો ટ્રાફિક જામ થયેલો જોયો એટલે સામાન્ય માણસની જેમ જ અમે પણ થોડો સમય ‘પોં.. પું..’ હોર્ન વગાડ્યા. પછી નીચે ઊતરીને જોયું તો બે વાહનવાળા ઝઘડતા હતા. સૌ અગત્યના કામ પડતા મુકીને લોકોને ઝઘડો જોવાની ખૂબ મજા આવે. અમે પણ એ જ કેટેગરીમાં.. મારી સાથે ચુનિયો ગુંદાના ઠળિયાની જેમ ચોટેલો જ હોય. એણે જોયું કે ઝગડવાવાળા થોડા સોફિસ્ટિકેટેડ અને દુબળા છે એટલે મને કહે : ‘તમે ખાલી મને ‘સાહેબ… સાહેબ’ કરજો બાકીનું હું સંભાળી લઈશ’. હું કશું બોલું તે પહેલાં તો બંનેની વચ્ચે પહોંચી અને બંનેને એક એક થપ્પડ મારી ગુસ્સો કરવા લાગ્યો. મારી સામું જોયું મેં તરત જ વચ્ચે પડી અને ચુનિયાને કહ્યું : ‘સાહેબ, રહેવા દ્યો હવે એવું નહીં થાય’. વાને કાળો પણ થોડો મજબૂત કાઠીનો એટલે ચુનિયો સાહેબ તો લાગે. અને પાછું મેં પણ વજનપૂર્વક ‘સાહેબ’ કહેલું સરવાળે બંને પાર્ટી પણ અચાનક આવી પડેલી સાહેબની થપ્પડથી ડઘાઈ અને પોતાની ગાડીમાં બેસી ગઈ અને ટ્રાફિક ક્લિયર થઈ
ગયો !

આજ કાલ પોલિટિકલ પાર્ટીના કાર્યકરો જાણે એર કંપ્રેસરના વાલ્વ પર બેઠા હોય તેવી હાલતમાં હોય છે. જે નેતાના જોરે કૂદતા હોય છે અને સોશિયલ મીડિયામાં તે નેતાનો પક્ષ લઈ અને સારા માણસ સાથે પણ એના બાપુજી ને ગાળો દીધી હોય તેમ બાજી લે જીવનભર સામું જોયા ના સંબંધ ના રહે એવી હાલત થાય ત્યાં સુધી ઝગડી લે અને એક સવારે છાપું ઉઘાડે ત્યારે સમાચાર જાણવા મળે કે એના નેતા તો સામેના પક્ષમાં જોડાઈ ગયા છે…! નેતાએ તો થૂંકેલું ચાટવાનું હોય પણ સાથે આવા કાર્યકરો પણ થૂંકેલું ચાટવા મજબૂર થતા હોય છે ને તો’ય કહેશે : ‘હું કોણ છું ખબર છે?’
અમુક લોકો તો સવારમાં બજારમાં બાજવા-ઝગડવા માટે જ નીકળે છે. અમસ્તે અમસ્તા કતરાતા જાતા હોય. અમુક ‘વોટસએપ’ પરની પ્રજાતિઓને જ્યાં સુધી મોઢામાંથી ઝેર ન ઓકે ત્યાં સુઘી મજા જ ન આવે.

એક ઘરમાં બનેલો કિસ્સો તમને જણાવું અમારા દિલાના દીકરાએ તો હદ કરેલી. એને ત્યાં એક વડીલ મહેમાન બની અને ગયેલા. ઘણા વડીલોને તેવી આદત હોય છે કે એ ઘરધણી સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જૂના સંબંધ ધરાવે છે તેવું સાબિત કરવા માટે છોકરાઓ ને પૂછે :

‘તું મને ઓળખે છે? આ પ્રશ્ર્ન પૂછવા પાછળ ઘરધણીએ એના દીકરાને પોતાની ઓળખાણ આપી છે કે નહીં તે જાણવાનો આશય હોય છે.અને જો વ્યવસ્થિત ઓળખાણ ન આપી હોય તો તે બહાને ઘરધણીને ખખડાવી શકાય. વડીલે દિલાના દીકરાને દિલની ફાંદ પરથી લિફ્ટ કરી ખોળામાં બેસાડી અને પૂછી લીધું : તને ખબર છે હું કોણ છું? તરત જ દીકરાએ ભોળાભાવે કહ્યું : ‘હા, મારા પપ્પા કહેતા હતા કે એક દોઢ ડાયા મહેમાન આવવાના છે. જલ્દીથી ચા પાઈને રવાના કરવાના છે’.

વડીલ ચા પીધા વગર નીકળી ગયા. દિલો કોઈ દિવસ લાભ વગર શરીર ને કષ્ટ ન આપે તે દિલો વાત વાળવાની કોશિશમાં શેરીના ખૂણા સુધી મહેમાનને મનાવવા દોડ્યો, પરંતુ દીકરાએ એવી ધારદાર રજૂઆત કરી હતી કે એના પ્રયત્નો વિફળ ગયા.

પોતાની જાતને જે ઓળખી ગયા હોય તે બીજાને ક્યારેય પુછતા નથી કે ‘હું કોણ છું તને ખબર છે’?

વિચારવાયુ:
ખાતું ખોલાવવા માટે મારી અને તમારી પાસે
ઓળખાણ માગતી SBI ને સુપ્રીમ કોર્ટે સાચી ઓળખ આપી દીધી..!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button