આમચી મુંબઈનેશનલ

મેઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મોટા ડોનર: થાણે-બોરીવલી ટ્વિન ટનલ સહિત અનેક કામ મળ્યા

મોટા પાયે રાજકીય પક્ષોને ડોનેશન આપનારી કંપનીઓ કઈ? જાણો બધી જ વિગતો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલાં જ ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ભારે ચગ્યો છે. ભાજપને ડોનેશન આપનારી કંપનીઓની વાત કરવામાં આવે તો એક એવી કંપનીનું નામ સામે આવ્યું છે જેણે ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી સૌથી વધુુ ડોનેશન આપ્યું છે. આ કંપનીએ લગભગ રૂ. 600 કરોડનું ડોનેશન ફક્ત ભાજપને આપ્યું છે. આ ઉપરાંત બીઆરએસ, ડીએમકે, ટીડીપી, જેડીયુ અને વાયએસઆરની પાર્ટીને પણ તેણે ડોનેશન આપ્યું છે.

મહત્ત્વની વાત એ છે કે મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ કંપની છે જેણે ઈલેક્ટ્રિક બસની ઉત્પાદક ઓલેક્ટ્રા ગ્રીન ટેક કંપનીની હોલ્ડિંગ કંપની છે. 2023માં આ જ કંપનીને થાણેથી બોરીવલીની ટ્વિન ટનલનો કૉન્ટ્રેક્ટ મળ્યો હતો. આ ઉપરાંત આ કંપનીને ડિફેન્સ મંત્રાલયના કામ મળ્યા છે. આવી જ રીતે આની સંલગ્ન કંપનીને વેસ્ટર્ન યુપીમાં પાવર ટ્રાન્સમિશનના કામ મળ્યા છે. આ કંપની પર 2019માં આવકવેરા ખાતાના દરોડા પણ પડ્યા હતા. આ કંપનીએ ભાજપને રૂ. 584 કરોડ, બીઆરએસને 195 કરોડ, ડીએમકેને 85 કરોડ, વાયએસઆર કૉંગ્રેસને 37 કરોડ, ટીડીપીને 28 કરોડ, કૉંગ્રેસને 18 કરોડ અને જેડીએસને પાંચ કરોડનું ડોનેશન આપ્યું છે. કૉંગ્રેસને મેઘા પાસેથી રૂ. 110 કરોડ મળ્યા છે.

બોક્સ…
અન્ય કઈ કંપનીઓએ મોટાપાયે ખરીદ્યા ઈલેક્ટોરલ બોન્ડ
આવકવેરા ખાતા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે લગભગ એક દાયકાથી વિવિધ મુદ્દે તપાસમાં અટવાયેલી ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીસ પ્રા. લિ. કંપની 1991માં સેન્ટિયાગો માર્ટીન દ્વારા સ્થાપવામાં આવી હતી. આ લોટરી કંપનીએ દેશમાં સૌથી વધુ રકમના એટલે કે રૂ. 1365 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. સ્વાભાવિક રીતે જ કોઈમ્બતૂર સ્થિત કંપનીના સૌથી મોટા લાભાર્થી તૃણમુલ કૉંગ્રેસ (રૂ. 542 કરોડ) અને ડીએમકે (રૂ. 503 કરોડ) છે. આ ઉપરાંત વાયએસઆર કૉંગ્રેસને રૂ. 154 કરોડ અને ભાજપને રૂ. 100 કરોડનું તેમ જ અન્ય પાર્ટીઓને મળીને રૂ. 66 કરોડનું ડોનેશન આપવામાં આવ્યું છે.
તેમના પછીા ક્રમે સંજીવ ગોયન્કા ગ્રુપ દ્વારા રૂ. 606 કરોડના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી, જેમાંથી તેમણે તૃણમુલ કૉંગ્રેસને રૂ. 459 કરોડ, ભાજપને રૂ. 127 કરોડ, કૉંગ્રેસને રૂ. 15 કરોડ અને બીઆરએસને પાંચ કરોડનું ડોનેશન આપ્યું છે.

કેવેન્ટર ગ્રુપ દ્વારા રૂ. 573 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા અને તેમાંથી ભાજપને રૂ. 345 કરોડ, કૉંગ્રેસને 122 કરોડ, તૃણમુલ કૉંગ્રેસને 66 કરોડ અને અન્યોને રૂ. 38.5 કરોડ આપવામાં આવ્યા હતા. આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા રૂ. 543 કરોડના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી, જેમાંથી ભાજપને રૂ. 275 કરોડ, બીજેડીને રૂ. 264.5 કરોડ, શિવસેનાને રૂ. 3 કરોડ, કૉંગ્રેસને 0.1 કરોડનું ડોનેશન આપવામાં આવ્યું હતું.

રિલાયન્સ સાથે સંકળાયેલી મનાતી ક્વિક સપ્લાય દ્વારા કુલ રૂ. 410 કરોડના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. આમાંથી ભાજપને રૂ. 375 કરોડ, શિવસેનાને રૂ. 25 કરોડ અને એનસીપીને રૂ. 10 કરોડ આપવામાં આવ્યા છે. આ કંપનીને નવી મુંબઈ એપીએમસી માર્કેટમાં મોટી સંખ્યામાં ગોદામ અને સ્ટોરેજ યુનિટ બાંધવાનો કૉન્ટ્રેક્ટ મળેલો છે.
ઈડી અને સીબીઆઈ દ્વારા અલગ અલગ મુદ્દે તપાસનો સામનો કરી રહેલી સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની ઓઈલ ઉત્પાદક કંપની વેદાંતા લિ. દ્વારા કરોડોના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. આ કંપનીનો મહારાષ્ટ્રનો સેમી-ક્ધડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં ગયો ત્યારે આ કંપની ધ્યાનમાં આવી હતી. તેમણે ભાજપને રૂ. 230 કરોડનું, કૉંગ્રેસને રૂ. 125 કરોડનું, બીજેડીને રૂ. 40 કરોડનું ડોનેશન આપ્યું છે.
વ્યક્તિગત દાતાઓમાં આર્સેલર મિત્તલ જૂથના માલિક લક્ષ્મી નિવાસ મિત્તલ રૂ. 35 કરોડના બોન્ડ સાથે મોખરે છે. ઈન્ડિગોના રાહુલ ભાટિયા (રૂ. 20 કરોડ), અજંટા ફાર્મા જૂથના રાજેશ અગરવાલ રૂ. 20 કરોડ, ઈન્દર ઠાકુરદાસ જયસિંઘાની રૂ. 14 કરોડ મોખરે છે.

બોક્સ…
અત્રે નોંધનીય છે કે ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર થયા બાદ વિવિધ રાજકીય પક્ષો દ્વારા કેવી રીતે મોટી કંપનીઓ પાસેથી કામ આપવાના બહાને અથવા તો વિવિધ તપાસ યંત્રણાથી બચાવવા માટે ડોનેશન લેવામાં આવી રહ્યું છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. જોકે આ બધું ઈલેક્ટોરલ બોન્ડના આવવા પહેલાં પણ થતું હતું, પરંતુ ત્યારે આવા વ્યવહારો કાળા નાણાંમાં થતા હોવાથી તેનો કોઈ હિસાબ અને છેડા મળતા નહોતા. આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો ધન્યવાદ માનવો જોઈએ કે ઈલેક્ટોરલ બોન્ડની યંત્રણા કાર્યરત થતાં હવે આ બાબતે પારદર્શકતા આવી છે અને કોના ક્યાં છેડા અડે છે તે જાણી શકાય છે. જોકે આ વ્યવસ્થામાં હજી થોડો સુધારો કરીને કૉન્ટ્રેક્ટ મેળવવા અથવા તો અન્ય કોઈ રીતે સરકારી લાભ આપવા માટે ડોનેશન આપ્યું હોવાનું સિદ્ધ થાય તો હિતસંબંધો (કનફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ) થતા હોવાનું જાણવા મળે તો લાંચ પ્રતિબંધક કાયદા હેઠળ રાજકીય પક્ષો સામે કાર્યવાહી થઈ શકે એવી જોગવાઈ લાવવામાં આવે તો ભારતીય લોકશાહી માટે અત્યંત સારું પગલું માની શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button