ટોપ ન્યૂઝનેશનલ

કુછ તો ગડબડ હૈઃ 4000 કરોડના રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ‘ગાયબ’?

ચૂંટણી પંચ અને એડીઆરના ડેટામાં જોવા મળ્યો તફાવત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના પર પ્રતિબંધ લગાવ્યા બાદ એસબીઆઇને આ યોજના સંબંધિત તમામ માહિતી ચૂંટણી પંચને સોંપવાનો આદેશ આપ્યો હતો. જેનું પાલન કરતા એસબીઆઇએ ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી ચૂંટણી પંચને સોંપી હતી. જેનાથી એ જાણકારી મળી રહી છે કે કઇ કઈ કંપનીએ કઇ રાજકીય પાર્ટીને કેટલા કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ઇલેક્ટોરલ બોન્ડમાં ચાર હજાર કરોડ રૂપિયાનો ડેટા ગાયબ થયાની જાણકારી મળી રહી છે.

ચૂંટણી પંચના ડેટામાં 12,769 કરોડ રૂપિયાના 20,421 બોન્ડની જાણકારી છે જ્યારે એડીઆરના ડેટામાં 16,492 કરોડ રૂપિયાના 27,811 ઇલેક્ટોરલ બોન્ડની જાણકારી છે. એટલે કે બંન્ને ડેટા વચ્ચે 4000 કરોડ રૂપિયાનો તફાવત જોવા મળી રહ્યો છે, જેમાં 7000થી વધુ બોન્ડ સામેલ છે.

ચૂંટણી પંચે એપ્રિલ 2019થી ફેબ્રુઆરી 2024 સુધીના ડેટાની માહિતી જાહેર કરી છે, જ્યારે એડીઆરએ અહેવાલ આપ્યો છે કે માર્ચ 2018થી જાન્યુઆરી 2024 સુધીમાં 16,518.11 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ વેચાયા હતા.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ અગાઉ માહિતી અધિકાર (આરટીઆઈ) એક્ટ હેઠળ દાખલ કરાયેલી અરજીઓમાંથી વધારાના ડેટાનો સ્ત્રોત મેળવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં એડીઆરએ એક અહેવાલ બહાર પાડ્યો હતો, જે મુજબ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 16,000 કરોડથી વધુ મૂલ્યના ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કર્યા હતા અને 2018માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી 30 તબક્કામાં એટલી જ રકમ રિડીમ કરવામાં આવી હતી.

રાજકીય પક્ષો દ્વારા કુલ 16,492 કરોડનું રિડીમ કરવામાં આવ્યું હતું અને બાકીના. 26 કરોડ રૂપિયા વડા પ્રધાન રિલિફ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે ચૂંટણી પંચના ડેટામાં 12,769 કરોડ રૂપિયાના 20,421 બોન્ડની જાણકારી આપવામાં આવી છે.

આ મુખ્ય રાજકીય પક્ષોના જાહેર ડેટામાં પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પાસે 500 કરોડ રૂપિયાથી વધુના બોન્ડ્સ છે, જે ચૂંટણી પંચના ખુલાસાનો ભાગ નથી, કારણ કે અગાઉના ડેટાને બાકાત રાખવામાં આવ્યા છે.

અન્ય પક્ષો પણ આ પ્રકારનું અંતર જોવા મળે છે. જોકે કેટલાક પાસે ચૂંટણી પંચના ખુલાસામાં મોટી રકમ છે કારણ કે તે એવા સમયગાળાને આવરી લે છે જેમાં તેમને વધુ દાન મળ્યું છે. ચૂંટણી પંચના ડેટામાં પ્રથમ આઠ તબક્કાનો ડેટા ગુમ છે.
ટોચના દસ દાતાઓએ કુલ દાનમાં ત્રીજા ભાગનો હિસ્સો આપ્યો હતો જેનું મૂલ્ય 4,564 કરોડ રૂપિયા હતું. ટોચના દાતા ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિસ નામની કંપની હતી જેણે 1,368 કરોડ રૂપિયાના કુલ ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા, ત્યાર બાદ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 966 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને અમાન્ય ગણાવી હતી. ત્યાર બાદ સર્વોચ્ચ અદાલતે 2019થી જ ચૂંટણી બોન્ડ ડેટાની સંપૂર્ણ જાહેરાત કરવાનો આદેશ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button