શિવસેનાને ₹152.4 કરોડનું ડોનેશન મળ્યું: અડધો અડધ રકમ પુણેની એક હાઉસિંગ કંપનીએ આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપને ઈલેક્ટોરલ બોન્ડમાંથી ડોનેશન તરીકે મળેલી રકમની ભારે ચર્ચા થઈ રહી છે ત્યારે એક નવી વાત સામે આવી છે કે રાજ્યમાં અઢી વર્ષ સુધી સત્તામાં રહેલી શિવસેનાને પુણેની એક મોટી હાઉસિંગ કંપની દ્વારા મોટી રકમનું ડોનેશન આપવામાં આવ્યું હતું. શિવસેનાને બધું મળીને ₹152.4 કરોડનું ડોનેશન મળ્યું છે.
મળતી માહિતી મુજબ પુણેની રિયલ એસ્ટેટ ક્ષેત્રની મોટી કંપની બીજી શિરકે ક્ધસ્ટ્રક્શન શિવસેનાના સૌથી મોટા ડોનર હોવાનું સામે આવ્યું છે. કંપનીના ડોનેશન છેલ્લા બે વર્ષમાં આવ્યા છે, એમ ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતીમાંથી સામે આવ્યું છે.
કંપનીએ કુલ 118.5 કરોડના બોન્ડની ખરીદી કરી હતી અને તેમાંથી ₹85 કરોડ શિવસેનાને આપવામાં આવ્યા હતા, જ્યારે ભાજપને 2023-24માં ₹30 કરોડ આપવામાં આવ્યા હતા. શિવસેનામાં ભાગલા પડી ગયા બાદ ડોનેશન મળ્યું ત્યાં સુધીમાં શિવસેનાના ખાતાનું સંચાલન એકનાથ શિંદેના હાથમાં આવી ગયું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ શિરકે કંપનીને પંત પ્રધાન આવાસ યોજના (પીએમએવાય) હેઠળ 20,448 ફ્લેટ બાંધવાનો ₹4,652 કરોડનો કૉન્ટ્રેક્ટ મળ્યો હતો.
આ ઉપરાંત ક્વિક સપ્લાય ચેઈને પણ શિવસેનાને ₹25 કરોડનું ડોનેશન જાન્યુઆરી-2022માં આપ્યું હતું. શિરકે જૂથ દ્વારા ડોનેશન રૂપે આપવામાં આવેલા બોન્ડ શિવસેના દ્વારા તરત જ રોકડ કરાવી લેવામાં આવ્યા હતા. દા. ત. 10 જાન્યુઆરી, 2024ના રોજ શિરકે જૂથે ₹25 કરોડના બોન્ડ પાર્ટીને ડોનેશન સ્વરૂપે આપ્યા હતા, શિવસેનાએ તેને 15 જાન્યુઆરીએ રોકડ કરાવી લીધા હતા.
કંપનીએ જૂન-2019થી 2022ના અંત સુધીમાં એકેય બોન્ડની ખરીદી કરી નહોતી. આ પહેલાં તેમમે આપને ₹એક કરોડની અને ભાજપને ₹50 લાખનું ડોનેશન મે-2019માં આપ્યું હતું. ત્યારબાદ તેમણે બધા જ બોન્ડ 2023-24માં ખરીદ્યા હતા.
શિવસેનાને ડોનેશન આપનારા અન્ય લોકોમાં પી.આર.એલ. ડેવલપર્સ (₹5 કરોડ), દિનેશચંદ્ર આર. અગરવાલ ઈન્ફ્રાકોન (₹3 કરોડ), જેનેક્સ્ટ હાર્ડવેર પાર્કસ (₹3 કરોડ), ટોરેન્ટ પાવર લિ. (₹કરોડ), અલ્ટ્રા ટેક સિમેન્ટ (₹ 3 કરોડ), યુવાન ટ્રેડિંગ ક્ધસલ્ટન્સી (₹3 કરોડ), સેન્ચુરી ટેક્સ્ટાઈલ ₹(1 કરોડ), જિંદાલ પોલીસ ફિલ્મ્સ (₹0.5 કરોડ) અને સુલા વાઈનયાર્ડસ (₹0.3) કરોડનો સમાવેશ થાય છે.
આવી જ રીતે શિવસેનાને ડોનેશન આપનારા ડેવલપરોમાં કે. રાહેજા કોર્પોરેશન (₹1 કરોડ), કીસ્ટોન રિઅલ્ટર્સ (₹1.30 કરોડ) અને વેમોના ડેવલપર્સ (₹0.30 કરોડ)નો સમાવેશ થાય છે. બોન્ડની યોજના આવી ત્યારથી શિવેસનાને ₹227 કરોડ ડોનેશન તરીકે મળ્યા હતા.₹70 કરોડના બોન્ડ 2018માં અને એપ્રિલ 2019 સુધીના સમયગાળામાં મળ્યા હતા, જ્યારે પાર્ટી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ અવિભાજિત હતી.