જયપુર: મુંબઈના પચીસ વર્ષના ઑફ-સ્પિનિંગ ઑલરાઉન્ડર તનુષ કોટિયનના નસીબમાં છેલ્લા થોડા મહિના દરમ્યાન મોટા પલટા જોવા મળ્યા. ડિસેમ્બર, 2023ના પ્લેયર્સ-ઑક્શન પહેલાં તેને ખરીદવા આઇપીએલના ઘણા ફ્રૅન્ચાઇઝીએ રસ બતાડ્યો હતો, પણ તેની શંકાસ્પદ બોલિંગ-ઍક્શનને લીધે તેનું ભાગ્ય બદલાઈ ગયું અને એક પણ ટીમે તેને ખરીદવામાં રસ નહોતો બતાડ્યો. ત્યાર બાદ તેનું ભાગ્ય ફરી પલટાયું અને રણજી ટ્રોફીમાં તે એક પછી એક મૅચમાં સારું રમતો ગયો અને છેવટે તેના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી મુંબઈએ 42મું રણજી ટાઇટલ મેળવ્યું.
આ રણજી સીઝનમાં તેણે મુંબઈ વતી 502 રન બનાવ્યા જે ટીમના તમામ બૅટર્સમાં સેક્ધડ-બેસ્ટ હતા. કોટિયને 29 વિકેટ પણ લીધી હતી. આ પર્ફોર્મન્સ તેને હવે કામ લાગ્યો, કારણકે ઑસ્ટ્રેલિયાના પીઢ સ્પિનર ઍડમ ઝૅમ્પાએ વર્ક-લોડને કારણે તેમ જ જૂનના ટી-20 વર્લ્ડ કપ માટે પોતાને ફુલ્લી ફિટ રાખવા આઇપીએલમાં રમવાનું ટાળ્યું છે. રાજસ્થાન રૉયલ્સે ઝૅમ્પાને 1.50 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો, પણ તેણે રમવાની ના પાડી દીધી છે અને રાજસ્થાનના ફ્રૅન્ચાઇઝીએ કોટિયનને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં સાઇન કરી લીધો છે.
ઝૅમ્પા અગાઉ બૅન્ગલોર અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ ટીમ વતી રમ્યો હતો. ભારતમાં ગયા ઑક્ટોબર-નવેમ્બરમાં રમાયેલા વન-ડેના વર્લ્ડ કપમાં તેણે ઑસ્ટ્રેલિયાને ચૅમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
ઝૅમ્પા બિગ બૅશમાં પણ રમ્યો હતો અને ભારત સામેની ઑસ્ટ્રેલિયાની મર્યાદિત ઓવરોવાળી સિરીઝમાં પણ રમ્યો હતો. તે ન્યૂ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સામે પણ રમ્યો હોવાથી તેના વર્ક-લૉડની બાબતમાં ઑસ્ટ્રેલિયાનું ટીમ-મૅનેજમેન્ટ સતર્ક થઈ ગયું હતું અને તેને જૂનના વિશ્ર્વ કપ માટે ફિટ રાખવા માગે છે. ટી-20નો એ વર્લ્ડ કપ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે.
Taboola Feed