આજથી ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સીઝનની શરૂઆત થવાની છે. ટુર્નામેન્ટમાં શરુઆત ઘણા મહત્વના ખેલાડીઓ રમતા નહીં જોવા મળે. વિવિધ કારણોસર ખેલાડીઓ ટુર્નામેન્ટની બહાર થઇ જતા લગભગ દરેક ટીમને ફટકો પડ્યો છે. કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે તો કેટલાક ખેલાડીઓ અંગત કારણોસર ટુર્નામેન્ટની બહાર થઇ ગયા છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધી 13 ખેલાડીઓ એક યા બીજા કારણોસર બહાર થઈ ગયા છે.
IPLમાંથી બહાર થયેલા ખેલાડીઓ:
મુંબઈ ઇન્ડિયન્સ:
મુંબઈ ઈન્ડિયન્સે દિલશાન મદુશંકાની જગ્યાએ 17 વર્ષની સાઉથ આફ્રિકન બોલર ક્વેના મફાકાને આઈપીએલમાં સામેલ કર્યો છે. ક્વેના માફાકા અંડર-19 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, 9 મેચમાં 21 વિકેટ લીધી હતી. મુંબઈની ટીમે ઈજાગ્રસ્ત જેસન બેહરનડોર્ફની જગ્યાએ લ્યુક વૂડનો સમાવેશ કર્યો છે.
ગુજરાત ટાઈટન્સ:
ODI વર્લ્ડ કપ દરમિયાન મોહમ્મદ શમીને પગમાં થયેલી ઈજાના કારણે તે ભારતીય ટીમમાંથી બહાર છે. તે IPL અને T20 વર્લ્ડ કપમાં પણ નહીં રમી શકે. શમીએ તાજેતરમાં લંડનમાં સર્જરી કરાવી છે, મોહમ્મદ શમીના સ્થાને ગુજરાતની ટીમમાં સંદીપ વોરિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંદીપે 2021માં ભારત માટે એક T20 મેચ રમી છે. ગુજરાત ટાઇટન્સે પણ રોબિન મિન્ઝના સ્થાને બી શરથનો સમાવેશ કર્યો છે. આઇપીએલ પહેલા રોબિન મિન્ઝનાના બાઇકનો અકસ્માત થયો હતો. ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ પણ પ્રથમ 1 કે 2 મેચમાં નહીં રમી શકે. તે સ્થાનિક શેફિલ્ડ શિલ્ડ ટુર્નામેન્ટમાં વ્યસ્ત છે, એ પત્ય પછી જ તે GT સાથે જોડાશે.
લખનઉ સુપર જાયન્ટ્સ:
ઇંગ્લેન્ડનો સ્ટાર ફાસ્ટ બોલર માર્ક વુડ લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી IPLમાં નહીં રમી શકે. તે જૂનમાં ટી20 વર્લ્ડ કપ રમવાનો છે. ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડની વિનંતી પર, વુડે IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. માર્ક વૂડની જગ્યાએ વેસ્ટ ઈન્ડિઝના શેમર જોસેફને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રાજસ્થાન રોયલ્સ:
રાજસ્થાન રોયલ્સ (RR)નો સ્ટાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ઈજાના કારણે પહેલાથી જ IPL સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. ઈજાના કારણે તે છેલ્લી આઈપીએલ પણ રમી શક્યો ન હતો. આ વખતે તે રણજી ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે ટીમની બહાર રહેશે. હવે ઓસ્ટ્રેલીયાનો લેગ સ્પિનર એડમ ઝમ્પા પણ ટીમની બહાર થઇ ગયો છે. એડમ ઝમ્પાના સ્થાને તનુષ કોટિયનને RR ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ:
કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા ઇંગ્લેન્ડના બે ખેલાડીઓ જેસન રોય અને ગુસ એટકિન્સને પણ IPL માંથી પોતાના નામ પાછા ખેંચી લીધા છે. ઓપનર જેસન રોયે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જ્યારે એટકિન્સનને જૂનમાં T20 વર્લ્ડ કપ રમવાનો છે. ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડની વિનંતી પર, તેણે IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જેસનના સ્થાને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ અને એટકિન્સનના સ્થાને શ્રીલંકાના દુષ્મંથા ચમીરાનો KKRની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ:
ન્યુઝીલેન્ડનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે અંગૂઠામાં ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તે લગભગ 8 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. તેમના રિપ્લેસમેન્ટ અંગે હજુ જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત ‘બેબી મલિંગા’ના નામથી જાણીતો મથિશા પથિરાના પણ ચેન્નઈની ટીમમાંથી બહાર થઇ ગયો છે.
દિલ્હી કેપિટલ્સ:
દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો ઇંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક ટીમમાંથી બહાર થઈ ગયો છે. બ્રુકે અંગત કારણોસર IPLની આ સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
મુંબઈ ઈન્ડિયન્સ:
T20 ક્રિકેટ રેકિંગમાં નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું ટેન્શન વધારી દીધું છે. સુર્યા સર્જરી બાદ રીકવર થઈ રહ્યો છે, હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. સૂર્યા મુંબઈની શરૂઆતની મેચોમાંથી બહાર રહી શકે છે.