ચેન્નઈ: આજે સાંજે ક્રિકેટ રસિકોની રાહનો અંત આવશે, આજથી ક્રિકેટના સંગ્રામ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. આજે શુક્રવારે સાંજે IPLની આ સીઝનનો પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી રમાશે, ટોસ સાંજે 07.30 કલાકે થશે.
બંને ટીમો મેચ માટે તૈયારીઓ કરી રહી છે. CSK પાસે મહેન્દ્રસિંહ ધોની અને RCB પાસે વિરાટ કોહલી ઉપરાંત બંને ટીમો પાસે દિગ્ગજ ખેલાડીઓ છે, બંને ટીમો આ સિઝનની શરૂઆત જીત સાથે કરવા માંગે છે. એમ ચિદમ્બરમ સ્ટેડિયમ CSKનું હોમ ગ્રાઉન્ડ છે જેના પર ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. CSK રેકોર્ડ નવમી વખત IPLની ઓપનિંગ મેચ રમવા મેદાન પર ઉતરશે. બીજી તરફ RCB પાંચમી વખત સિઝનની પ્રથમ મેચ રમવા ઉતરશે.
ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, આ મેદાન પર RCB પર CSKનો દબદબો રહ્યો છે. આ મેદાન પર CSK અને RCB વચ્ચે અત્યાર સુધીમાં આઠ મેચ રમાઈ છે, જેમાં સાત મેચ CSKએ જીત મેળવી છે જ્યારે RCB માત્ર એક મેચ જીતી શકી છે.
આ ઉપરાંત, IPL ઈતિહાસમાં CSK અને RCB વચ્ચે અત્યાર સુધી કુલ 31 મેચ રમાઈ છે, જેમાં CSK 20 મેચ જીતી છે, જ્યારે RCB માત્ર 10 મેચ જીતી શકી છે, જયારે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
CSK સામેનો રેકોર્ડ સુધારવા RCB આજે મેદાને ઉતરશે, આજે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે એવી આશા છે. IPLની શરૂઆત પહેલા CSKની ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો હતો, દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીને બદલે યુવા ખેલાડી રુતુરાજ ગાયકવાડને ટીમનો નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. એવામાં સૌની નજર CSKના નવા કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ પર રહેશે.
CSK ટીમમાં ઈજાગ્રસ્ત ડેવોન કોનવે નહીં હોય, CSK પાસે ન્યુઝીલેન્ડના યુવા ઓપનર રચિન રવિન્દ્રનો વિકલ્પ છે, કોનવેના સ્થાને રચિન ઓપનિંગની જવાબદારી સંભાળશે. CSK આ મેચમાં મુસ્તફિઝુર રહેમાનને તક આપી શકે છે.ઘર બેઠા કઈ રીતે જોઈ શકશો મેચ:
IPL પ્રસારણના રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી સાથે મેચ Star Sports 1 HD/SD પર પ્રસારિત થશે અને હિન્દી કોમેન્ટ્રી Star Sports hindi HD/SD પર પ્રસારિત થશે. ભારતમાં IPLનું ઓનલાઈન સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ અને વેબસાઈટ પર થશે.CSK અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
ચેન્નાઈ સુપર કિંગ્સ: રચિન રવિન્દ્ર, રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ડેરિલ મિશેલ, મહેન્દ્ર સિંહ ધોની, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, દિનેશ કાર્તિક, કેમેરોન ગ્રીન, મહિપાલ લોમરોર, રીસ ટોપલી, મોહમ્મદ સિરાજ, કરણ શર્મા.