ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયાએ એક તબક્કે ૧૫ પૈસાનો સુધારો દર્શાવ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે છ પૈસાના સુધારા સાથે ૮૩.૧૩ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૯ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૦૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૬ અને ઉપરમાં ૮૩.૦૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે છ પૈસા વધીને ૮૩.૧૩ના મથાળે બંધ રહ્યો હતો.
અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર ૫.૨૫થી ૫.૫૦ ટકાની સપાટીએ જાળવી રાખ્યા હોવા છતાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકવાના સંકેત આપવાની સાથે વર્ષ ૨૦૨૪માં આર્થિક વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ ૧.૮ ટકા મૂક્યો હતો તે વધારીને ૨.૧ ટકા મૂક્યો હોવાથી ડૉલર ઈન્ડેક્સ જે વધીને ૧૦૪ના સ્તર સુધી પહોંચ્યો હતો તે પાછો ફર્યો હતો અને ગઈકાલના બંધ સામે ૦.૧૫ ટકાના સુધારા સાથે ૧૦૩.૫૪ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. વિશ્ર્વ બજારનાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૦ ટકા ઘટીને બેરલદીઠ ૮૫.૭૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એએનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૩૯.૫૦ પૉઈન્ટનો અને ૧૭૨.૮૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.