મેટિની

સોપારી

ટૂંકી વાર્તા -રમણ મેકવાના

એનું નામ હતું જગદીશ. પણ મિત્રદાવે હું એને જગલો કહેતો.

જગલો, એના ઓળખીતા એક શેઠના પેટ્રોલ પંપની દેખરેખનું અને હિસાબ રાખવાનું કામ કરતો હતો. મારી ફેકટરીથી થોડે દૂર પેટ્રોલ પંપ હતો. દરરોજ સવારમાં સાઈકલ પર હું ફેકટરીએ જવા નીકળતો ત્યારે ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે, મને એનો ભેટો થતો. દરરોજ નવા, નવીનવી ડિઝાઈનનાં લૂગડાં પહેરી રમરમાટીને જગલો સ્કૂટર પર ભાગતો, હું જોતો. મને એના માટે કુતૂહલ થતું.

એક દિવસ રસ્તાની ધારે સ્કૂટરને કીકો મારતો મેં એને જોયો. હું સાઈકલ પરથી ઊતરી એની પાસે ગયો. પરસેવે રેબજેબ જગલો હાંફી રહ્યો હતો. હાંફતા હાંફતા બોલ્યો, ‘સા… બંધ પડી ગયું.’
ફેકટરીમાં ઘણાને એમના બંધ પડેલા સ્કૂટર ચાલુ કરતાં મેં જોયા હતા. એ રીતે મેં સ્કૂટરના અમુક ભાગોને દબાવ્યા. હલાવ્યા. એક વખત મારા સેકશનની હેડ સોનિયા મેડમનું બંધ પડેલું સ્કૂટર એક સુપરવાઈઝરે સ્કૂટરના પ્લગ સાફ કરી ચાલુ કરી આપ્યું હતું. ત્યારે હું ત્યાં હાજર હતો. મેં જગલા સામે જોઈ કહ્યું, ‘એના પ્લગમાં કાર્બન જામી ગયો હશે. આજ કાલ પેટ્રોલ ભેળસેળવાળું આવે છે.’ નારાજગી ભરી નજરે એણે મારી સામે જોયું અને સ્કૂટરનો પ્લગ કાઢયો. હું સાચો પડ્યો. પ્લગ પર ખુબ કાર્બન જામી ગયો હતો. એને સાફ કરી નાખ્યો. કીક મારી સ્કૂટર ચાલુ થયું. એ આભારની નજરે મારી સામે જોઈ હસ્યો અને ચાલ્યો ગયો.

એ પછી અમારો પરિચય વધ્યો અને અમારી વચ્ચે દોસ્તી થઈ.

હું ફેકટરીમાં નોકરી કરતો હતો. પગાર ટુંકો હતો. મોંઘવારીમાં પત્ની, બે બાળકો અને બીજા ખર્ચમાં મને મળતો પગાર માત્ર પંદર દિવસ ચાલતો એ પછી અહીં તહીં ઉધાર-ઉછીના કરી ગાડું ગબડાવતો. એક વખત પાંચસો રૂપિયાની જરૂર ઊભી થઈ. મેં જગલાને વાત કરી. કશીજ પૂછપરછ વગર એણે એના પાકીટમાંથી પાંચસોની નોટ મને આપી. એનું પાકીટ જોઈ મારી નજર ફાટી ગઈ. પાંચસો હજારની નોટોથી એનું પાકીટ ખીચોખીચ હતું. એ પછી અવારનવાર હું એની પાસે હાથ લંબાવતો અને આનાકાની વગર એ મને માગું એટલા આપી દેતો.

પત્ની બીમાર પડી. એને દવાખાને લઈ જવાના પૈસા ન હતા. હું જગલાના ઘેર ગયો. તરત મને કહ્યા એટલા પૈસા આપ્યા. પૈસા આપ્યા પછી એણે મને પૂછયું, ‘રવિવારે તારે રજા છે?’

‘હા…અઆ! બોલને કંઈ કામ છે મારું?’ અવારનવાર એ મારું કામ કાઢતો હતો, આથી એના અરથમાં આવવાના ઉત્સાહમાં હું હરખપદૂડો થઈ ગયો.

રવિવારે સવારમાં દશ વાગે સ્કૂટર લઈ એ મારે ત્યાં આવ્યો. પત્ની પાસે હાઈકલાસ ચા બનાવડાવી. ચા પીતાં એણે મને પૂછયું, ‘પેલો ઈમુદાદો તને ઓળખે છે?’ હું ચમકી ગયો. ‘ઈમુદાદાનું આને શું કામ પડ્યું?’ પ્રશ્ર્ન થયો.

શહેરના ‘દાદા’થી ઓળખાતા ઈમુની આખા શહેરમાં ધાક હતી. એની પાસે ખાસ્સી ગુંડા ટોળી હતી. ગમે એની ગમે ત્યારે હત્યા કરી નાખવાની એના ડાબા હાથની ગેમ હતી. ‘તારે એનું શું કામ છે?’
‘તું એને ઓળખે છે કે નહીં? એ કહેને?’ સખત અવાજે એ બોલ્યો.

જગલાની નારાજગી વ્હોરી લેવી પોષાય એમ ન હતી. એટલે મારા મોંમાથી નીકળી ગયું, ‘હા… આ… આ…’

‘એનું ઘર ક્યાં આવ્યું, જોયું છે તે?’ એણે પૂછયું. ઈમુ મારા બનેવીના કાકાના દીકરાનો સાળો થતો હતો. એક વખત મારા બનેવીને એનું કામ પડ્યું ત્યારે હું એમની સાથે ગયો હતો. બસ પછી કદી હું એને ત્યાં ગયો નથી, અને ઈમુને અમારી એ મુલાકાત યાદ હશે કે નહીં એમાં હું ચોક્કસ ન હતો. જવાબ માટે જગલો મારી સામે જોઈ રહ્યો હતો. મેં બોલ્યા વગર હકારમાં ડોકી હલાવી એટલે કપ ભોંયે મૂકી એકદમ એ ઊભો થઈ ગયો. ‘ચાલ’ એ બોલ્યો અને સ્કૂટર પાસે જઈને ઊભો રહ્યો.

હું ઘરમાં પત્નીને જાણ કરી બહાર આવ્યો. જગલાએ સ્કૂટર સ્ટાર્ટ કર્યું. પાછળ હું સવાર થઈ ગયો અને મેં બતાવ્યો એ રસ્તે જગલાએ ઈમુના ઘર તરફ સ્કૂટર હંકાર્યું.

ઈમુ એના ઘર આગળ ખુરશીમાં બેઠો હતો. જગલાને મેં બતાવ્યો, એણે બરાબર ઈમુ પાસે જ સ્કૂટર ખડું કરી દીધું. અમને એકદમ ધસી આવેલા જોઈ, બેબાકળો ઈમુ ઊભો થઈ ગયો. ત્વરિત એનો એક હાથ એના પેન્ટના ખિસ્સા પર સજજડ ચોંટી ગયો. ‘કોણ છો કેમ આવ્યા. કોણે મોકલ્યા?’ ઈમુએ કડક અવાજે પ્રશ્ર્નોત્તરી કરી, અમે શિયાંવિયાં થઈ ગયા. જગલાએ મારી સામે જોયું એટલે હું બોલ્યો, ‘ઈમુ ભાઈ એકવાર હું તમારે ઘરે આવ્યો હતો. યાદ છે?’

‘તે એનું અત્યારે શું છે? આ કોણ છે? જગલા સામે કરડી આંખે જોતાં ઈમુ બોલ્યો.

‘આ મારો મિત્ર જગદીશ છે. એને તમારું કામ છે.’ થોથવાતા હું બોલ્યો.

‘શું કામ છે?’ ઈમુ બોલ્યો. મેં જગલા સામે જોયું, હોઠ પર જીભ ફેરવતાં જગલો લાચારી ભર્યું હસ્યો. ‘મારે સોપારી આપવાની છે.’

‘સો…પારી! શાની સોપારી? અને તમને કોણે કહ્યું હું સોપારી લઉં છું.’ એક શ્ર્વાસે ઈમુ બોલી ગયો. હું બાઘાની માફક બંને સામે વારાફરતી જોઈ રહ્યો. મને આમાં કશી સમજણ પડતી ન હતી. જગલો કંઈ બોલ્યો નહીં. એટલે થોડીવાર પછી ઈમુ બોલ્યો, ‘કોની સપારી આપવા આવ્યા છો?’

હવે જગલામાં હામ આવી. એણે તકેદારી ભરી નજરે આસપાસમાં જોઈ લીધા પછી ઈમુ સામે જોયું. ઈમુ એની મનોસ્થિતિ સમજી ગયો. એટલે અમને ઘરમાં એક અંધારા ઓરડામાં લઈ ગયો.

ઓરડા વચ્ચે ટેબલ હતું. એની આસપાસ ચાર ખુરશી પડી હતી. એક ખુરશીમાં બેસતાં પહેલા ઈમુએ એના પેન્ટના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી. ટેબલ પર મૂકી રિવોલ્વર જોઈ હું અંદરથી થથરી ગયો.
ઈમુએ અમને બેસવાનો ઈશારો કર્યો. એટલે અમે એની સામે બેસી ગયા. ‘બોલો કોની સોપાર આપવા આવ્યા છો?’ ઈમુએ ટેબલ પર પડેલી રિવોલ્વર લઈ, હાથમાં રમાડતાં પૂછ્યું. મારી અને જગલાની બંનેની નજર ઈમુના હાથમાં રમતી રિવોલ્વર પર સ્થિર હતી. આથી અમે એને ઝટ જવાબ આપી ના શક્યા. થોડીવાર પછી ઈમુ કડકાઈથી બોલ્યો, ‘બોલો! ઝટ કરો. મારે ઉતાવળ છે. બહાર જવાનું છે.’ મેં જગલા સામે જોયું. જગલો મૂંઝવણમાં હોય એમ લાગ્યું. ઈમુ કરાંજ્યો. ‘જુઓ સોપારીની વાત લઈ આવ્યા છો. આથી વાત કરીને જ અને સોપારીની કિંમત ચુકવીને જ અહીંથી જઈ શકશો.’

જગલો ભયભીત નજરે ઈમુ પાસે જોઈ રહ્યો. મારી નજર ઈમુના હાથમાં રમતી પિસ્તોલ પર હતી. ઈમુએ જગલા સામે જોયું. ગળામાં થૂંક ઉતારવાનો પ્રયત્ન કરતાં, જગલો દબાતે અવાજે બોલ્યો, ‘મારી શેઠાણી રંભાની.’

મારા મન પર સન્નાટો છવાઈ ગયો. જગલાએ મને કહ્યું હતું એ પ્રમાણે રંભા શેઠાણી એટલે પેટ્રોલ પંપના માલિકની પત્ની.

જગલો – જગદીશ એની માને એકનો એક હતો. ભરયુવાનીમાં જગલાની મા વિધવા થઈ હતી. ત્યારથી પેટ્રોલપંપના માલિક કાળીદાશ શેઠને ત્યાં ઘરકામમાં જોતરાઈ હતી. શેઠાણી રંભા અને કાળીદાસ શેઠ ખૂબ ભલાં હતાં. જગલાની મા સાથે પરિવારના સભ્ય જેવો વ્યવહાર કરતાં. જગલો નાનાથી મોટો એમની નજર આગળ થયો હતો. દશમી પાસ થયો અને કાળીદાસ શેઠ ઉંમર અને ભારે શરીરને કારણે દોડાદોડ કરી શકે એમ ન હોવથી જગદીશને પેટ્રોલ પંપનો વહીવટ સોંપ્યો. સવાર સાંજ પેટ્રોલ પંપની દેખરેખ રાખવાની અને પેટ્રોલની જે કંઈ આવક થઈ હોય એણે લઈ આવવાની.

જગલા સાથે પરિચર વધ્યો. પછી એણે મને આ વાત કહી હતી. એણે એવું ય કહ્યું હતું કે ‘શેઠને મારી ઉંમરની જ એક છોકરી છે. અમારી વચ્ચે પ્રેમ સંબંધ છે. હું એની સાથે લગ્ન કરવા માગુ છું. પણ વચ્ચે એની મા રંભા શેઠાણી આવે છે. એને હું એની છોકરી સરયૂ સાથે પરણું એ પસંદ નથી.’

‘પણ સરયૂ તને ચાહે છે એને તારા માટે પ્રેમ છે, એની તને ખાતરી છે?’ મેં પૂછયું હતું.

‘હા… હા વળી હું ઊઠયો ઊઠયો થોડો એની સામે પ્રેમની વાત કરું છું. તું આવજે મારી સાથે. શેઠના ઘેર. ત્યારે તું જો જે એને મારા પ્રત્યે પ્રેમ છે કે નહીં?’

એ પછી જગલો મને એના શેઠના બંગલે લઈ ગયો હતો. શેઠ-શેઠાણી સ્વભાવનાં ખૂબ મીઠાં મળતાવડાં હતાં. જગલો જાણે એમના ઘરનો સભ્ય હોય એમ વર્તતો હતો. શેઠ-શેઠાણીનો એની સાથે દીકરા જેવો વ્યવહાર હતો અને સરયૂ જગલા સાથે હસતી બોલતી હતી. વાતવાતમાં જગલાને તાળી આપતી. મસ્તીમાં એના ખભે ધબ્બો મારતી. મારી હાજરીમાં જગલો વધારે ખીલ્યો લાગતો હતો. સરયૂ રૂપાળી નાજુક નમણી હતી એકવડી ઉજળી, કાળા ઘટ્ટ લાંબા માથાના વાળ. સરયૂને જોઈ, જગલાની એની સાથેના પ્રેમ સંબંધની વાત મને વધારે પડતી લાગી હતી. સરયૂ આગળ જગલાના ચણાય ના આવે. એવો જગલાનો દેખાવ હતો. હસમુખી અને વાતોડિયણ સરયૂ જગલા સાથે હસતી વાતો કરતી હશે એટલે જગલાભાઈને સરયૂ એને પ્રેમ કરે છે એવો ભ્રમ થયો હોય એવું મને લાગ્યું. હું કલાક એના ત્યાં રોકાયો ત્યારે મારી સાથેય એ છૂટથી હસતી બોલતી હતી. એક બે વાર મનેય વાતવાતમાં હસીને તાળી આપી હતી. આથી મારે એ મને ચાહે છે એવું માની લેવાનું?’

‘કોણ રંભા શેઠાણી, ક્યાં રહે છે?’ ઈમુએ કરડા અવાજે પૂછયું.

જગલાએ શેઠાણીની માહિતી આપી. થોડીવાર કંઈ વિચાર પછી ઈમુએ પૂછયું, ‘કેમ, શેઠાણીની હત્યા કરવાનું કારણ?’

‘હું એની છોકરી સાથે લગ્ન કરવા માગું છું. પણ એ આડી આવે છે.’

‘પણ શેઠાણીને પતાવી દીધા પછી તમને ખાતરી છે, એની છોકરી
તમારી સાથે લગ્ન કરશે?’ ઈમુએ પૂછયું.

‘હા… હા!’ જગલો ઉત્સાહથી બોલ્યો. હવે એનાં મનનો ભય દૂર થઈ ગયો હતો. હું સામે હાથમાં રિવોલ્વર સાથે બેઠેલા જમજેવા ઈમલાને જોઈ ભયથી થીજી રહ્યો હતો. મોટા ઉપાડે મૈત્રીનું ઋણ ચુકવવાના ઉત્સાહમાં દોડી આવ્યો હતો. પણ અહીં આવવાનું કારણ જાણ્યા પછી મનોમન કોચવાતો હતો.

‘સારું! કામ થઈ જશે. લાવો પૈસા કેટલા લાવ્યા છો?’ ઈમુ સ્વસ્થતાથી બોલ્યો.

‘કેટલા થશે?’ શુષ્ક અવાજે જગલાએ પૂછયું.

‘પાંચ પેટી’ ઈમુ બોલ્યો ‘અરધા અત્યારે બાકીના કામ પતે.’

‘આ… ખા… પાં… ચ… લા… ખ…?’ જગલાના મોં આંખો પહોળાં થઈ ગયાં.

‘ત્યારે શું બસો – પાંચસોનું કામ છે આ? આમાંથી અરધા તો, પોલીસ લઈ જશે. પછી મારી પાસે શું રહેશે? અને આ કંઈ બકાલુ ખરીદવાનું કે ખેતરમાંથી રખડતું ઢોર હાંકી કાઢવાનું નથી. સ…મજ્યા?’ ઈમુ કરડાકીથી બોલ્યો, ‘ઝટ કરો. મને મોડું થાય છે.’

જગલો ઊભો થયો, લથડતા પગે જઈ, સ્કૂટરની ડેકીમાંથી પૈસા લઈ આવ્યો. ઈમુ સામે મુકયા. ‘બે… એ.. એ.. લા….ખ’ … જગલો આગળ બોલી ના શકયો.

‘ઓ…કે! કશો વાંધો નહીં. બાકીના કામ પતે ઓ… કે…!’ ઈમુ બોલ્યો.

આ વાતને ખાસ્સા દસેક દિવસ થઈ ગયા. પણ મારી હાલત કફોડી હતી. બાકીના પૈસા માટે ઈમુએ મારી અને જગલા સામે જોઈ કહ્યું હતું. ‘બાકીના પૈસા જલદી મોકલજો. ઢીલ થશે તો પોલીસને જાણ કરીશ.’ એનો બોલવાનો ઢંગ અને અવાજની સખ્તાઈથી હું હલી ગયો હતો અન જગલાભાઈ તો બિન્ધાસ્ત ચાલ્યા ગયા હતા.

પણ હવે ધીમે ધીમે મને આ પ્રસંગની ગંભીરતા સમજાતી હતી. ‘જગલો કામ પત્યા પછી સમયસર પૈસા નહીં આપે તો ઈમલો જગલા સાથે મારુંય નામ પોલીસમાં આપશે?’ મન પર આ વિચાર સવાર થયા પછી મારી હાલત અસ્વસ્થ થઈ ગઈ. ખાવાપીવામાંથી રુચિ મરી ગઈ. સરખી ઊંઘ પણ લઈ શકતો નહીં. નોકરીમાં પણ મન લાગતું ન હતું. એમાંય અધિકારીના ઠપકાનો ભોગ બનવું પડ્યું.

પોલીસ મારું ઘર પૂછતી આવી હોય એવા ભણકારા થવા લાગ્યા. એક દિવસ ઊંઘવાના પ્રયત્નમાં આંખ બંધ કરી, બંધ આંખ સામે ઈમુ સાથે પોલીસ જોઈ, પોલીસે મને ગળચીમાંથી પકડયો. હાથકડી પહેરાવી થાપા પર બે-ચાર દંડા ઝાપટયા ‘ઓ.. બા..પા!’ ગળામાંથી ચીસ નીકળી ગઈ. પત્ની હાંફળી-હાંફળી આવી મને ઢંઢોળવા લાગી. ‘શું થયું, શું થાય છે તમને?’ ‘ક… કંઈ… નહીં’ ચકળવકળ આંખે પત્ની સામે જોઈ તરડાયેલા અવાજે હું બોલ્યો.

પણ એ પછી મારી સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ. ડગલે પગલે હું ભયના ઓથારમાં રહેવા લાગ્યો. દરરોજ સવારમાં જગલો મને રસ્તામાં મળતો એ પણ હવે મળતો બંધ થઈ ગયો હતો. ‘શું થયું હશે. એણે બાકીના પૈસા ઈમુને આપી દીધા હશે? ઈમુએ શેઠાણી રંભાને પતાવી દીધાં હશે? સરયૂ સાથે જગલો પરણીને હનીમૂન માટે ચાલ્યો ગયો હશે?’ હું વિચારતો મૂંઝવણ સાથે મારો ભય વધતો.
આ બધામાંથી છૂટકારો મેળવવાના વિચારે હું જગલાના ઘેર ગયો. જગલો લમણે હાથ દઈ પરસાળમાં ખાટલે બેઠો હતો. ઘરમાંએની ડોશી કશો બડબડાટ કરતી, એને ભાંડતી હતી. જગલાનાં દીદાર જોઈ મેં આંચકો અનુભવ્યો.

કાયમ નવાં લુગડામાં અપટુડેટ રહેતો જગલો સફેદ મેલા લેંઘા અને બાંય વગરની બનિયનમાં ગૂમસૂમ બેઠો હતો. દિવસોથી વધી ગયેલી દાઢીથી જગલો લાંબી બીમારીમાં હોય એવો લાગતો હતો. મને જોઈ એ માંદલું હસ્યો. એના આવકાર-બાવકારની રાહ જોયા વગર હું એની પાસે ખાટલામાં બેસી ગયો. ઘરમાં એની મા તરફ ઈશારો કરી એણે મને કંઈ ન બોલવા સમજાવ્યું.
‘શું થયું, તું કેમ આમ થઈ ગયો?’ મને જે સૂઝયું એ પૂછયું. પણ જવાબ આપવાના બદલે મોં પર આંગળી મૂકી મને ચૂપ રહેવા કહ્યું. પછી ઊભો થઈ પગરખાં ચઢાવી, પરસાળ ઉતર્યો. મનેય એની સાથે લીધો.

ખાસ અવરજવર ન હતી ત્યાં જગલો ઊભો રહ્યો. એટલે હું બોલ્યો ‘લ્યા! પેલા ઈમુને પૈસા આપ્યા? એ મારી પાસે ઊઘરાણી કરશે!’

જગલો તિરસ્કારભર્યું હસીને થૂંકયો. પછી આવેશમાં બોલ્યો, ‘શાના પૈસા? એણે તો મારી પથારી ફેરવી નાખી!’

‘શું ઉ ઉ…! શાની કેવી પથારી, કોણે ફેરવી?’

‘એ… સા… ઈમલાએ!’ જગલો ગુસ્સામાં બોલ્યો.

‘પણ શું થયું કહેતો ખરો? સરયૂ સાથે લ..ગન.’

હું બોલવાનું પૂરું કરું એ પહેલાં જગલાએ મને એની કરમ કહાણી સુણાવી, જે આ મુજબ હતી.

સરયૂ સાથે જગલો લગન કરવા માગતો હતો. પણ એની મા રંભા શેઠાણી આડાં આવતાં હતાં. આથી એમનો કાંટો કાઢી નાખવા જગલાએ ઈમુને સોપારી આપી.

પણ શેઠ કાળીદાસ સાથે ઈમુને ખૂબ જૂના સંબંધ હતા. ઈમુની બેનનાં લગ્ન વખતે શેઠે ઈમુને મદદ કરી હતી. આથી ઈમુ શેઠની અને એમના પરિવારની ઈજજત કરતો હતો. ઈમુના કારણે શેઠ એમનો પેટ્રોલ પંપ સલામત માનતા હતા. આ વાતની જગલાને ખબર હતી. છતાં સરયૂ સાથે લગ્નની લગનમાં એની બુદ્ધિ બહેર મારી ગઈ હતી.

બીજા દિવસે જગલો અજાણ્યો બની શેઠના ઘેર ગયો. એટલે શેઠે સરયૂને બોલાવી એની સાથે શેઠાણી રંભા પણ આવ્યા. જગલો સફેદ પૂણી જેવો થઈ ગયો. ‘છોકરી તારી ઈચ્છા આની સાથે લગ્ન કરવાની છે?’ જગલાને બતાવતાં શેઠે કરડાકીથી સરયૂને પૂછયું.

‘ના… રે…! કોણે કીધું?’ મને તો એવો વિચારેય આવ્યો નથી.’ સરયૂ બોલી.

‘અને તું મારી છોકરી સાથે લગ્ન કરવા આને મારી નાખવા ઊભો થયો છે?’ શેઠાણી તરફ ઈશારો કરતાં શેઠ બોલ્યા. જગલાની હાલત વાઢયો હોય તો લોહી ના નીકળે એવી થઈ ગઈ.

‘હ… રામી!’ જે ઘરમાં આશરો મળ્યો ત્યાં જ દેવતા મેલવા તૈયાર થયો? ચાલ્યો જા મારી આંખો આગળથી ફરી વખત મને તારું મો ના બતાવીશ. અને સલામતી ઈચ્છતા હોય તો ભૂલે ભટકેય આ તરફ ફકરતો નહીં.’ શેઠ ગુસ્સામાં બોલ્યા, ‘બામણાનું છોકરું જાણી દયા આવે છે નહીં તો હમણાં પોલીસને સોંપી દેત.’ શેઠ આગળ બોલ્યા અને જગલાએ જેવો પગ ઉપાડયો એ સાથે શેઠાણી એની પાસે ધસી આવ્યાં. કચકચાવીને બે તમાચા એના ગાલમાં ચોંડી દેતા ધ્રૂજતા અવાજે બોલ્યાં, ‘એમ આ નપાવટને ક્યાં જવા દો છો? મૂઆ મફતિયા દયા કરી મેં તારાં વાનાં પૂરાં કર્યાં. પેટ જણ્યા જેવાં હેત પ્રેમ આપી આખા પેટ્રોલ પંપનો વહીવટ તારા હાથમાં સોંપ્યો. ત્યારે મારી છોકરી સામે નજર બગાડી? મારાજ ઘરમાં ખાતર પડવા તૈયાર થયો? સારું જાણી અમે આપેલી બધી વસ્તુઓ હમણાં આપી જા.’ કહેતા એમણે જગલાના હાથમાંથી સ્કૂટરની ચાવી આંચકી લીધી.

સ્વભાવ પ્રમાણે સરયૂ જગલા સાથે હસતી વાતો કરતી આથી જગલા ભાઈને આકડે મધ લાગ્યું. પેટ્રોલ પંપના હિસાબમાં શેઠથી ગાપચી મારી ભેગા કરેલા બે લાખ રૂપિયા શેઠાણીની સોપારી માટે જગલાએ ઈમુને આપ્યા હતા.

અને ઈમુઅ જગલાની જ સોપારી લઈ લીધી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?