મેટિની

મૂળ વગરના વૃક્ષ ને વિશ્ર્વાસ વગરના વ્યવહાર વધુ સમય ટકતા નથી….

અરવિંદ વેકરિયા

ફાર્બસ હોલથી બધા છુટા પડ્યા. રાજેન્દ્રને ફોન કરી શુક્ર-શનિનાં ગ્રાન્ડ રિહર્સલ વિશે જાણ કરી દીધી. એણે બે દિવસની રજા લઈ લેવાનું પણ અમને કહી દીધું. ખરી મહેનત આવતી કાલથી શરૂ થવાની હતી. ‘હિન્દુજા થિયેટર’ અને નાટકનો જીવ એવા જે.અબ્બાસ, થોડું વહેલા-મોડું પણ જો થઈ જાય તો વાંધો લેવાના નહોતા એની ખાતરી હતી. પૂરો વિશ્ર્વાસ હતો. બાકી મૂળ વગરના વૃક્ષ અને વિશ્ર્વાસ વગરના વ્યવહાર વધુ સમય ટકતા નથી. ખાસ લાભની વાત એ હતી કે શુક્રવારે આગળ-પાછળ કોઈ કાર્યક્રમ ‘હિન્દુજા’માં નહોતા અને ‘હિન્દુજા’નો ‘રખેવાળ’ રામજી નામનો ‘માણસ’ એકદમ મદદરૂપ થાય એવો હતો. ( એ હવે હયાત નથી.)

હા,શનિવારે સવારે હિન્દુજા’ માં એક કોઈ મિટિંગ હતી એટલે અમને થિયેટર
બપોર પછી મળેલું. રાતના સમયે બધા મદદરૂપ થાય એવા હતા એ પ્લસ બાબત હતી. ઝટ સવાર પડે અને તીર કમાનથી છૂટે એવી ચટપટીમાં રાત્રે ઊંઘ જ ન આવી. જાતજાતના- ભાતભાતના વિચાર આવતા રહ્યા. ઊંઘનું પણ ગજબનું ગણિત હોય છે. અમુક રાતે તમને ઊંઘ આવતી નથી અને અમુક રાતે તમે સુવા નથી માગતા. વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે. મારે વેદના નહોતી, પણ એક ઉત્તેજના હતી- આનંદ હતો મનમાં….જી.આર. સરસ અને હું ઈચ્છું એ રીતે જ પૂરું થાય. બધા રમુજી વિચારો મગજમાં આવ્યા કરતા હતા. થયું, જો આ રિવાઈવલ પણ ફેલ ગયું તો ‘હું ક્યાયનોય નહિ રહું’ તરત રમૂજે દસ્તક દીધી :
જે લોકો ક્યાયનાંય નથી રહેતા એ છેવટે રહે છે ક્યા?’ રિવાઈવલ કરવું હું પહેલા ‘પાપ’ સમજતો હતો, પ્રેક્ષકો માટે અન્યાય કરું છું એવું લાગતું હતું- ક્યાંક પાપનો ઘડો ફૂટી જશે… પછી વિચાર આવ્યો કે ‘પાપ બધા ઘડામાં કેમ ભરે છે? પાપ ઠંડા રહેતા હશે?!’

આવા ગાંડા-ઘેલા વિચારોમાં પડખા ઘસતો રહ્યો. ત્યાં પાછા કિશોર દવેના વિચારો આવ્યા. મન મનાવ્યું કે દિલ પર પથ્થર રાખીને કામ પૂરું કરી લઈશ. ત્યાં મને કહ્યું કે’ ‘આ દિલ ઉપર રાખવાનો પથ્થર ક્યા અને કેટલામાં મળતો હશે?’ લાગે છે કે જયંત ગાંધીના જોક્સ નાટકમાં તો ઉતાર્યા પણ એની આડ-અસર મારા મગજમાં થઈ લાગે છે. સવારે પાંચ વાગે ઊઠી ગયો. સેવામાં મારે ત્યારે પણ ચાલીસેક મિનીટ તો થતી જ હતી. આજે તો મારે મારું કામ નિર્વિઘ્ને પાર પડે એટલે ભગવાનને વધુ મસ્કા મારવાના હતા. આ વિચાર સાથે જ કૃષ્ણએ ગીતામા કહેલું યાદ આવ્યું કે, મારા પર ભરોસો રાખ’ પણ એવું નથી કહ્યું કે ‘મારે ભરોસે બેસી રહે’. કારણ કે વૃત્તિ શ્રેષ્ઠ હોય તો પ્રવૃત્તિ પણ શ્રેષ્ઠ જ નીવડે એટલે મારી રોજિંદી સેવા પતાવી, નાસ્તો કરી હું ૭.૩૦ વાગે નીકળી ગયો. ‘હિન્દુજા’ પહોંચ્યો ત્યારે સેટ-ડિઝાઈનર ફલી મિસ્ત્રી સેટ લગાડાવી રહ્યા હતા. સેટમાં વધુ કઈ નહિ..સાદો
બોક્ષ-સેટ જ હતો. જે મારું ઘર… જેમાં એક બાલ્કની હતી, જેમાંથી ચોરની ભૂમિકા કરતો ભરત જોશી ( ભ.જો.) આવવાનો હતો.

થોડીવારમાં તો સેટ લાગી ગયો. ‘હિન્દુજા’ થિયેટરની લાઈટ સંભાળતો પાલાંડે અને અમારો નાટકનો લાઈટ-મેન શૈલેશ (જે પ્રવીણ
ભોંસલે સાથે હતો- હવે શૈલેશ પણ હયાત નથી.) બંને લાઈટ સેટ કરવામાં લાગી ગયા. ભ.જો. બધી સ્ટેજ પ્રોપર્ટી ગોઠવવામાં પડ્યો.

ધીમે-ધીમે બધા આવી ગયા. તુષારભાઈ પણ આવી ગયા. ભટ્ટ સાહેબ નહોતા આવ્યા. તુષારભાઈએ એમને ફોન કર્યો તો એમણે
કહ્યું કે તમે પહેલું એક રિહર્સલ પતાવો, ફરી લાઈટ-મ્યુઝિક સાથે થશે ત્યાં સુધીમાં હું જોઈન્ટ થઇ જઈશ. સોહીલનો ઇન્સ્પેક્ટરનો
ડ્રેસ ટ્રાય કરાવી લીધો. ‘કે.કે.ટેલર્સ’નાં ફિટિંગમાં આમ પણ જોવા જેવું કે ભૂલ કાઢવા જેવું ન હોય. એટલી વારમાં તો રાજેન્દ્ર શુકલ પણ આવી ગયો. રજની સાલિયને તુષારભાઈએ લાવેલો કોલગર્લનો ડ્રેસ પહેરીને મારી એપ્રુવલ પણ લઇ લીધી. બધું લગભગ સેટ થઇ ગયું હતું. રાજેશ મહેતાએ સ્પુલ-મશીન સાથે સાઉન્ડ ચેક કરી લીધું. એ વખતે મ્યુઝિક સ્પુલ-મશીન પર
વગાડવામાં આવતું. હવે તો ઘણી આધુનિક સુવિધાઓ મળી રહી છે. રાજેશ મહેતા એક્ટિંગ કરતા હતા એટલે મ્યુઝિક એમનો
દીકરો જયેશ મહેતા અથવા દીકરી દીપ્તિ ઓપરેટ કરતી.

 અમે બધાએ સેટ પર ભેગા મળી પૂજા કરી, જે આજે પણ એટલી જ આસ્થા સાથે    થાય છે. બસ ! બધા કલાકારોને શુભેચ્છા

આપી. કિશોર દવે તો મને ગળે મળ્યા. મેં તુષારભાઈ અને રાજેન્દ્રને ખાસ જોવા કહ્યું અને પેડ અને પેન આપી થતી ભૂલોની
નોંધ લેવાનું પણ કહ્યું.

રિહર્સલ શરૂ થયા. રાજેન્દ્રને સમયની નોંધ લેવાનું પણ કહ્યું. કારણ કે એવું નક્કી કરેલું કે નાટક મધ્યાંતર સાથે અઢી કલાકથી વધવું ન જોઈએ. રિહર્સલ પ્રોસેસ બરાબર થાય અને નાટક સારું જાય તો લોકપ્રિયતાની અપેક્ષા તો થાય જ ને ! લોકપ્રિયતા આમંત્રણ વિના આવે છે અને રજા લીધા વિના વિદાય લે છે. ‘છાનું છમકલું’ જયારે કરેલું ત્યારે પણ અપેક્ષા તો આ જ હતી પણ લોકપ્રિયતાએ રજા લીધા વિના વિદાય લીધેલી. હવે રિ રિવાઈવલમા માટે આશા રાખી શકું, ‘હીટ’ જ જશે એમ છાતી ઠોકીને ન કહી શકું. પ્રેક્ષકો
અમારી ‘વાત’ ઝીલીને સારો પ્રતિસાદ આપે તો ભયો-ભયો.!

રિહર્સલ તો શરૂ થઇ ગયા. સંવાદો લગભગ બધાને યાદ જ હતા. પહેલો અંક શરૂ કરતાં પહેલા આખા નાટકની લાઈટ અને

મ્યુઝિકની ‘કયું’ કરી લીધી, જેથી કલાકારોને સુગમતા રહે. બાકી કલાકારો તો એ જ હતા અને મ્યુઝિક પણ એ જ હતું. સોહિલ
અને રજનીને ખાસ કહેવાનું હતું એ કહી દીધું. મ્યુઝિકમાં ખાલી શરૂઆતનું એનાઉન્સમેન્ટ, બીજા અને ત્રીજા અંકનું
એનાઉન્સમેન્ટ એટલું જ નવું હતું એ કામ રાજેશ મહેતાએ સુપેરે પાર પાડી દીધેલું.

 પહેલો અંક શરૂ કર્યો. લગભગ ૫૫ મિનિટ ચાલ્યો. એ રાજેન્દ્રએ કહ્યું. બે-ચાર નાની ભૂલો પર પણ અમારું ધ્યાન દોર્યું. પછી

બીજો અંક પણ ચા-પાણીના બ્રેક પછી શરુ કરી દીધો. બીજા અંકના પહેલા સીનનાં ડ્રોપ વખતે એક ગુંડો ચાકુ લઈને દરવાજામાં
દાખલ થાય છે…અને સીન ‘ફેઈડ-આઉટ’… એ પાત્ર મારા મગજમાંથી નીકળી જ ગયેલું. લાઈટ ઓપરેટર હતો એક, રતન એનું
નામ ( ઘાટકોપરમા એ ‘ભાઈ’ તરીકે ઓળખાય છે હવે, એવું સાંભળ્યું છે.) એ રતન એટલે છ ફૂટની હાઈટ અને કસાએલું બોડી.
રાજેન્દ્રએ એને કહી દીધું. હાશ, બધું ગોઠવાય ગયું. બીજો અંક પણ સડસડાટ પૂરો થઇ ગયો. એ પછી ત્રીજો અંક પણ પૂરો થયો.
આ બધામાં સમય ઘણો વીતી ગયો હતો. ભટ્ટ સાહેબને ફોન કરી બીજા દિવસે આવવા કહી દીધું. બીજા દિવસે લાઈટ, મ્યુઝિક
અને ડ્રેસ સાથે ‘શો’ ની જેમ જ જી.આર. કરવાના હતા. બધાને બીજા દિવસનો સમય જણાવી, રજા
આપી.


બાથ ભરી ભેટ્યા થકી, કરીએ નહિ વિશ્ર્વાસ.
ફોફળ લઇ બાથમાં, સુડી કરે વિનાશ.

મોજાં કાયમ ધોઈને પહેરવા..કામયાબી કદમ ચૂમવા આવે ત્યારે એ બે-ભાન ન થઇ જાય…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button