આવે છે, આવે છે અશ્ર્વત્થામા આવે છે
ફોકસ -મનીષા પી. શાહ
હનુમાન, રાજા મહાબલિ, વેદ વ્યાસ, વિભિષણ, ગુરુ કૃપાચાર્ય, પરશુરામ અને અશ્ર્વત્થામા. હિન્દુ ધર્મ પ્રમાણે આ સાત વ્યક્તિત્વ અજર અમર છે. આમની અને એમની સાથે સંકળાયેલી વાત કે વાર્તા માત્ર રસપ્રદ નહિ પણ એકદમ આશ્ર્ચર્યજનક અને રોમાંચક છે. એમાં વાર્તાના એક-એક રસ ઠાંસી ઠાંસીને ભરેલા છે. આમ છતાં હિન્દી સિનેમાએ આમાંથી કોઈ એક પાત્ર પર યાદગાર ફિલ્મ બનાવ્યાનું જાણમાં નથી.
છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં અશ્ર્વત્થામા પર ફિલ્મ સર્જકોનું ધ્યાન ગયું છે. ‘બાહુબલી’ના પ્રભાવ અને કોરોના કાળના લોકડાઉનમાં લોકપ્રિય થયેલી સાઉથની ડબ ફિલ્મોએ બમ્બૈયા મસાલા ફિલ્મોની ફોર્મ્યુલાને આઈ.સી.યુ.માં ધકેલી દીધી છે. હવે ભવ્યતા – ભવ્યતાના ચિત્કાર સાથે નિર્માતા, દિગ્દર્શકો અને ડુપ્લીકેટ થકી મહાન બનતા હીરોને લેવાની નજર આપણા ધર્મગ્રંથોના પાત્ર પર પડી છે.
તાજેતરમાં દખ્ખણની ‘હનુ-માન’ની સફળતાએ સૌને અચંબિત કરી દીધા. આ સાથે ગુરુ દ્રોણના શાપિત પુત્ર અશ્ર્વત્થામા પર ફિલ્મ બનાવાની જાહેરાત થઈ છે. આમાં શાહિદ કપૂર ટાઈટલ રોલમાં ચમકશે. આ ફિલ્મ હિન્દી સહિતની પાંચ ભાષામાં રિલિઝ થશે.
બોલીવૂડની એક ગભરામણ આ પ્રોજેક્ટમાં ય ઊડીને આંખે વળગે છે. હવે સૌને સફળતા માટે સાઉથના સ્ટાર્સ કે દિગ્દર્શકની જરૂર પડે છે. આખા બોલીવૂડમાં કોઈ કાબેલ ન હોય એમ અશ્ર્વત્થામા -ધ સાગા ક્ધટીન્યુસ’નું દિગ્દર્શન પણ દખ્ખણી સચિન બી. રવિને સોંપાયું છે.
આ આખા પ્રોજેક્ટમાં અશ્ર્વત્થામા બાદ આશા જગાવે છે આ દિગ્દર્શકનું નામ. આ ફિલ્મ સર્જક તરીકેનો સચિન રવિનો નાનકડો પ્રવાસ ખૂબ રસપ્રદ છે. મૂળભૂત પણે એન્જિનિયર થયેલો સચિન હાલ દિગ્દર્શક, પટકથા – લેખક, સંકલનકાર, કલરીસ્ટ અને વીએફએક્સ આર્ટિસ્ટ તરીકે ક્ધનડ સિનેમાનું જાણીતું અને મોટું નામ છે. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં એટલે કે ૨૦૧૩માં એક ફિલ્મનું એડિટિંગ કર્યું. ત્યાર બાદ ક્ધનડ સિનેમાના મોટા સર્જકો સાથે સંકલનકાર તરીકે જોડાયા. ૨૦૧૯માં સાઉથના મોટા સ્ટાર રક્ષિત શેટ્ટી ‘અવને શ્રીમન્નારાયણ’નું સફળ દિગ્દર્શન કર્યું. આ ફિલ્મમાં પ્રાચીન ખજાના પાછળની હત્યાનો કેસ ઉકેલતા પોલીસ અફસરની કથા – માવજત પ્રેક્ષકોને ખૂબ ગમી ગઈ હતી. રૂા. ૨૦-૨૪ કરોડમાં બનેલી આ ક્ધનડ ફિલ્મે રૂા. ૮૦ કરોડની કમાણી કરી હતી. આ તમિલ કે તેલુગુ નહિ પણ ક્ધનડ ફિલ્મ હોવાથી કમાણી ઘણી સારી ગણાય. હિન્દીમાં ધ એડવેન્ચર ઑફ શ્રીમન્નારાયણના નામે ડબ થયેલી ફિલ્મ જોઈ શકાશે.
સવાલ એ છે કે અશ્ર્વત્થામા ફિલ્મમાં હવે શું? નિર્માતા – દિગ્દર્શકના દાવા મુજબ આમાં અતીતને વર્તમાન સાથે જોડાશે. સાદા શબ્દોમાં કહીએ તો વિશ્ર્વ સંકટમાં હશે અને અમર અશ્ર્વત્થામા એને બચાવવા માટે અનન્ય સાહસ બતાવશે. બરાબર, પણ એ કેવી રીતે બતાવાય છે એના પર બધો આધાર છે. ગેટએપ, માહોલ, એક્શન, વિએફએક્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સહિતનું બધું એ-વન હોવું જોઈએ. બાકી, આખી ઈન્ડસ્ટ્રીને ડર છે એમ ‘આદિપુરુષ’ જેવો ફિયાસ્કો થતાં વાર ન લાગે.
અશ્ર્વત્થામા કેવા લાગતા હતા એ આપણે કોઈ જાણતા નથી. પણ શું શાહિદ કપૂર સ્વીકાર્ય બનશે? અગાઉ ‘ઉડી – ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના દિગ્દર્શક અશ્ર્વિની ધીરે વિક્કી કૌશલને લઈને ‘ધ ઈમોર્ટલ અશ્ર્વત્થામા’ બનાવાવની જાહેરાત કરી હતી. આના પર થોડું ઘણું કામ પણ થયું હતું. પરંતુ ધીમે-ધીમે સમજાયું કે આ ફિલ્મ માટે વીએફએક્સનો તોતિંગ ખર્ચ થશે, જે પાછો લાવવો મુશ્કેલ છે. ગોસિપિંગ તો એવું ય થયું હતું કે આટલી મોટી ફિલ્મનો ભાર ઉપાડવાનું વિક્કીનું ગજુ નહિ. અંતે એ ફિલ્મ અભેરાઈ પર ચડાવી દેવાઈ.
ભૂતકાળમાં ઘણી સફળ ફિલ્મો આપી ચુકેલા વાસુ ભગનાની અને તેમની પૂજા ફિલ્મ્સ અન્ય સહ-નિર્માઓએ ‘અશ્ર્વત્થામા ધ સાગા ક્ધટીન્યુસ’ બનાવવાનું બીડું ઝડપ્યું છે. નિશાન ખૂબ ઊંચું તાકયું છે એમાં જરાય શંકા નહિ.
અશ્ર્વત્થામા તો અમર હતા ને રહેશે પણ જો ફિલ્મ ઊણી ઊતરી તો પૌરાણિક અમરવીરને શું કહેશું? અસ્વસ્થ થામા.
અત્યારે તો અશ્ર્વત્થામા, સચિન બી. રવિ અને શાહિદ કપૂર (એજ ક્રમમાં)ની ત્રિપુટી પ્રતીક્ષા કરવા જેવી આશા જન્માવે જ છે. જીવતા રહેવાના અને દર્દ ભોગવતા રહેવાના શ્રાપને લીધે અમર થયેલા અશ્ર્વત્થામાને બોલીવૂડ શાતાદાયી સ્પર્શ આપે એવી અપેક્ષા રાખીએ.