ભાજપ પછી કોંગ્રેસે યાદી જાહેર કરીઃ ત્રીજી યાદીમાં 57 ઉમેદવાર જાહેર કર્યાં
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આજે નવ ઉમેદવાર સાથે ત્રીજી યાદી જાહેર કરી હતી, જ્યારે હવે વિરોધી પાર્ટી કોંગ્રેસ દ્વારા 57 ઉમેદવારની યાદી જાહેર કરી છે.
57 ઉમેદવારમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, પશ્ચિમ બંગાળ, પુડુચેરી સહિત અન્ય રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની સીઈસીની બેઠકમાં અગાઉ 19મી માર્ચે યોજવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન માટે લોકસભાના ઉમેદવારોના નામ માટે ચર્ચા કરી હતી. મહારાષ્ટ્રમાં સાત અને ગુજરાતમાંથી 11 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે પોતાના સાત ઉમેદવાર જાહેર કર્યા હતા, જેમાં નંદુરબારથી એડ્વોકેટ ગોવાલ કે. પડવી, અમરાવતીથી બલવંત વાનખેડે, નાંદેડથી વસંતરાવ બળવંતરાવ ચવાણ, પુણેથી રવિન્દ્ર ધંગેકરને ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા છે. આ સિવાય, લાતુરથી શિવાજીરાવ કલગે, સોલાપુરથી પ્રણિતી શિંદેને લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં પાટણમાં ચંદનજી ઠાકોર, સાબરકાંઠામાં ડોક્ટર તુષાર ચૌધરી, ગાંધીનગરમાં સોનલબેન પટેલ, જામનગરમાં જેપી મારવિયા, અમરેલીમાં જેનીબેન ઠુંમર, આણંદમાં અમિતભાઈ ચાવડા, ખેડામાં કાળુસિંહ ડાભી, પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ, દાહોદમાં પ્રભાબેન તાવિયાડ, છોટાઉદેપુરમાં સુખરામભાઈ રાઠવા અને સુરતમાં નિલેશભાઈ કુંભાણીને ટિકિટ આપી છે.
કોંગ્રેસ પાર્ટી દ્વારા આ અગાઉ બે યાદી જાહેર કરી છે, જેમાં 82 ઉમેદવાર જાહેર કર્યાં હતા. ઉપરાંત, પહેલી યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને વાયનાડથી ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરુ થશે, ત્યારબાદ 26 એપ્રિલ, સાતમી મે, 13મી મે, 20મી મે (મુંબઈ રિજન), 25મી મે અને પહેલી જૂન મળીને સાત તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. ઉપરાંત, ચોથી જૂનના પરિણામ જાહેર કરવામાં આવશે.