આચારસંહિતાને કારણે મહારાષ્ટ્રમાં ‘આનંદા ચા શિધા’ પર કાતર, લાખો પરિવારને ફટકો
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા અને સામાન્ય નાગરિકોને તહેવાર અને ઉત્સવ દરમિયાન સસ્તા ભાવે ‘આનંદા ચા શિધા’ યોજના હેઠળ રૅશન આપવામાં આવે છે. જોકે હવે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં મહારાષ્ટ્ર સરકારની આ યોજનાને બે મહિના માટે બંધ કરવામાં આવી છે. આ સાથે સરકાર દ્વારા મફતમાં રૅશન, થેલી અને સાડી આપવાની યોજનાને પણ ચૂંટણી સમાપ્ત થયા સુધી સ્થગિત કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકાર મારફત છેલ્લા દોઢ વર્ષથી તહેવારો દરમિયાન 100 રૂપિયામાં નાગરિકોને એક કિલો ખાંડ, અડધો કિલો રવો, મેંદો, એક કિલો તેલ, ચણાની દાળ વગેરે રૅશનની વહેંચણી કરવામાં આવતી હતી. આગામી બે મહિનામાં હોળી અને ગુઢીપાડવા જેવા તહેવારોમાં આ યોજના બંધ કરવામાં આવતા નાગરિકોમાં નારાજગી છે.
ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, જેથી સાત જૂન સુધી સરકારની દરેક મફત રૅશન યોજનાને બંધ રાખવાનો આદેશ ચૂંટણી પંચે જાહેર કર્યો હતો.
એક અધિકારીએ કહ્યું હતું કે ચૂંટણી પંચના આદેશ સુધી આ યોજનાને બંધ રાખવામાં આવશે અને કોઈપણ રૅશન દુકાન પર આ આદેશનો ઉલ્લંઘન નહીં થાય તે માટે દરેક વિસ્તાર પર નજર રાખવામાં આવશે.