48 કલાકમાં સિંધુદુર્ગ અને રત્નાગિરીની બેઠકના ઉમેદવાર જાહેર કરાશેઃ ભાજપના નેતાનો દાવો
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેરાત પછી હવે દરેક રાજ્યમાં મોટા ભાગની પાર્ટી સત્તા માટે આમને સામને આવી ગઈ છે, જેમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી સામે એમવીએના સાથીપક્ષો વચ્ચે સીટ વહેંચણીને અંદરોઅંદર ખેંચાખેંચી ચાલી રહી છે, જ્યારે હજુ રાજ્યની મહત્ત્વના વિસ્તારોની બેઠકની મોટાભાગના ઉમેદવારની જાહેરાત કરી નથી.
મહાયુતિમાં સિંધુદુર્ગ અને રત્નાગિરીની બેઠક માટે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે આ બેઠક ઉપર જો છેલ્લાં 48 કલાકમાં પણ ઉમેદવાર જાહેર કરવામાં આવશે, તો મહાયુતિનો જ ઉમેદવાર ચૂંટાઇ આવશે, એમ નિતેશ રાણેએ જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીના વખાણ કરતા ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની દરેક ક્ષણને દેશ માટે સમર્પિત કરેલી છે. રાઉત અને તેમના માલિકને ઔરંગઝેબની કબરની બાજુમાં બે કબર ખોદવાની તાલાવેલી જાગી છે. તેઓ વડા પ્રધાન મોદીની જેટલી ટીકા કરશે તેટલા જ તેમના પગ કબરમાં ઉતરશે, તેમ રાણેએ જણાવ્યું હતું.
ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરે ઉપર નિશાન તાકતા તેમને સ્વાર્થી કહેતા જણાવ્યું હતું કે સ્વાર્થનું બીજું નામ એટલે ઉદ્ધવ ઠાકરે. પોતાના પુત્રને બચાવવા માટે તેમણે બિનશરતી ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો અને બીજી બાજુ તે ટીકા કરે છે.
આ ઉપરાંત રામ મંદિર તરફ ઇશારો કરતા તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને કૉંગ્રેસને નિશાને લેતા કહ્યું હતું કે કૉંગ્રેસે અત્યાર સુધી અંધારામાં રાખેલા ધાર્મિક સ્થળોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશમાં લાવ્યા હતા.