Monorailની ફેરી વધશે પણ શું મુસાફરો વધારવામાં સફળતા મળશે?
મુંબઈઃ મોનોરેલ (Monorail)ની મુંબઈગરાઓએ ઘણી રાહ જોઈ હતી, પરંતુ તે આવી ત્યારબાદ સફેદ હાથી પુરવાર થઈ રહી છે. ઘણા કારણોસર આ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને જોઈએ તેટલા પ્રવાસીઓ મળતા ન હતા. એવામાં સરકારે હવે નવી ગાડીઓ લાવવાની જાહેરાત કરી છે ત્યારે સવાલ એ છે કે શું આનાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકશે અને મોનોરેલને ખોટ ખાતી બચાવી શકાશે?
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ મહિનાના અંત સુધીમાં નવી ગાડીઓને કાફલામાં સામેલ કરવામાં આવશે. આના કારણે મોનો રેલ્વેની ફેરીઓમાં વધારો થશે અને ચેમ્બુરથી મહાલક્ષ્મીથી સંત ગાડગે મહારાજ ચોક વચ્ચે મોનો રેલ્વે રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત થશે.
આપણ વાંચો: મોનોરેલના ઓપરેશન માટે MMRDA બનાવી મોટી યોજના, જાણો કોને થશે લાભ?
હાલમાં મોનો રેલવેના કાફલામાં આઠ ટ્રેન છે. તેમાંથી છ ટ્રેન નિયમિત મુસાફરોની સેવામાં છે અને દરરોજ કુલ 118 ફેરી કરવામાં આવી રહી છે. હાલમાં આ રૂટ પર દર 18 મિનિટે મોનો ટ્રેનો ઉપડે છે. જો કે, આટલો લાંબો સમય ટ્રેનની રાહ જોવી શક્ય ન હોવાથી મુસાફરો મોનો દ્વારા મુસાફરી કરવાનું ઓછું પસંદ કરતા હોવાનું સંબંધિત અધિકારીનું માનવાનું છે. તેથી આ રૂટ પર ટ્રેનોની સંખ્યા વધારવા માટે નવી ટ્રેનો ખરીદવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર નવી 10 ગાડી લોકોની સેવામાં હાજર થશે. ચાર કૉચની એક ગાડી એમ કુલ 40 નવા કૉચ દિવસ દરમિયાન ઉમેરાશે. દરેક ગાડીની કિંમત – આશરે રૂ.58.9 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ ઓક્ટોબર 2021માં વધુ ગાડીઓ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અધિકારીઓએ માહિતી આપી હતી કે કંપની તરફથી પ્રથમ કાર આ મહિનાના અંત સુધીમાં આવી જશે. તેથી, બાકીની ટ્રેનો આગામી વર્ષમાં શરૂ કરવામાં આવશે. આ ટ્રેનો સેવામાં પ્રવેશ્યા પછી, દર પાંચ મિનિટે મોનોરેલ દોડશે અને દિવસ દરમિયાન લગભગ 250 ફેરી કરશે.
હાલમાં MMRDA પાસે આઠ મોનો છે. જોકે આ તમામ 10 ટ્રેન જાન્યુઆરી, 2024 સુધીમાં આવવાની સંભાવના હતી, પરંતુ સમયસર આવી નથી ત્યારે હવે મહિનાના અંતમાં એક નવી ગાડી અને આવતા એક બે મહિનામાં નવ નવી ગાડી કાફલામાં જોડાવાની સંભાવના છે, તેમ એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.