ચેન્નઈ: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની કૅપ્ટન્સી મહેન્દ્રસિંહ ધોનીને સોંપવામાં આવી હતી, પરંતુ હવે તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડને સીએસકેનો નવો કૅપ્ટન બનાવવમાં આવ્યો છે.
27 વર્ષનો પુણેનો ગાયકવાડ ઓપનિંગ બૅટર છે. તે ભારત વતી પચીસ ઇન્ટરનૅશનલ મૅચ રમવા ઉપરાંત આઇપીએલ સહિતની ટી-20 ટૂર્નામેન્ટોમાં કુલ 122 મૅચ રમ્યો છે. સીએસકેના ફ્રૅન્ચાઇઝી પાસેથી ધોનીને આઇપીએલની એક સીઝન રમવાના 12 કરોડ રૂપિયા મળે છે, જ્યારે ગાયકવાડને તેનાથી અડધી કિંમત (છ કરોડ રૂપિયા) મળે છે.
આઇપીએલ શુક્રવાર, બાવીસમી માર્ચે શરૂ થઈ રહી છે ત્યારે એની પૂર્વસંધ્યાએ સીએસકે દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો હોવાનું આઇપીએલના મોવડીઓ દ્વારા ટવિટર પર જણાવવામાં આવ્યું હતું.
સીએસકેના ફ્રૅન્ચાઇઝીએ પોતાની વેબસાઇટ પર જણાવ્યું હતું કે ‘એમએસ ધોનીએ સીએસકેની કૅપ્ટન્સીના સૂત્રો ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધા છે. આ ટીમ ગાયકવાડની કૅપ્ટન્સીમાં આગામી સીઝન વિશે ખૂબ આશાવાદી છે.’
પાંચ વખત ચૅમ્પિયન બનેલા સીએસકે વતી ગાયકવાડ 2020માં ડેબ્યૂ કર્યા બાદ કુલ બાવન મૅચ રમ્યો છે. આ સ્ટાઇલિશ ઓપનરે 2023ની આઇપીએલમાં 147.50ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 590 રન બનાવ્યા હતા.
ધોનીની મોટા ભાગે આ છેલ્લી આઇપીએલ છે. ગયા વર્ષે તેણે આઇપીએલ પછી તરત જ મુંબઈમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી. આ વખતે તે તમામ મૅચો રમશે કે કેમ એ પણ ચોક્કસપણે ન કહી શકાય. એ બધુ જોતાં નેતૃત્વની જવાબદારી ગાયકવાડને સોંપવામાં આવી છે. સીએસકેનું ફ્રૅન્ચાઇઝી ઇચ્છે છે કે ધોનીની હાજરીમાં જ ટીમને આસાનીથી પરિવર્તનના તબક્કામાં લઈ જઈ શકાય એ હેતુથી આ મોટો ફેરફાર કરાયો છે.
2022માં સીએસકેનું સુકાન થોડા સમય માટે રવીન્દ્ર જાડેજાને સોંપાયું હતું. જોકે જાડેજાએ થોડી જ મૅચો પછી કૅપ્ટન્સી છોડી દીધી હતી અને ફરી ધોનીને નેતૃત્વની જવાબદારી સોંપાઈ હતી. 2023માં ધોનીના સુકાનમાં સીએસકેની ટીમ મુંબઈની જેમ પાંચમું ટાઇટલ જીતી હતી.