ઈડલી-સાંભારમાંથી ગરોળી નીકળી, 30 વિદ્યાર્થીને ક્લિનિકમાં ખસેડવામાં આવ્યાં
મુંબઈઃ ધારાવીની ખાનગી સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતા સ્કૂલ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. બાળકોને આપવામાં આવેલા ફૂડમાં ખાસ તો પીરસવામાં આવેલી ઈડલી-સાંભારમાંથી ગરોળી હોવાનું ધ્યાનમાં એક બાળકને આવ્યું હતું. ઈડલી સાંભાર ખાદ્યા પછી લગભગ 30 વિદ્યાર્થીને સાયનની ખાનગી ક્લિનિકમાં ખસેડવામાં આવ્યા હતા. શાહુ નગર પોલીસના જણાવ્યાનુસાર બપોરનું ભોજન શાળા દ્વારા નહીં પણ પડોશમાં આવેલી જેપી હોટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
જે મા-બાપ પોતાના બાળકોને બ્રેકફાસ્ટ કે લન્ચ પૂરું પાડી શકતા નથી તેઓ જેપી હોટેલ સાથે ટાય-અપ કરી લે છે, જે રોજે રોજ શાળાના બાળકોને લન્ચ પૂરું પાડે છે. તેઓ મોટા ભાગે તેમને ઈડલી, સાંભારની સાથે અન્ય સાઉથ ઈન્ડિયન ફૂડ પણ પૂરું પાડે છે. બુધવારે જ્યારે બાળકોને ફૂડ આપતા હતા ત્યારે એક બાળકે જોયું કે તેના સાંભારમાં ગરોળી તરી રહી હતી.
આ લોકોએ ઈડલી-સાંભાર ખાદ્યા પછી વિદ્યાર્થીઓ ઉલટી કરવા લાગ્યા હતા અન્ય વિદ્યાર્થીઓએ પણ આ જોઈને તેમના જેમ જ ઉલટી કરવાનું શરૂ કરી દીધું. આ તમામ વિદ્યાર્થીઓ પાંચમાં અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ના પગલે ખોરાકમાં ઝેરની તપાસ માટે બાળકોને તુરંત નજીકની આયુષ ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલ પ્રશાસનને જણાવ્યું હતું કે કોઈ પણ બાળકમાં ફૂડ પોઈઝનિંગ થવાની જાણ નથી થઈ. ઝોન-5 ડીસીપી તેજસ્વી સાતપુતેએ કહ્યું હતું કે એફડીએ દ્વારા તપાસ માટે ફૂડ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે અને એક વાર રિપાર્ટ આવ્યા પછી અમે આગળની કાર્યવાહી કરીશું. હજુ સુધી તો કોઈ પણ વાલીઓ કેસ દાખલ કરવા માટે અમારા સુધી આવ્યા નથી. એફડીએના અધિકારીએ કહ્યું હતું કે તેમણે સેમ્પલ એકત્ર કરી લીધા છે અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.