…તો, રેગિંગ પીડિતો અને સાક્ષીઓને પણ સજા થશે, ગુજરાત સરકારનો ઠરાવ
અમદાવાદ: કોલેજના વિદ્યાર્થીઓમાં રેગીંગ(Raging)નું દુષણ ચિંતાજનક છે. કડક કાયદા અને જાગૃતિ માટેના અભીયાનોચલાવવા છતાં નિર્દોષ વિદ્યાર્થીઓ આ દુષણનો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકાર(Government of Gujarat)એ મંગળવારે રેગીંગ અંગે ગવર્નમેન્ટ રીઝોલ્યુશન(GR) જાહેર કર્યું હતું અને રાજ્ય સરકારે બુધવારે ગુજરાત હાઈ કોર્ટ(Gujarat High court)ને GR અંગે જાણ કરી હતી. GR મુજબ જો રેગિંગના પીડિત અથવા સાક્ષી બનાવની જાણ નહીં કરે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ગવર્નમેન્ટ રીઝોલ્યુશન મુજબ શૈક્ષણિક સંસ્થાઓ રેગીંગ કરનાર ગુનેગારોને તો દંડ કરવાનો રહેશે જ, પણ સાથે રેગિંગના પીડિત અને સાક્ષીઓ પ્રશાસનને ઘટનાની જાણ નહીં કરે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની રહેશે, આવું ન કરવા બદલ ગુજરાત સરકાર આવી શૈક્ષણિક સંસ્થાઓ પર કડક પગલા ભરશે.
અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં ગયા વર્ષે થયેલી રેગિંગની ઘટના અંગે ગુજારત હાઈ કોર્ટે સુઓ મોટો લીધા બાદ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રીઝોલ્યુશન રજુ કર્યું હતું. સરકારે કહ્યું કે આ GR યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા જાહેર કરાયેલા રેગિંગ વિરુદ્ધના નિયમો પર આધારિત છે.
GR માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, પીડિત અથવા સાક્ષી રેગિંગની ઘટનાઓની જાણ કરતા નથી તેઓને પણ યોગ્ય સજા કરવામાં આવશે જો કે, જયારે પુરાવા આપવાની જવાબદારી રેગિંગના આરોપી પર હશે અને પીડિત પર નહીં. સંસ્થાએ રેગિંગના કેસ માટે એફઆઈઆર દાખલ કરવી જરૂરી છે.
રેગિંગના ગુનેગારો પર સંસ્થામાંથી સસ્પેન્શન, શિષ્યવૃત્તિ પાછી ખેંચવી, પરીક્ષા અને શૈક્ષણિક કાર્યક્રમોમાં પ્રતિબંધ, રીઝલ્ટ અટકાવવા, હોસ્ટેલમાંથી હાંકી કાઢવા, પ્રવેશ રદ કરવા, ચાર સેમેસ્ટર સુધી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ અને પાંચ વર્ષ માટે અન્ય સંસ્થાઓમાં પ્રવેશ પર પ્રતિબંધ જેવા પગલા લેવામાં આવી શકે છે. આ ઉપરાંત ગુનેગારને બે વર્ષ સુધીની જેલ સજા પણ થઇ શકે, જો કોઈ ગુનેગારોની વ્યક્તિગત ઓળખ ન થાય તો સામૂહિક સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
GR મુજબ શૈક્ષણિક સંસ્થાઓએ ફેકલ્ટી મેમ્બર્સ, વાલીઓ અને ફ્રેશર્સ કેટેગરીના વિદ્યાર્થીઓ તેમજ સીનીયર અને નોન-ટીચિંગ સ્ટાફના પ્રતિનિધિઓ સાથે એન્ટિ-રેગિંગ કમિટી બનાવવાનું પણ આવશ્યક રહેશે.
GR મુજબ ખાનગી રીતે ચાલતી હોસ્ટેલ્સના સંચાલકોએ રેગીંગની ઘટનાની સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવવી પડશે. જાણ ન કરવા બદલ સંચાલકોને જવાબદાર ગણવામાં આવશે.
GRમાં શૈક્ષણિક કેમ્પસને રેગિંગ ફ્રી બનાવવા માટેના પગલા સૂચવવામાં આવ્યાછે. કેમ્પસ રેગિંગ ફ્રી છે કે કેમ તે ચકાસવા માટે દરેક સંસ્થાએ દર પખવાડિયે ત્રણ મહિના સુધી ફ્રેશર્સ વિદ્યાર્થીઓનો રેન્ડમ સર્વે કરવો જરૂરી છે. સંસ્થાઓએ ફ્રેશર્સ અને સિનીયર વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધોને સુમેળભર્યા રાખવા માટે જાગૃતિ અભિયાનો અને પ્રવૃત્તિઓ હાથ ધરવાની રહેશે. સંસ્થાઓએ ફ્રેશર્સનો સીનીયરો પર આધાર ઘટે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
કેમ્પસમાં સાઇકોલોજિકલ કાઉન્સેલિંગ, પોસ્ટર, વર્કશોપ વગેરે દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ. શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો અને બીએડ અભ્યાસક્રમોમાં એન્ટિ-રેગિંગ વિષયોનો સમાવેશ કરવામાં આવશે.
શૈક્ષણિક સંસ્થાઓએ પ્રવેશ માટેની જાહેરાતોમાં રેગિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોવાનું દર્શાવવું જોઈએ. પ્રોસ્પેક્ટસ અને અન્ય પ્રવેશ સંબંધિત દસ્તાવેજોમાં સર્વોચ્ચ અદાલત અથવા રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ નિર્દેશોનો ઉલ્લેખ કરવો જોઈએ.