અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાનો અમેરિકાએ કર્યો વિરોધ
ચીની સેના સતત અરુણાચલ પ્રદેશને ચીનનો હિસ્સો ગણાવી રહી છે. એટલું જ નહીં, બીજિંગે અરુણાચલ પ્રદેશ અને તેની કેટલીક જગ્યાઓના નામ પણ આપ્યા. આવી સ્થિતિમાં અમેરિકાએ ભારતનું સમર્થન કર્યું છે. અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ જાહેર કર્યો છે.
અમેરિકાએ ચીનના પગલાની ટીકા કરી છે અને જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. યુએસએ કહ્યું છે કે તે અરુણાચલ પ્રદેશને ભારતીય ક્ષેત્ર તરીકે જ ઓળખે છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર પ્રાદેશિક દવાઓ કરતા ચીનના કોઈપણ પ્રયાસોનો સખત વિરોધ કરે છે. અમેરિકાનો આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલની મુલાકાતને લઈને ચીને અરુણાચલ પ્રદેશ પર પોતાના દાવાનું પુનરાવર્તન કર્યાના થોડા દિવસ બાદ આવ્યો છે. અમેરિકન સ્ટેટ વિભાગના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે બુધવારે તેમની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સ અરુણાચલ પ્રદેશને ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપે છે અને ભારપૂર્વક આ વાતનું સમર્થન કરે છે. વાસ્તવિક નિયંત્રણ રેખાની પેલે પાર આક્રમણ અથવા અતિક્રમણ, લશ્કરી અથવા નાગરિક દ્વારા પ્રાદેશિક દાવાઓને આગળ વધારવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસોનો અમેરિકા વિરોધ કરે છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ ઝાંગ ઝિયાઓગાંગે કહ્યું હતું કે જીજાંગનો દક્ષિણ ભાગ (તિબેટ માટે ચીનનું નામ) ચીનના ક્ષેત્રનો આંતરિક ભાગ છે. અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ કહેતું ચીન આ રાજ્યમાં ભારતીય નેતાઓની મુલાકાતનો વિરોધ કરી રહ્યું છે. બેઇજિંગે આ વિસ્તારને ઝંગનાન નામ પણ આપ્યું છે.
9 માર્ચે વડાપ્રધાન મોદીએ અરુણાચલ પ્રદેશમાં 13,000 ફૂટની ઉંચાઈ પર બનેલી સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ ટનલ વ્યૂહાત્મક રીતે સ્થિત તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને સરહદી વિસ્તારોમાં સૈનિકોની વધુ સારી અવરજવરમાં પણ મદદ કરશે.