શેરબજારમાં અમેરિકન કરંટ વચ્ચે તેજીનો ઉછાળો
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં ફેડરલના નિર્ણય સાથે મળેલા અમેરિકન કરંટ વચ્ચે તેજીનો સારો ઉછાળો જોવા મળ્યો છે, અલબત્ત અત્યરેબા સુધારો લગભગ અડધો ધોવાઈ ગયો છે પરંતુ બજારનો અંડર ટોન મજબૂત જણાઈ રહ્યો છે.
વિશ્વબજારમાં સુધારાનો સંકેત મળવાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે ગુરૂવારના સત્રમાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો, જેની આગેવાની આઇટી શેરોમાં આવેલા ઉછાળાએ લીધી હતી.
પ્રારંભિક સત્રમાં સેન્સેકસમાં ૭૦૦ પોઇન્ટ થી મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફ્ટી પણ ૨૨,૦૦૦ની સપાટી વટાવી ગયો હતો. જોકે ઊંચે મથાળે વેચવાલી આવતા સુધારો પચાસેક ટકા ધોવાઈ ગયો હતો.
નોંધવા જેવી બાબત એ રહી હતી કે સાર્વત્રિક લેવાલીને કારણે એક્સચેન્જના તમામ સેકટરલ ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યા હતા, જે પાછલા સતત બે સત્રથી નેગેટિવ ઝોનમાં બંધ થયા છે. યુ.એસ. ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રણ તબક્કામાં વ્યાજ દરોમાં કાપ મૂકવાના તેના અંદાજને જાળવી રાખ્યા પછી વૈશ્વિક શેરબજારોમાં મજબૂત તેજીનો પવન ફૂંકાવા થી પણ સ્થાનિક બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.
તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજીમાં જોડાયા હતા, જેમાં નિફ્ટી મેટલમાં બે ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારત VIX ઇન્ડેક્સ તે દરમિયાન, ત્રણ ટકાથી વધુ ઘટ્યો હતો.
બજારના નિષ્ણાત અનુસાર વૉલ સ્ટ્રીટ પર રેકોર્ડ બંધ થવાથી અને ફેડરલના વિશ્વાસપૂર્ણ વલણથી ઉત્સાહિત બજારમાં, નિફ્ટી નોંધપાત્ર આગેકૂચ માટે તૈયાર છે, જે આશાવાદી આર્થિક અંદાજો દ્વારા સમર્થિત છે. વ્યાજ દરો સ્થિર રહેવા સાથે, નિફ્ટીના તાત્કાલિક લક્ષ્યાંકો 22000 અને 22527 પર છે, જ્યારે નકારાત્મક જોખમો મર્યાદિત છે.