Chaitra Navratri 2024: આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર બની રહ્યા છે શુભ યોગ, જાણો ક્યારથી શરૂ થાય છે પ્રથમ નોરતું
સનાતન હિન્દુ ધર્મમાં નવરાત્રિનો મહિમા ઘણો છે. આ પવિત્ર ચૈત્ર માસમાં માતા દુર્ગા આદ્યશક્તિની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે.હિન્દુ પંચાગ મુજબ એક વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે (Chaitra Navratri 2024). જેમાં ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિનુ વિશેષ મહત્વ છે જ્યારે બે ગુપ્ત નવરાત્રિ છે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથીથી શરૂ થાય છે અને નવમી તિથી પર સંપન્ન થાય છે.
ચૈત્ર નવરાત્રિ પર, દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ પર, મા દુર્ગાના ભક્તો દેવીને પ્રસન્ન કરવા માટે સતત નવ દિવસ ઉપવાસ, ધ્યાન અને મંત્રોનો જાપ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચૈત્ર નવરાત્રિ પર દેવી દુર્ગાની પૂજા કરવાથી જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ આ વર્ષે ચૈત્ર નવરાત્રી ક્યારે શરૂ થઈ રહી છે અને શુભ સમયથી લઈને માતા દેવીના આગમન સુધીની તમામ મહત્વપૂર્ણ માહિતી…
હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 08 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યે શરૂ થઈ રહી છે અને 9 એપ્રિલે રાત્રે 08:30 વાગ્યે સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં, ઉપવાસ અને તહેવારો ઉદયા તિથિના આધારે ઉજવવામાં આવે છે. આ કારણે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.
ચૈત્ર નવરાત્રિ પર, ઘટસ્થાપન, જેને કલશ સ્થાપના પણ કહેવામાં આવે છે, તે એક શુભ સમયે કરવાનું નિર્ધારિત છે. 09 એપ્રિલે ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત સવારે 06:11 થી શરૂ થશે અને સવારે 10:23 સુધી ચાલશે. આ ઉપરાંત અભિજીત મુહૂર્તમાં કલશની સ્થાપના પણ કરવામાં આવે છે. આ દિવસે, અભિજીત મુહૂર્ત 09 માર્ચે બપોરે 12:03 થી 12:54 સુધી રહેશે.
ચૈત્ર નવરાત્રીમાં 9 દિવસ સુધી દેવી શક્તિની પૂજા કરવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ આ વખતે ચૈત્ર નવરાત્રી ખૂબ જ શુભ બની રહી છે. 09 એપ્રિલે અમૃતસિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બંને એક સાથે પડી રહ્યા છે. આ બંને શુભ યોગ 09 એપ્રિલે સવારે 07.32 વાગ્યાથી આખો દિવસ ચાલશે. આ યોગોને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રિની શરૂઆતમાં માતા દુર્ગા સ્વર્ગમાંથી પૃથ્વીલોક પર આવે છે. દર વખતે નવરાત્રિ પર, મા દુર્ગા કોઈને કોઈ વાહન પર સવાર થઈને પૃથ્વી પર આવે છે. માતાનું વાહન નવરાત્રિ કયા દિવસે શરૂ થાય છે તેના પર નિર્ભર કરે છે. આ વખતે મંગળવારથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં માતા દુર્ગાનું વાહન ઘોડો હશે, જેના પર સવાર થઈને માતા આવશે. ઘોડા પર સવાર થઈને મા દુર્ગાનું આગમન એ શક્તિ પરિવર્તન અને પરેશાનીઓમાંથી મુક્તિનો સંકેત છે. શાસ્ત્રોમાં ઘોડા પર સવાર થઈને માતાનું આગમન શુભ માનવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રી તિથી
પ્રતિપદા તિથી- 09 એપ્રિલ 2024 મંગળવાર, મા શૈલપુત્રી પૂજા, કલશ સ્થાપન
દ્વિતિયા તિથી- 10 એપ્રિલ 2024 બુધવાર, મા બ્રહ્રચારિણી પૂજા
ત્રીજી તિથી- 11 એપ્રિલ 2024 ગુરુવાર, મા ચંદ્રઘંટા પૂજા
ચતુર્થી તિથિ-12 એપ્રિલ 2024 શુક્રવાર, મા કુષ્માંડા પૂજા
પંચમી તિથી- 13 એપ્રિલ 2024 શનિવાર, મા સ્કંદમાતા પૂજા
છઠ્ઠી તિથી- રવિવાર, 14 એપ્રિલ, 2024, મા કાત્યાયની પૂજા
સાતમી તિથી- 15 એપ્રિલ 2024 સોમવાર, મા કાલરાત્રી પૂજા
અષ્ટમી તિથી – 16 એપ્રિલ 2024 મંગળવાર, મા મહાગૌરી પૂજા અને દુર્ગા મહાષ્ટમી પૂજા
નવમી તિથી- 17 એપ્રિલ 2024 બુધવાર, મા સિદ્ધિદાત્રી પૂજા, મહા નવમી અને રામ નવમી પૂજા
દશમી તિથિ- 18 એપ્રિલ 2024 ગુરુવાર, પારણ, દુર્ગા વિસર્જન