ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં નરમાઈ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહ્યો હોવાથી દેશાવરોમાં વિવિધ કૉમૉડિટીની આયાત પડતરોમાં વધારો થતા માગ પર માઠી અસર પડતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને ટીન, નિકલ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૧, રૂ. ૧૨ અને રૂ. સાતનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય કોપરની અન્ય વેરાઈટીઓ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. સ્થાનિકમાં મુખ્યત્વે ટીન, નિકલ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૧ ઘટીને રૂ. ૨૪૮૭, રૂ. ૧૨ ઘટીને રૂ. ૧૪૯૫ અને રૂ. સાત ઘટીને રૂ. ૭૯૭ના મથાળે રહ્યા હતા.