બાર્ગેન હંટીંગ: સેન્સેક્સ, નિફ્ટી રિબાઉન્ડ તરીકે રિલાયન્સ, આઈટીસીના શૅરમાં તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરના ઘટાડાની રૂપરેખા જારી કરશે એવી આશા વચ્ચે વોલસ્ટ્રીટની પાછળ એશિયાઇ બજારમાં આવેલા ઉછાળાને અનુસરતા સ્થાનિક બજારે પણ બાર્ગેન હંટિંગના સહારે રિબાઉન્ડ કરીને પોઝીટીવ ઝોનમાં પાછા ફરવામાં સફળતા મેળવી હતી. ખાસ કરીને વિશ્ર્વબજારના સારા સંકેત પાછળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને સ્ટેટ બેન્ક જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલી અને સુધારો આવતા બેન્ચમાર્ક સુધારાને પંથે આગળ વધ્યો હતો.
અફડાતફડીમાંથી પસાર થઇને સત્રને અંતે ત્રીસ શેરો ધરાવતો બીએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ, સેન્સેક્સ ૮૯.૬૪ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકા વધીને ૭૨,૧૦૧.૬૯ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૩૯૦.૬૨ પોઈન્ટ અથવા ૦.૫૪ ટકા વધીને ૭૨,૪૦૨.૬૭ પોઇન્ટના સ્તર પર પહોંચ્યો હતો. બેન્ચમાર્ક પ્રારંભિક સત્ર દરમિયાન ૩૩૭.૬૩ પોઈન્ટ અથવા ૦.૪૬ ઘટીને ૭૧,૬૭૪.૪૨ પોઇન્ટની નીચી સપાટીને પણ અથડાયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ઇન્ડેક્સ ૨૧.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૧૦ ટકાના સુધારા સાથે ૨૧,૮૩૯.૧૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે સાનુકૂળ વૈશ્ર્વિક સેન્ટિમેન્ટ અને નક્કર ડાયરેક્ટ ટેક્સ વસૂલાતને કારણે ભારતીય બજારોમાં સુધારો જોવા મળ્યો હતો અને સાધારણ સુધારાૃ સાથે બંધ થયા હતા. મજબૂત એફઆઇઆઇ અને ડીઆઇઆઇના આંતરપ્રવાહે બજારને ટકાવી રાખ્યું હતું.સેન્સેક્સ બાસ્કેટમાંથી મારૂતિ, નેસ્લે, પાવર ગ્રીડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક અને એશિયન પેઈન્ટ્સ ટોપ ગેઇનર્સ શેરની યાદીમાં સામેલ થયા હતા. તેનાથી વિપરીત, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક, ટાટા મોટર્સ અને એચડીએફસી બેંકનો ટોપ લુઝર્સ શેરોની
યાદીમાં સમાવેશ હતો.
કોર્પોરેટ હલચલમાં વિવિધ શ્રેણીના પ્રોજેક્ટ્સ માટે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (વીએફએક્સ) પૂરી પાડવાની વિશેષતા ધરાવતી કંપની ડિજીકોર સ્ટુડિયો લિમિટેડે વીએફએક્સ ઉદ્યોગમાં અનુભવી અનુભવી જેસન સ્પર્લિંગની તેમના નવા ક્રિએટિવ ડિરેક્ટર અને વીએફએક્સ સુપરવાઇઝર તરીકે નિમણૂક કરી છે. જેસન તેમની સાથે નેટફ્લિક્સ ખાતે યુએસએ અને કેનેડાના વીએફએક્સ (સિરીઝ) ડિરેક્ટર તરીકેની બે દાયકાથી વધુની કુશળતાની ભૂમિકાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે ત્રણ પ્રાઇમટાઇમ એમી નોમિનેશન અને બે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સોસાયટી એવોર્ડ નોમિનેશન મેળવ્યા છે.
એશિયન બજારોમાં, સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા હતા. જાપાનીઝ સ્ટોક એક્સચેન્જ રજા માટે બંધ હતા. યુરોપિયન બજારો મોટે ભાગે નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા.
વોલ સ્ટ્રીટ મંગળવારે રાતોરાત વેપારમાં સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૧,૪૨૧.૪૮ કરોડના મૂલ્યની ઇક્વિટી ખરીદી હતી. એડવાન્સ ટેક્સમાં ઊંચી વસૂલી થઇ હોવાથી ૧૭ માર્ચ સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૯.૮૮ ટકા વધીને રૂ. ૧૮.૯૦ લાખ કરોડથી વધુ થયું હતું. વૈશ્ર્વિક કઊડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૦ ટકા ઘટીને ૮૬.૬૮ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
મંગળવારે ૩૦ શેરો ધરાવતો બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૭૩૬.૩૭ પોઈન્ટ અથવા ૧.૦૧ ટકા ઘટીને ૭૨,૦૧૨.૦૫ પોઇન્ટ પર સેટલ થયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૨૩૮.૨૫ પોઈન્ટ અથવા ૧.૦૮ ટકા ઘટીને ૨૧,૮૧૭.૪૫ પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
સેબીની ચેતવણી અને ફંડોની સ્ટ્રેસ ટેસ્ટ બાદ રિડેમ્પશનના દબાણને કારણે નાના શેરોમાં વેચવાલી વધતી રહી હોવાથી, મિડ અને સ્મોલકેપ શેરઆંકોમાં પણ નિરાશાજનક વલણ ચાલુ રહ્યું છે. જોકે, આ સત્રમાં મિડકેપના બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં અત્યંત મમૂલી સુધારો અને સ્મોલકેપના બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં સાધારણ ઘસરકો જોવા મળ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, શેરબજારમાં વૈશ્ર્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે ઇલેક્શનની જાહેરાતને પગલે સાવચેતીના માહોલ વચ્ચે ઉથલપાથલ અને અફડાતફડીનો દોર તીવ્ર બન્યો છે.