PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત, જાણો શું ચર્ચા થઈ
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે (20 માર્ચ)ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર રશિયા-યુક્રેન સંઘર્ષ મુદ્દે વાત કરી હતી. અને પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિને શાંતિ માટે તમામ પ્રયાસો કરવા તથા યુધ્ધનો વહેલામાં વહેલી તકે અંતે આવી જાય તે અંગે ભારતના સતત સમર્થનનો ભરોસો આપ્યો હતો. તે ઉપરાંત તેમણે યુક્રેનને માનવતાવાદી સહાય આપવાનું ભારત ચાલુ રાખશે તે અંગેની પણ ખાતરી આપી હતી.
પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “ભારત-યુક્રેન ભાગીદારીને મજબૂત કરવા પર રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે સારી વાતચીત થઈ. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના વહેલા અંત તથા બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે માટે ભારતના તમામ પ્રયાસો અને માટે ભારતના સતત સમર્થનની વાત કરી હતી. ભારત તેના લોકો-કેન્દ્રિત અભિગમ દ્વારા માનવતાવાદી સહાયતા આપવાનું ચાલુ રાખશે..”
નરેન્દ્ર મોદી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરતા પહેલા મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી હતી અને તેમને તેમના પાંચમા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.
આ દરમિયાન, અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરતી વખતે, મોદીએ વાતચીત અને રાજદ્વારી આગળ વધવાના સમર્થક તરીકે ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમના મતે બંને નેતાઓ સંપર્કમાં રહેવા માટે સંમત થયા છે. રશિયાના શક્તિશાળી નેતા પુતિને તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત મેળવી અને આ પદ માટે પાંચમી મુદત મેળવી હતી.