મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનો સાથ છોડનારા નેતાની ‘ઘરવાપસી’
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જનારા અને આવનારા નેતાઓના ‘આયા રામ ગયા રામ’ની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. હજી થોડા સમય પૂર્વે જ શરદ પવાર જૂથની સાથે છેડો ફાડીને અજિત પવાર જૂથમાં સામેલ થયેલા નેતા બજરંગ મનોહર સોનાવણે શરદ પવાર જૂથમાં ફરી પાછા સામેલ થઇ ગયા છે.
બુધવારે સોનાવણે શરદ પવાર જૂથની એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલની હાજરીમાં પક્ષમાં પાછા ફર્યા હતા. સોનાવણે શરદ પવાર કેમ્પમાં પાછા ફર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે શરદ પવાર પોતે પણ હાજર હતી.
સોનાવણેને ફરી એક વખત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી અપાય તેવી શક્યતા છે. આ પૂર્વે પ્રીતમ મુંડે વિરુદ્ધ સોનાવણે ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે, બીડ લોકસભા બેઠક ઉપરથી ભાજપે આ વખતે પ્રીતમ મુંડેના બદલે તેમના બહેન પંકજા મુંડેને ઉમેદવારી આપી છે. તો શરદ પવારની એનસીપી તરફથી પંકજા મુંડેની વિરુદ્ધ સોનાવણેને ઊભા કરવામાં આવે, તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે સોનાવણે અજિત પવાર અને ધનંજય મુંડેના અત્યંત નજીકના માનવામાં આવે છે અને બીડ ક્ષેત્રમાં તેમના સારા એવા સમર્થકો છે. ગઇ લોકસભાની ચૂંટણી દરમિયાન પણ પ્રીતમ મુંડે અને સોનાવણે વિરુદ્ધ ખરાખરીનો જંગ થયો હતો.
એનસીપીના બે ફાંટા પડ્યા ત્યાર બાદ તેમણે અજિત પવાર જૂથમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. છેલ્લી ઘડીએ સોનાવણેએ સાથ છોડતા અજિત પવાર અને ધનંજય મુંડે બંનેને મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવે છે.