‘આઇએનએસ શંકુશ’ની આવરદા ૨૦ વર્ષ વધશે
મઝગાંવ ડોકે હાથ ધર્યો ₹ ૨૭૨૫ કરોડનો પ્રકલ્પ
મુંબઈ: ભારતીય નૌકાદળના કાફલામાં ૩૭ વર્ષ પહેલા સામેલ કરવામાં આવેલી સબમરીનની આવરદા વધુ ૨૦ વર્ષ વધારવા માટેની જવાબદારી મઝગાંવ ડોકે હાથમાં લીધી છે. ‘આઈએનએસ શિશુમાર’ શ્રેણીની ‘આઈએનએસ શંકુશ’ સબમરીન મૂળ જર્મન બનાવટની છે. ૧૦૦ વર્ષથી કાર્યરત મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ સબમરીનના નિર્માણમાં દેશની અગ્રણી કંપની છે. ૧૯૮૦ના દશકમાં મઝગાંવ ડોકે જર્મન ટેક્નોલોજીની મદદથી ‘આઈએનએસ શાલ્કી’ અને ‘આઈએનએસ શંકુશ’ એ એક જ શ્રેણીની બે સબમરીન તૈયાર કરી હતી. આ બંને સબમરીન મઝગાંવ ડોકમાં તૈયાર કરવા માટે ’આઈએનએસ શિશુમાર’ શ્રેણીની બે સબમરીન જર્મનીમાં તૈયાર કરી ભારત લાવવામાં આવી હતી. એમાં ‘આઈએનએસ શંકુશ’નો સમાવેશ હતો. ૧૯૮૬ના સપ્ટેમ્બરમાં ભારતીય નૌકાદળમાં દાખલ થઈ હતી. એ સબમરીનનું સમારકામ મઝગાંવ ડોકે શરૂ કર્યું છે. આ કામ ત્રણ વર્ષ ચાલશે અને સમારકામ માટે ૨૭૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.