દાદરની કચ્છી મહિલા ડૉક્ટરે અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવ્યું
ઘરમાંથી સ્યુસાઇડ નોટ મળી: પોલીસે સર્ચ ઑપરેશન હાથ ધર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરમાં રહેનારી 43 વર્ષની કચ્છી મહિલા ડૉક્ટરે અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવ્યું હોવાની ઘટના સોમવારે બપોરે બની હતી. સ્યુસાઇડ નોટ લખીને ઘરેથી નીકળેલી મહિલાએ ટેક્સી પકડીને અટલ સેતુ પર પહોંચ્યા બાદ આ પગલું ભર્યું હતું. ન્હાવા શેવા પોલીસે કોસ્ટલ સિક્યુરિટી પોલીસની મદદદથી સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું, પણ બુધવાર સાંજ સુધી મહિલાની કોઇ ભાળ મળી નહોતી, એમ અધિકારીએ કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવડી-ન્હાવા શેવા વચ્ચે નવનિર્મિત અટલ સેતુ પર આત્મહત્યાના પ્રયાસનો આ પહેલો કિસ્સો છે.
ભોઇવાડા પોલીસના જણાવ્યા અનુસાર મહિલા ડૉક્ટરની ઓળખ કિંજલ કાંતિલાલ શાહ તરીકે થઇ હોઇ તે દાદાસાહેબ ફાળકે રોડ પર નવીન આશા ઇમારતમાં રહેતી હતી. કિંજલ છેલ્લાં આઠથી દસ વર્ષથી ડિપ્રેશનનો સામનો કરી રહી હતી અને તેની સારવાર ચાલી રહી હતી, એમ તેના પિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું.
કિંજલ સોમવારે કામ અર્થે બહાર જઇ રહી હોવાનું પિતાને ફોન પર જણાવી ઘરેથી નીકળી હતી. જોકે બાદમાં કિંજલ મળી ન આવતાં પિતાએ ભોઇવાડા પોલીસનો સંપર્ક સાધી મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પરિવારને બાદમાં ઘરમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તે જીવનનો અંત આણવા અટલ સેતુ પર જઇ રહી હોવાનું કિંજલે જણાવ્યું હતું. એ સિવાય તે જે ટેક્સીમાં જવાની છે તેના ડ્રાઇવરને ત્રાસ આપવો નહીં, એમ પણ નોટમાં લખ્યું હતું.
કિંજલના પિતાએ સ્યુસાઇડ નોટ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં કિંજલ બપોરના દોઢ વાગ્યે ઘરેથી નીકળી હોવાનું જણાયું હતું. કિંજલે શિંદેવાડી વિસ્તારથી ટેક્સી પકડી હતી અને ડ્રાઇવરને અટલ સેતુ પુલ પર લઇ જવાનું કહ્યું હતું. મુંબઇથી લગભગ 14.3 કિલોમીટર દૂર અટલ સેતુ પર તેણે ડ્રાઇવરને ટેક્સી રોકવાનું કહ્યું હતું, પણ ડ્રાઇવરે ટેક્સી રોકી નહોતી. બાદમાં ડ્રાઇવરે ટેક્સી થોભાવતાં તે નીચે ઊતરી હતી. થોડે દૂર ગયા બાદ તેણે દરિયામાં ઝંપલાવ્યું હતું.
દરમિયાન ટેક્સી ડ્રાઇવરે મુંબઈ પોલીસને આ અંગે માહિતી આપી હતી, જેને પગલે ન્હાવા શેવા પોલીસે કોસ્ટલ પોલીસ અને ગામવાસીઓની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, એમ ન્હાવા શેવા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કોટેએ જણાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે શનિવારે પુણેની મહિલા ડોક્ટર પરિવાર સાથે અટલ સેતુ પરથી પસાર થઇ રહી હતી ત્યારે સેલ્ફી લેતી વખતે તે નીચે પડી ગઇ હતી. એ સમયે નીચે કામ ચાલી રહ્યું હતું અને ત્યાં હાજર લોકોએ તેને બચાવી લીધી હતી.