હવે આચારસંહિતાને કારણે મુંબઈના સ્ટેશનો પરના થ્રીડી સેલ્ફી બૂથ હટાવાયા
મુંબઈ: ભારતીય રેલવેના અલગ અલગ વિભાગોમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘થ્રી-ડી સેલ્ફી બૂથ’ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘૩ડી સેલ્ફી પોઈન્ટ્સ’ની સ્થાપના કરવામાં હતી, પરંતુ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કર્યા પછી આચારસંહિતા લાગુ પડતા રેલવે સ્ટેશન પરના થ્રીડી બુથ હટાવ્યા છે.
મધ્ય રેલ્વેના પાંચ વિભાગોમાં ૫૦ મહત્વપૂર્ણ સ્ટેશન પર ૧.૬૨ કરોડના ખર્ચે થ્રીડી સેલ્ફી બૂથ અને પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. જોકે લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવાથી વડા પ્રધાન મોદીના પોસ્ટરવાળા ૩ડી સેલ્ફી બૂથ હટાવી લેવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનો પર અવરોધિત જગ્યા ખાલી કરવામાં આવી હોવાથી સ્ટેશનોએ રાહતનો શ્વાસ લીધો છે.
‘સ્કિલ ઈન્ડિયા’, ‘ડિજિટલ ઈન્ડિયા’, ‘હમ હૈ ડિજિટલ’, ‘હમ હૈ નયા ભારત’, ‘સ્પેસ પાવર નયા ભારત’, ‘નયા ભારત (ઘર) આવાસ કી શક્તિ’, ‘ગેસ ધુને સે મુક્તિ-ઉજ્જવલ કી શક્તિ’, ‘હર ઘર જલ-જલ જીવન મિશન’ અને ‘ડિજિટલ ઈન્ડિયા હમ હૈ ડિજિટલ’ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ નાગરિકો સુધી પહોંચે તેના માટે મધ્ય રેલવે સ્ટેશનો પર ‘૩ડી સેલ્ફી બૂથ’ અને ‘૩ડી સેલ્ફી પોઈન્ટ’ બનાવવામાં આવ્યા હતા.
આ બૂથ અને પોઈન્ટ મધ્ય રેલવેના મુંબઈ, પુણે, સોલાપુર, ભુસાવલ, નાગપુરના પાંચ વિભાગોમાંના દરેકમાં દસ સ્ટેશનમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. ૫૦ રેલ્વે સ્ટેશનોમાંથી ૩૦ સ્ટેશનોમાં કામચલાઉ ધોરણે અને ૨૦ સ્ટેશનમાં કાયમી ધોરણે બૂથ અને પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા હતા. અસ્થાયી સેલ્ફી પોઇન્ટ માટે ૧.૨૫ લાખ રૂપિયાનો ચાર્જ લેવામાં આવ્યો હતો. કાયમી સેલ્ફી પોઈન્ટ બનાવવા માટે ૬.૨૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.